PM મોદીના TOP પર અભિનેત્રી-કોંગી નેતાએ કહ્યું એવું કે સર્જાયો વિવાદ - Sandesh
  • Home
  • India
  • PM મોદીના TOP પર અભિનેત્રી-કોંગી નેતાએ કહ્યું એવું કે સર્જાયો વિવાદ

PM મોદીના TOP પર અભિનેત્રી-કોંગી નેતાએ કહ્યું એવું કે સર્જાયો વિવાદ

 | 10:19 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની એનડીએ સરકારની ટોપ પ્રાથમિકતાનો અર્થ ફરીથી પરિભાષિત કર્યો હતો. મોદીએ કર્ણાટક ભાજપની પરિવર્તન યાત્રાનાં સમાપન પ્રસંગે આયોજિત એક જનસભાને સંબોધતાં કહ્યું હતું કે, TOPનો મતલબ થાય છે, ટોમેટો(ટામેટાં), ઓનિયન(કાંદા) અને પોટેટો(બટાટાં). બીજી તરફ કોંગ્રેસના સોશિયલ મીડિયાના પ્રભારી દિવ્ય સ્પંદના રમ્યાએ શ્લેષ કરવાનો પ્રયાસ કરતાં રાજકીય વિવાદ પેદા થયો હતો. વડા પ્રધાન મોદી ઉપર નિશાન તાકતાં રમયાએ ટ્વિટ કરતાં કહ્યું કે તે POT(નશામાં) છે.

મોદીએ કહ્યું કે શાકભાજી અને ફળ ઉગાડનારા અમારી ટોચની પ્રાથમિકતામાં સામેલ છે, જ્યારે હું ટોપ કહું છું ત્યારે મારો મતલબ એવો થાય છે કે તમે દેશના કોઈ પણ ભાગમાં જાઓ તો તમને ત્રણ શાકભાજી જોવા મળે છે, ટામેટાં, ઓનિયન અને પોટેટો.

તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, એટલા માટે જ હું કહું છું કે, ટોપ પ્રાથમિકતા, ટામેટાં માટે ટી, ઓનિયન માટે ઓ અને પોટેટો માટે પી. એમ મળીને ટોપ પ્રાથમિકતા બને છે. તેમણે કહ્યું કે, આ શાકભાજીને ધ્યાનમાં રાખીને આ વર્ષનાં બજેટમાં ઓપરેશન ગ્રીન્સની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જે રીતે અમૂલે ખેડૂતોની આવક વધારી છે એ જ રીતે ઓપરેશન ગ્રીન્સ શાકભાજી ઉગાડનારા માટે લાભકારી બની રહેશે. તેમણે ખેડૂતોને આશ્વાસન આપ્યું કે જો ભાજપ પ્રદેશ અધ્યક્ષ બી. એસ. યેદીયુરપ્પા વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી બને તો તેઓ કર્ણાટકમાં સિંચાઈ પ્રણાલીમાં સુધારો કરીને એક લાખ કરોડ રૂપિયા ફાળવશે.

મોદીની આ TOPની સામે નિશાન સાધતાં કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રભારી દિવ્ય સ્પંદના રમ્યાએ ટ્વિટ કરી હતી કે શું તેઓ POTમાં(નશામાં)છે? જે અંગે ભાજપે જબરજસ્ત વિરોધ કર્યો અને તેને અપમાનજનક ટિપ્પણી ગણાવી હતી. આ ટ્વિટમાં રમ્યાએ લખ્યું હતું કે, એવું ત્યારે જ શક્ય છે જ્યારે માનવી (નશામાં) હોય છે. આ નિવેદનથી રાજકીય વિવાદ પેદા થયો છે.

મોદી અમારી સરકાર પરના ભ્રષ્ટાચારના આરોપ પુરવાર કરે : સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું કે જ્યારે અમે સત્તામાં આવ્યા હતા ત્યારે રોકણની યાદીમાં ૧૧મા ક્રમે હતા, છેલ્લાં ૨ વર્ષથી અમે પહેલા નંબરે છીએ અને આ આંકડા કેન્દ્ર સરકારના જ છે. તેમણે ભાજપ દ્વારા લગાવાયેલા ભ્રષ્ટાચારના આરોપોને પુરવાર કરવા મોદીને કહ્યું હતું.