Is there a vaccine against cancer? vaccine taken during pregnancy
  • Home
  • Health & Fitness
  • શું કેન્સર સામે કોઈ વેક્સિન ઉપલબ્ધ છે?

શું કેન્સર સામે કોઈ વેક્સિન ઉપલબ્ધ છે?

 | 3:50 am IST
  • Share

  • કેન્સરનું નામ પડતા ભલભલા લોકોના મોતિયા મરી જાય

  • વેક્સિન લેવાથી વંધ્યત્વ આવી શકે? 

  • જી ના! વેક્સિન fertility પર કોઈ જ નેગેટિવ અસર કરતી નથી

કેન્સરનું નામ પડતા ભલભલા લોકોના મોતિયા મરી જાય છે. કારણ? મોટાભાગનાં કેન્સર શરૂઆતના તબક્કામાં લક્ષણરહિત હોય છે અને જ્યારે લક્ષણો દેખાય ત્યારે બહુધા મોડું થઈ ગયું હોય છે અને માણસ લાંબી અને ખર્ચાળ સારવારના ચક્રવ્યૂહમાં ફ્સાઈ જાય છે અને સારવારની આધુનિક પદ્ધતિઓ બાદ પણ હજી મૃત્યુદર અસાધારણપણે ઊંચો છે. બહુ ઓછા લોકોને માહિતી છેકે એક કેન્સર એવું પણ છે કે જેને નાની ઉંમરે રસી લેવાથી તદ્દન અટકાવી શકાય છે. જી હા, અને તે છે સ્ત્રીઓમાં થતું ગર્ભાશયનું કેન્સર અથવા સર્વાઈકલ કેન્સર

સર્વાઈકલ કેન્સર શું છે

બહેનોમાં જોવા મળતું આ કેન્સર સંખ્યાની દૃષ્ટિએ સહુથી કોમન સ્તન કેન્સર પછીના ક્રમે આવે છે. આંકડા અનુસાર વિશ્વમાં દર વર્ષે આશરે પાંચ લાખ લોકો આ કેન્સરનો ભોગ બને છે અને ત્રણ લાખ લોકો મૃત્યુ પામે છે. આમાં ચોથા ભાગનાં કેસ અને મૃત્યુ તો માત્ર આપણા દેશમાં જ નોંધાય છે. આંકડા પ્રમાણે 2018માં 1 લાખ કેસ અને 60000 મૃત્યુ આપણા દેશમાં નોંધાયાં હતાં. મોટા ભાગના (99.7%) કેસમાં કેન્સર થવાનું કારણ છે HPV એટલે કે Human Papilloma  Virus ઇન્ફેક્શન

HPV શું છે અને તે કઈ રીતે ફેલાય

HPV એક DNA પ્રકારનો વાઈરસ છે જે જાતીય સમાગમથી ફેલાય છે. જાતીય રીતે સક્રિય 80% લોકોમાં આ ઇન્ફેક્શન જોવા મળે છે. આમ તો આ ઇન્ફેક્શન એકદમ માઈલ્ડ છે અને મોટા ભાગના લોકોને કોઈ પણ સારવાર વિના જ 12 વર્ષમાં મટી જાય છે, પરંતુ અમુક કિસ્સામાં આ ઇન્ફેક્શન ક્રોનિક સ્વરૂપ ધારણ કરી દસ વીસ વર્ષ પછી કેન્સરમાં પરિવર્તિત થાય છે.  HPV વાઈરસના 100થી વધુ પ્રકાર  નોંધાયેલ છે જેમાંથી 13 પ્રકારના વાઈરસ કેન્સર અથવા જનનાંગના મસા  માટે કારણભૂત છે.

સર્વાઈકલ કેન્સર સહુથી વધુ કોમન છે પણ આ વાઈરસથી અન્ય કેન્સર જેમ કે, મુખ,અન્નનળી, શિશ્ન,યોનિમાર્ગ અને ગુદાનું કેન્સર સ્ત્રી તથા પુરુષોમાં થઈ શકે છે. ટૂંકમાં, જાતીય સમાગમ અથવા ત્વચા સંપર્કથી  આ કેન્સર ફેલાય છે અને આ ઇન્ફેક્શનનાં કોઈ લક્ષણો ન હોવાને લીધે જાતીય સાથી અજાણપણે આ ઇન્ફેક્શનનો ભોગ અને વાહક બને છે. કોન્ડોમનો વપરાશ પણ સંપૂર્ણપણે ઇન્ફેક્શનનો ફેલાવો રોકી શકતો નથી

HPV વેક્સિન શું છે અને તે કઈ રીતે રક્ષણ આપે?

સર્વાઈકલ કેન્સર અને genital warts માટે  HPVના 13 પ્રકારના વાઈરસ જવાબદાર છે. જેમાં subtype 16 અને 18 70% કેન્સર માટે કારણભૂત છે. અનેક પરીક્ષણો બાદ 2006માં  HPV વેક્સિન વપરાશમાં આવી છે. બે પ્રકારની વેક્સિન ઉપલબ્ધ છે બાઈવેલેન્ટ  અને ક્વાડુવેલેન્ટ  જે અનુક્રમે 2 અને 4 પ્રકારના HPV વાઈરસના ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. હવે તાજેતરમાં નેનોવેલેન્ટ  એટલે કે 9 પ્રકારના વાઈરસ સામે રક્ષણ આપતી વેક્સિન પણ ઉપલબ્ધ થઈ છે.

આ દરેક વેક્સિન કેન્સર સામે અકસીર છે અને 70% થી 90% સુધી રક્ષણ આપે છે. Quadruvalent અને Nanovalent વેક્સિન genital  warts સામે 100% સુધીનું વધારાનું રક્ષાકવચ પૂરું પાડે છે

વેક્સિન કોને અને કઈ રીતે અપાય

વેક્સિન ઈન્જેક્શનના સ્વરૂપમાં છે અને તેના 3 ડોઝ આપવામાં આવે છે. Bivalent વેક્સિન 0,1 અને 6 માસના અંતરે જ્યારે Quadruvalent તથા Nanovalent વેક્સિન 0,2 અને 6 માસના અંતરે આપવામાં આવે છે. સહુથી અગત્યનું એ છે કે આ વેક્સિન જાતીય ઉંમરની શરૂઆત પહેલાં આપવામાં આવે છે. 9થી 14 વર્ષની ઉંમરની દીકરીઓને જો આ વેક્સિન આપવામાં આવે તો તેમની રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવાની ક્ષમતા વધુ હોવાને લીધે તેઓને માત્ર 2 જ ડોઝ 0 અને 6 માસના અંતરે આપવાની જરૂર પડે છે.

9થી 24 વર્ષની ઉંમર દરમિયાન જો વેક્સિન લેવામાં આવે તો તે ખૂબ અકસીર સાબિત થાય છે. આ વેક્સિન જાતીય રીતે સક્રિય દરેક મહિલા (45 વર્ષની ઉંમર સુધી) લઈ શકે છે. અલબત્ત, જો એક વાર ઇન્ફેક્શન લાગી ચૂક્યું હોય તો તેનું નિવારણ નથી થતું પણ બીજા subtypeથી થતું ઇન્ફેક્શન રોકી શકાય છે.

ઘણા વિક્સિત દેશોમાં પુરુષ બાળકોને પણ 9થી 14 વર્ષની ઉંમર સુધી આ વેક્સિન આપવામાં આવે છે જેનાથી તેઓને શિશ્ન, મુખ તથા ગુદાના કેન્સર સામે રક્ષણ મળે છે,ઇન્ફેક્શનનો ફ્ેલાવો અટકે છે અને સમાજમાં herd immunity ડેવલપ થઈ કેન્સર સામે overall અકસીર રક્ષણ મળે છે. જોકે, આપણા દેશમાં હજી પુરુષ બાળકો માટે મંજૂરી નથી મળી

વેક્સિનની કોઈ આડઅસર ખરી

એક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં આ વેક્સિનના અત્યાર સુધી 17.5 કરોડ કરતાં પણ વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. વેક્સિન તદ્દન સુરક્ષિત છે. સામાન્ય દુખાવો, વેક્સિનની જગ્યાએ લાલ ચકામું થવું કે ક્વચિત્ સામાન્ય તાવ આવવો જેવી આડઅસર શક્ય છે પણ તે 12 દિવસમાં મટી જાય છે.

કિશોરાવસ્થામાં જ્યારે વેક્સિન આપવામાં આવે ત્યારે અમુક દીકરીઓને fainting attack આવે છે પણ તે rare છે અને તેને માટે anxiety અને apprehension કારણભૂત છે. આથી વેક્સિન લીધા બાદ 15 મિનિટ સુધી ક્લિનિકમાં  under observation રહેવું સલાહભર્યું છે

ગર્ભાવસ્થા દરમ્યાન અથવા સ્તનપાન કરાવતી મહિલા વેક્સિન લઈ શકે?

ગર્ભાવસ્થા દરમ્યાન વેક્સિન લઈ શકાતી નથી. જો વેક્સિનના કોઈ પણ ડોઝ પછી ગર્ભાવસ્થા આવે તો બાકીના ડોઝ પ્રસૂતિ બાદ આપવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમ્યાન જો ભૂલથી વેક્સિન અપાઈ જાય તો ગર્ભપાત કરાવવાની જરૂર નથી. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે વેક્સિન તદ્દન સુરક્ષિત છે

વેક્સિન લીધી હોય તો પણ કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ  કરવો પડે?

જી હા! વેક્સિન 100% કારગત નથી અને એક વાર ઇન્ફેક્શન લાગ્યા બાદ વેક્સિન લીધી હોય તો પણ કેન્સરની શક્યતા રહે છે. માટે Screen and Treat પ્રોટોકોલનું પાલન અવશ્ય કરવું

અમેરિકા,ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ તથા અમુક યુરોપિયન દેશો,જ્યાં આ વેક્સિન પાછલાં કેટલાંક વર્ષોથી નિયમિત આપવામાં આવે છે ત્યાં સર્વાઈકલ કેન્સરના કેસમાં 90% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. WHOની ગાઈડલાઈન પ્રમાણે ભારત જેવા દેશમાં,જ્યાં સર્વાઈકલ કેન્સર એક મોટી સમસ્યા છે અને જ્યારે તેની સામે રક્ષણ આપતી આટલી અકસીર વેક્સિન ઉપલબ્ધ છે ત્યાં આ વેક્સિનનો NIP માં અવશ્ય સમાવેશ કરવો જોઈએ જેનાથી દર વર્ષે થતાં લાખો લોકોમાં આ ઇન્ફેક્શન અને કેન્સરનો ફ્ેલાવો તથા તેના થકી થતો મૃત્યુદર કાબૂમાં લઈ શકાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો