સુમરાસરનો યુવાન લાપતા છે કે ઠંડે કલેજે હત્યા થઈ? - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • સુમરાસરનો યુવાન લાપતા છે કે ઠંડે કલેજે હત્યા થઈ?

સુમરાસરનો યુવાન લાપતા છે કે ઠંડે કલેજે હત્યા થઈ?

 | 2:00 am IST

નામ ઃ હિતેશ શેખવા

ગામ ઃ સુમરાસર(શેખ)

ઉમર ઃ ૨૨

ગુમ થયા તારીખઃ ૧૦-૦૫- ૨૦૧૮

ક્યાંથી ? ઃ તેના ઘેરથી નીકળ્યા બાદ સુમરાસર ગામમાંથી

ગુમશુદા નોંધ ઃ બી ડિવિ. પો. સ્ટે., તા. ૧૮-૦૫- ૨૦૧૮

ક્યાં હોઈ શકે ? ઃ ખબર નહીં

સંભાવના ઃ હત્યા ?

સંભવિત હત્યાનું કારણ ઃ સ્ત્રી પાત્ર

સંભવિત હત્યા ક્યારે થઈ ? તે કરનારા સિવાય કોઈને ખબર નથી

સંભવિત હત્યા કરનારાઓ ? ઃ છેલ્લે તેની સાથે રહેલા બે શખસો અથવા અન્યો પણ હોઈ શકે

પોલીસ ઈન્વેસ્ટિગેશન ઃ હાલ ચાલુ છે

પોલીસની તપાસ થિયરી ઃ હત્યાનું અનુમાન તે દિશામાં કેન્દ્રીત (છેલ્લા પાંચ દિવસથી)

ગત તારીખ ૧૦ મે, ૨૦૧૮ના હિતેશ શેખવા નામનો ૨૨ વર્ષીય અપરિણીત યુવાન તેના ઘેરથી નીકળે છે. રાત પડી ગઈ છે. તે ઘેર પરત ફર્યો નથી, પરિવારજનો માટે આ કંઈ નવું નથી . એક દિવસ ગયો , બીજો દિવસ ગયો એમ કરતા પાંચ દિવસ થયા. પરિજનોએ હવે તેની શોધખોળ શરૃ કરી. તેના મિત્રો, સગા સંબંધીઓ, ઊઠવા બેસવાના સ્થળોએ તપાસ કરી. તમામ જગ્યાએથી એક જ જવાબ અમે હિતેશને પાંચ દિવસથી જોયો નથી. આખરે તારીખ ૧૮ મેના રોજ બી ડિવિઝન પોલીસ મથકે તેના ગુમ થવાની નોંધ કરવામાં આવી.

તારીખ ૧૦ મેથી લઈ આજ સુધી હજુ એ મળ્યો નથી, તો સ્વાભાવિક છે કે , સવાલ ઊભો થાય કે તે ક્યાં છે? પોલીસ તપાસમાં શું મળ્યું? તે અત્યારે ક્યાં હશે? પોલીસે તપાસ કરી તો કેવી કરી ? કાગળ પરની નિવેદનબાજી પર બધું ચાલી રહ્યું છે કે શું ? આવા તો અનેક પ્રશ્નો વચ્ચે એક સનસનીખેજ બાબત બહાર આવી રહી છે કે, તેની હત્યા કરવામાં આવી છે. શું ખરેખર તેની હત્યા જ થઈ છે? તો કોણે કરી ? અથવા તો હાલે એ ક્યાં છે? તેના જવાબ નથી મળતા. લાપતા થયેલા યુવકનું શુ થયું ? તે રહસ્ય આજે પણ વણ ઊકેલાયેલું જ છે. તે ખરેખર ગુમ છે કે પછી મર્ડર મિસ્ટ્રી છે?

વિશ્વસનીય વર્તુળોમાંથી મળેલી વિગત મુજબ આશરે પોણા ચાર માસ અગાઉ ગુમ થયેલા યુવાનની આયોજનબદ્ધ ઠંડે કલેજે હત્યા કરવામાં આવી છે. હત્યાને અંજામ આપ્યા બાદ તેની લાશને પણ સગેવગે કરી નાખવામાં આવી છે. હત્યાનું કારણ સ્ત્રી પાત્ર છે અને તે તેના જ ગામની છે. લાપતા થયેલા યુવકના તે સ્ત્રી સાથેના આડા સંબંધો અનેક સમજાવટ છતાં બંધ ન થતાં આખરે તેનું ઢીમ ઢાળી દેવાયું. હત્યાને અંજામ આપનારાઓ વિશે ગામમાં પણ ઘણા બધા લોકો જાણે છે, પરંતુ કોઈ હરફ ઉચ્ચારવા તૈયાર નથી. પોલીસ જો આ બાબતે ઉંડી તપાસ કરે તો તેના ગુમ થવા અને હત્યા થઈ છે કે કેમ? તે બાબતે ખોફનાક વિગતો સામે આવે તેમ છે.

એ જ વ્યસન અને એ જ મોડેસ ઓપરેન્ડી  

વિશ્વસનીય વર્તુળોમાંથી મળેલી વિગત મુજબ હિતેશ શેખવા દારૃ પીવાની ટેવ વાળો હોઈ તેને દારૃની મહેફિલ માણવા બોલાવાયા બાદ તે ગુમ થયો છે તેનું છેલ્લું મોબાઈલ લોકેશન સુમરાસર ગામની એક ચોક્કસ જગ્યાએ હતું. તે દારૃ પીવા ગયા બાદ ગુમ થયો તે દિવસથી જ મોબાઈલ સ્વીચ ઓફ આવે છે. આ હકીકત દર્શાવે છે કે, તેના વ્યસનને આગળ ધરી તેને ત્યાં બોલવાયો હશે અને પછી જે કરવાનું હતું તેને અંજામ આવામાં આવ્યો.  

દારૃની મહેફિલમાં તેની સાથે રહેલા બે શખસો કોણ?  

સૂત્રોનું માનીએ તો હિતેશ શેખવાની ઠંડા કલેજે આયોજનબદ્ધ હત્યા કરવામાં આવી છે. તેને દારૃની મહેફિલ માણવા બે શખસોએ બોલાવ્યો હતો. ત્રણે જણે સાથે દારૃ પીધો હતો. જેનો અર્થ એ થાય છે કે, તે તેમને ઓળખતો હતો. વળી, એવી વાત પણ સામે આવે છે કે, ગામના અમુક લોકોએ ત્રણેને સાથે જતા જોયા હતા. આ બંને શખસો પણ રહસ્યમય બની રહ્યા છે. સાથો સાથ અનેક સવાલો પણ ઊભા કર્યા છે. તેમાં તે બે શખસોની કામગીરી માત્ર તેને ચોક્કસ જગ્યાએ બોલાવવા પૂરતી જ હતી કે તમામ કામ પૂર્ણ કરવા માટે તેનો ઉપયોગ થયો હતો ? હાલ આ બંને શખસો શંકાના દાયરામાં છે.  

પોલીસ તમામ દિશાઓમાં તપાસ કરે છે ઃ પીઆઈ (બી ડિવિઝન)  

હિતેશ શેખવા નામનો યુવાન ગુમ થયો છે, તે ખરેખર જ ગુમ થયો છે કે પછી તેની હત્યા કરી નાખવામાં આવી છે ? જે બાબતે બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ખાંટને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, તેની હત્યા થઈ છે તેમ ચોક્કસ ન કહી શકાય, તેમ તેની સંભાવનાનો ઈનકાર પણ થઈ શકે નહીં. પોલીસ તમામ સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી તપાસ કરી રહી છે.

વગદાર લોકોએ પ્રકરણનું પડીકું વાળ્યું ?  

હિતેશ શેખવા ગુમ થયા બાદ પોલીસ તપાસ જે રીતે ચાલી છે તેમાં હજુ સુધી કોઈ જ નિષ્કર્ષ સામે આવ્યો નથી. હિતેશ ખરેખર લાપતા જ છે કે, પછી તેનું ઢીમ ઢાળી દેવાયું છે ? વિશ્વસનીય માહિતી મુજબ તેની ચોક્કસ હત્યા જ કરી નાખવામાં આવી છે. તેમજ તેના મૃતદેહને સગેવગે પણ કરી દેવાયો છે. જેને અંજામ આપનારાઓ એ જ્ઞાાતિ આગળ ધરી તમામ પ્રકારના દબાણ પણ કરાવ્યા છે. જેનો છેડો પૂર્વ કચ્છ તરફ નીકળે છે. ટૂંકમાં આ પ્રકરણનું પડીકું વાળી દેવાના પ્રયાસો હાલ પૂરતા સફળ રહ્યા છે.

શંુ હત્યાને અંજામ આપનારાઓ કોઈ બીજા છે?  

સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ હિતેશ શેખવા સાથે છેલ્લે જોવા મળેલા બે શખસો કે જેમની સાથે તેણે દારૃની મહેફિલ માણી હતી તેમની ભૂમિકા માત્ર હિતેશને ત્યાં લાવવા પૂરતી જ હતી. આજે હિતેશ શેખવા કેસ માત્ર ગુમશુદા નોંધ છે કે, પછી એક અન્ય મર્ડર મિસ્ટ્રી છે. તે બાબત તો પોલીસ રહસ્ય પરથી પડદો ઊંચકે ત્યારે ખબર પડશે. સૂત્રોનું માનીએ તો હિતેશનું કામ તમામ કરી દેનારાઓ કોઈ બીજા જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન