Is This the Reason ISRO Control Room has lost contact with Lander
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ISRO સાથે સંપર્ક કેમ કપાયો, મહત્વનુ કારણ આવ્યું સામે

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ISRO સાથે સંપર્ક કેમ કપાયો, મહત્વનુ કારણ આવ્યું સામે

 | 4:38 pm IST

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના મહાત્વાકાંક્ષી ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર દૂર હતું ત્યાં જ ધરતી સાથેનો તેનો સંપર્ક કપાઈ ગયો. જેથી લોકોમાં જોરદાર ખુશી હતી તે ઓસરી ગઈ. ત્યારબાદ આખા કન્ટ્રોલ રૂમમાં ઉદાસી છવાઈ ગઈ. આ સન્નાટાથી બહાર આવી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વૈજ્ઞાનિકો વચ્ચે પ્રવેશ્યા અને તેમને જુસ્સો વધાર્યો. ઇસરોના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, પહેલા અમને લાગ્યું કે એક થ્રસ્ટરથી ઓછું થ્રસ્ટ મળવાના કારણે આવું થયું, પરંતુ કેટલીક પ્રાથમિક તપાસથી એવું લાગી રહ્યું છે કે એક થ્રસ્ટરે અપેક્ષાથી વધારે થ્રસ્ટ લગાવી દીધું.

કેટલું મહત્વનું હોય છે થ્રસ્ટર?

થ્રસ્ટર અંતરિક્ષયાનમાં લાગેલું એક નાનું રોકેટ એન્જિન હોય છે. તેનો ઉપયોગ યાનનો રસ્તો બદલવા માટે કરવામાં આવે છે. તેનાથી અંતરિક્ષયાનની ભ્રમણની ઊંચાઈ ઓછી કે વધારી શકાય છે. લેન્ડર ગુમ થઈ ગયા બાદ ઇસરોએ કહ્યું હતું કે,  હજુ આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ઇસરોના વૈજ્ઞાનિકે મીડિયાને જણાવ્યું કે, લેન્ડર વિક્રમના લેગ્સને રફબ્રેકિંગના સમયે હૉરિઝૉન્ટલ (ક્ષિતિજની સપાટીને કે રેખાને સમાંતર) રહેવાનું હતું અને ફાઇન બ્રેકિંગ પહેલા લેન્ડિંગ સરફેસ પર વર્ટિકલ (ધરતી સાથે કાટખૂણે ઊભું હોય તેવું) લાવવાનું હતું. શરૂઆતના વિશ્લેષણથી જાણી શકાય છે કે લેન્ડિંગના સમયે થ્રસ્ટ જરૂર કરતાં વધુ થઈ ગયું હશે, જેનાથી વિક્રમ પોતાનો રસ્તો ભટકી ગયું. આ એવી જ વાત છે કે કોઈ ઝડપી કાર પર અચાનક બ્રેક લાગે છે અને તેનું સંતુલન બગડી જાય છે.

કેવી રીતે તૂટ્યો સંપર્ક?

લેન્ડર વિક્રમે ચંદ્રથી 30 કિલોમીટરના અંતરે પોતાની કક્ષાથી નીચે ઉતરતી વખતે 10 મિનિટ સુધી ચોકસાઈપૂર્વકની રફબ્રેકિંગ મેળવી હતી. તેની ગતિ 1680 મીટર પ્રતિ સેકન્ડથી 146 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ હતી. ઇસરોના ટેલીમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક કેન્દ્રના સ્ક્રીન પર જોવા મળ્યું કે વિક્રમ પોતાના નિયત માર્ગથી થોડું હટી ગયું અને ત્યારબાદ સંપર્ક તૂટી ગયો.

સોફ્ટ અને હાર્ડ લેન્ડિંગ એટલે શું?

ચંદ્ર પર સ્પેસક્રાફ્ટનું લેન્ડિંથ બે રીતે થાય છે- સોફ્ટ લેન્ડિંગ અને હાર્ડ લેન્ડિંગ. સોફ્ટ લેન્ડિંગમાં સ્પેસક્રાફ્ટની ઝડપને ધીમે-ધીમે ઓછી કરીને આરામથી ચંદ્ર પર લેન્ડર કરાવવામાં આવે છે. હાર્ડ લેન્ડિંગમાં સ્પેસક્રાફ્ટને ચંદ્રની સપાટી પર ક્રેશ કરાવવામાં આવે છે.

સોવિયત સંઘના લુના 2 મિશનમાં સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. 1962માં અમેરિકાએ પોતાના રેન્જર 4 મિશનમાં આ પ્રકારનું લેન્ડિંગ કરાવ્યું હતું. ત્યારબાદ બ્રેકિંગ રોકેટ્સની મદદથી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ શરૂ થયું. તેમાં રોકેટની મદદથી સ્પેસક્રાફ્ટની ઝડપ ઓછી કરીને સોફ્ટ લેન્ડિંગ થાય છે. 

આ વીડિયો પણ જુઓ : મિશન ચંદ્રયાનને લઇને સૌથી મોટા સમાચાર, ઈસરોને સંપર્ક વિહોણા લેન્ડર વિક્રમની જાણ થઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન