Is Weight Loss? So remember these three things
  • Home
  • Featured
  • વજન ઘટાડવું છે? તો આ ત્રણ વાત ખાસ યાદ રાખો  

વજન ઘટાડવું છે? તો આ ત્રણ વાત ખાસ યાદ રાખો  

 | 10:43 am IST

ડાયટ ટિપ્સ :- શુભાંગી ગૌર

વજન ઘટાડવું એ સહેલું કામ નથી. આપણાંમાના ઘણાં લોકો વજન ઘટાડવાની ઇચ્છા ધરાવે છે, પણ ઘણાં ઓછા લોકો છે જે ખરેખર આ બાબતે ગંભીર બનીને વજન ઘટાડવાના પ્રયત્નો ચાલુ કરે છે. જે લોકો વજન ઘટાડવા માટે પ્રયત્નો ચાલુ કરે છે તેમાંના કેટલાંય એવા છે જે શરૂઆત તો કરે છે પણ અડધેથી અટકી જાય છે. વળી ઘણાં લોકો એવા છે કે કોઇને અનુસરીને તેમણે અજમાવેલા ઉપાયો અજમાવીને પોતાનું વજન ઘટાડવાના પ્રયત્નો કરે છે, આ ખરેખર ખોટી વાત છે.

બીજાને લાગુ પડતી વાત તમને પણ લાગુ પડે જ, બીજાએ ફોલો કરેલો ડાયટ ચાર્ટ તમે ફોલો કરો તો તમારું પણ એટલું જ વજન ઘટે એ જરૂરી નથી. આ તો દરેકના શરીરની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે ઘણાંને અમુક પ્રકારના ડાયટને ફોલો કરવાથી કોઇ જ અસર નથી થતી તો ઘણાંનું વજન તરત ઘટવા લાગે છે. જેને પણ પોતાની ફેટ બર્ન કરવી હોય અને વજન ઘટાડવું હોય તે જો ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખે તો ચોક્કસ વજનમાં ઘટાડો થશે અને શરીર ઉપર સકારાત્મક અસર પણ થશે.

પ્રોટીનનું મહત્ત્વ  

જિમ જતાં દરેક લોકોને તેમના ટ્રેઇનર પ્રોટીન શેક પીવાની કે જમવામાં પ્રોટીનયુક્ત આહાર લેવાની સલાહ આપતાં હોય છે. આ પ્રોટીનનું શરીરમાં શું મહત્ત્વ છે તે વિશે તમને ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. વજન ઘટાડવા માટે પ્રોટીન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તેમજ તે માંસપેશીઓને બનાવવાનું કામ કરે છે. પ્રોટીનયુક્ત આહાર લેવાથી મેટાબોલિઝમ મજબૂત બને છે તેમજ ભૂખને કંટ્રોલ કરવાનું કાર્ય તે બખૂબી કરી જાણે છે. તે વજન ઘટાડતાં હોર્મોન્સને એક્ટિવ કરે છે, પ્રોટીન તમને માત્ર વજન ઘટાડવામાં જ મદદરૂપ થાય છે એવું નથી તેનાથી ઘટેલા વજનને તમે એટલું જ જાળવી પણ રાખો છો. આ કારણે જ તેનું મહત્ત્વ ખાસ કરીને વજન ઘટાડવાની પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. તેથી જ ડાયટમાં પણ પ્રોટીનયુક્ત આહાર ચોક્કસ લેવો જોઇએ.

બોડી ટાઇપ  

આપણે મોટેભાગે જિમ જઇએ ત્યારે આપણાં દોસ્તોને જોઇને તેઓ જે કરતાં હોય તે કસરત તેમજ તેઓ જે ડાયટ ફોલો કરતાં હોય તે ડાયટ પણ ગ્રહણ કરી લઇએ છીએ. આ ખોટી વાત છે, આપણે આપણાં બોડી ટાઇપને જોઇને આપણાં શરીરને અનુકૂળ હોય તે ડાયટ અપનાવવો જોઇએ. વિજ્ઞાાને સાબિત કર્યું છે જે શરીરની ચરબીને બાળવા માટે શરીરની પ્રકૃતિ પ્રમાણે ત્રણ સ્ટેપ મહત્ત્વના છે. આ ત્રણ પ્રકારમાં એન્ડોમોર્ફ, એક્ટોમોર્ફ અને મોસોમોર્ફ છે. આ ત્રણેય બોડી ટાઇપ પ્રમાણે શરીરમાં કેલરી, ચરબી અને ભોજનની જરૂરિયાત અલગ અલગ હોય છે. તમારા બોડીને સાચો શેપ આપવા માટે તમારે તમારા બોડી ટાઇપને જાણવો ખૂબ જ જરૂરી છે.

સાચી અને ખોટી કેલરી  

ઘણાં લોકો પાસેથી તમે સાંભળ્યું હશે જ કે કેલરી વધારે પડતી બર્ન કરવાથી અથવા ઓછી કેલરીવાળો ખોરાક ખાવાથી વજન ઘટી જાય છે. આ વાત સાચી છે, પણ તમારે જાણવું જરૂરી છે કે તમે કેવા પ્રકારની કેલરીવાળો ખોરાક લો છો, કેમ કે કેલરી સાચી અને ખોટી બંને પ્રકારની હોય છે. જે કેલરીમાંથી શરીરને પોષણ મળતું હોય તે કેલરીને સારી કહેવામાં આવે છે અને જે કેલરીમાંથી પોષણ ન મળતું હોય તે કેલરીને ખોટી કહેવામાં આવે છે, કેમ કે તેમાથી પોષણ નથી મળતું અને તે ચરબીમાં રૂપાંતરિત થાય છે.

તમે તમારા ડાયટિશિયન પાસેથી એકવાર જાણી લો કે તમારા શરીરને કેટલી કેલરીની જરૂર છે, કેટલી આખા દિવસમાં વાપરવાની છે અને કેટલી કેલરીનું સેવન કરવાનું છે. આ બધી જ બાબત જો તમે જાણી લેશો તો વજન ઘટાડવામાં ખૂબ જ સરળતા થઇ જશે. એક વાત ખાસ યાદ રાખવી કે રોજિંદા જીવનમાં તમારે તમારા આહારમાં પૌષ્ટિક કેલરીનું સેવન કરવાની આદત પાડવી જોઇએ. જો એમ કરશો તો વજન કાબૂમાં રહેશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન