Is there anything you can do to keep your body healthy?
  • Home
  • Featured
  • શું શરીરને સ્વસ્થ રાખવા તમે આટલું કરી શકો?

શું શરીરને સ્વસ્થ રાખવા તમે આટલું કરી શકો?

 | 8:30 am IST

ડાયટ ટિપ્સ :- શુભાંગી ગૌર

જ્યારે તમે તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે જીવનશૈલીમાં પરિવર્તન કરો છો ત્યારે તમે કલ્પી શકો તેના કરતાં વધારે ફાયદા મળે છે. તે જાદુઈ, દીર્ઘજીવી અને પ્રેરણાદાયી હોય છે તે તમારા વર્તન અને વિચારોને બદલે છે અને તમારા શરીરને માન આપતાં શીખવે છે. ડાયટ અમુક સમય સુધી જ કામ આપે છે, પરંતુ જો તમારે વજન ઘટાડવું હોય અને તેને જાળવી રાખવું હોય તો રોજના જીવનમાં ફેરફારો કરવા જ પડશે અને જીવનશૈલીમાં ફેરફાર કરશો તે આજીવન ઉપયોગી સાબિત થશે. જીવનશૈલીમાં ફેરફાર કરવો તે અઘરું કામ છે. શરૂઆતમાં તો ઘણું જ અઘરંુ લાગે છે, ઘણીવાર એવું બને કે આપણે કંટાળીને ફરીથી પહેલાં જીવતાં હતા એવું જ જીવન જીવવાનો વિચાર કરવા લાગીએ પણ વાત એવી છે કે એકવાર મનને મક્કમ બનાવી દેશો તો ભવિષ્યમાં ક્યારેય તકલીફમાં નહીં મુકાવું પડે.

મોટા ભાગના રોગો, મોટાભાગની તકલીફ આપણને આપણી જીવનશૈલીથી જ થતી હોય છે. તેમાં મોડા ઊઠવાની આદત, મોડે સુધી જાગવાની આદત, અપૂરતી ઊંઘ, જંકફૂડ માટેનો લગાવ, કસરત માટેની અરુચિ, શરીર માટેની બેદરકારી વગેરે બાબત આવી જાય છે. આજકાલ મોટાભાગના માણસોની જીવનશૈલી આવી જ બની ગઇ છે. પૈસા પાછળ ભાગવા જતાં શરીર માટે બેદરકાર બની જતાં લોકોને લાંબા સમયે મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. માટે જો શરીરને ટકાવી રાખવું હોય અને વજનને પણ વધતું અટકાવવું હોય તો જીવનશૈલીમાં ફેરફાર કરવો ખૂબ જરૂરી છે, પરંતુ જીવનશૈલીના ફેરફારો કેવા હોય છે અને તમે કેવી રીતે જાણશો કે તમે તે કર્યા છે?

ડાયટ અંગેની માનસિકતા અને જીવનશૈલી અંગેની માનસિકતા વચ્ચેનો તફાવત એ માત્ર દૃષ્ટિકોણની વાત છે.

ડાયટ એ માત્ર આંકડાઓ છે- વજનકાંટા પરના અને તમે જે કેલેરી લો છો અને જે કેલેરી વાપરો છો તેના આંકડાઓ. સફળતાનું માપન તમે એ આંકડાઓને કેટલી હદ સુધી વળગી રહો છો તેમાં છે. જીવનશૈલીના ફેરફારો સમગ્રપણે તમારા છે. તે તમારા આહાર અને શારીરિક પ્રવૃત્તિ અને વાસ્તવિક હેતુઓ તથા ઈચ્છાશક્તિ સાથે કરવામાં આવતું જોડાણ છે. આમાં સફળતાનું માપન તમે આ ફેરફારોથી પોતાની જાત માટે શું અનુભૂતિ કરો છો તે વડે થાય છે.

ડાયટ તમને મનથી એવું ધારવા પ્રેરે છે કે અમુક ચોક્કસ વજન જ આનંદ મેળવવાની અને બીજા પ્રશ્નોના ઉકેલની ચાવી છે. જીવનશૈલીમાં ફેરફાર પદ્ધતિ માને છે કે વધુ વજન વધારે હોવું એ સામાન્ય રીતે અન્ય પ્રશ્નોનું પરિણામ છે, કારણ નથી.

ડાયટ પર જવું એ બાહ્ય અને કામચલાઉ રીતે આહારની પદ્ધતિમાં કરવામાં આવતા ફેરફાર છે. તમે તમારા ડાયટ પ્લાન મુજબ ગણવા અને માપવા માંડશો અને અમુક ચીજો ખાવાની બંધ કરી દેશો કે પછી તેની અવેજીમાં બીજું ખાશો. ડાયટનાં પરિણામો બાહ્ય હોય છે; પણ જો તમે નસીબદાર હશો તો તમે બહારથી બદલાશો પણ અંદરથી તો નહીં જ

જીવનીશૈલીમાં કરવામાં આવતા ફેરફારો તમને તમારા આહાર, ખાવાની અને શારીરિક ક્રિયાઓ સાથે આંતરિક અને કાયમી રીતે જોડે છે. તમે સમજી શકો છો કે મૂળભૂત તકલીફ તમે શું ખાવ છો કે પછી કેટલા પ્રમાણમાં ખાવ છો તેની નથી પણ કેવી રીતે અને શા માટે ખાવ છો તેમાં છે. બેધ્યાનપૂર્વક અને લાગણીઓ સાથે જોડીને અણગમતા વિચારોથી દૂર રહેવા માટે ખોરાકનો ઉપયોગ કરવો એ ટેવ જ ખરેખર બદલવાની જરૂર છે.

અમે આશા રાખીએ છીએ કે આ સારવાર તમને અદ્ભુત એવા ભારતીય આહારની સફરે લઈ જશે અને તેના અંતે તમે તમારું પોતાનું અને તમારા કુટુંબ માટે પણ આહારનું આયોજન કરવા માટે તૈયાર થઈ ગયા હશો. જ્યારે તમે તમારા લક્ષ્ય માટે સ્પષ્ટ રીતે જાગ્રત હોવ અને તમે જ્ઞાાન, શિસ્તના એક ડોઝ અને તમને જોઈતા શરીર અને આરોગ્ય માટે યોગ્ય વલણ સાથે અનુસંધાન કરો. આવો, આ પ્રવાસમાં અમારી સાથે જોડાવ અને ધ ગ્રેટ ઈન્ડિયન ડાયટને શોધો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન