Is work from home really beneficial for women?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સ્ત્રીઓ માટે વર્ક ફ્રોમ હોમ ખરેખર ફાયદાકારક છે?

સ્ત્રીઓ માટે વર્ક ફ્રોમ હોમ ખરેખર ફાયદાકારક છે?

 | 10:09 am IST
  • Share

કવર સ્ટોરી :- અમિતા મહેતા

છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે સ્ત્રીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ બેસ્ટ છે. સાથે જ એ માટેના કયા કયા ઓપ્શન છે? એ વિશે સલાહોનો મારો ચાલતો હતો. એમાં લોકડાઉનને કારણે આઈ.ટી. ઉપરાંત સ્કૂલ, કોલેજ-ઈન્સ્યોરન્સ-મેનેજમેન્ટ અને બેંકિંગ જેવાં અનેક ફિલ્ડની સ્ત્રીઓએ ઘરેથી કામ કરવું પડે છે. સમયસર ઓફિસ પહોંચવા માટે ટિફિન-રિક્ષા-ટ્રાફિક વગેરેની ઝંઝટથી મુક્ત બની ઘરેથી કામ કરવું એ પહેલી નજરે તો સ્ત્રીઓને લોભામણું લાગ્યું હશે,પરંતુ વર્ક ફ્રોમ હોમનો મતલબ ઘરેથી કામ કરવાનો છે. જોકે થોડા જ વખતમાં એની બાયપ્રોડક્ટ જેવો ત્રાસ દેખાવા લાગે છે.

વર્ક ફ્રોમ હોમના કારણે સ્ત્રીઓ ઓલટાઈમ ફેમિલી માટે અવેલેબલ છે એવું માની લેવામાં આવે છે. વાસ્તવમાં વર્ક ફ્રોમ હોમનો અર્થ એવો બિલકુલ નથી, પરંતુ ઘણા ભારતીય પરિવારો આ વાત સમજવામાં ઉણા ઊતરે છે. કામ એટલે કામ…ઘરેથી કરો કે ઓફિસ જઈને કરો એની જવાબદારી અને પરિણામમાં કોઈ ફરક ન ચાલે. ઘરેથી કામ કરતી સ્ત્રીઓને જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (અલગ રૂમ-લેપટોપ-ઈન્ટરનેટ કનેક્શન) ડિસ્ટર્બન્સ વગરનો સમય અને એકાગ્રતા જળવાઈ શકે એવું વાતાવરણ જોઈએ જ. શું આપણા મોટા ભાગના પરિવારોમાં આવું વાતાવરણ મળી રહે છે ખરું?

થોડાં ઉદાહરણો જોઈએ.  અદિતિ શાહ કોલેજમાં પ્રોફેસર છે. હાલના બે કલાક ઓનલાઈન લેક્ચર લેવાનાં હોય છે. અદિતિ કહે છે કે મને રોજ દસ મિનિટ લેટ થઈ જાય. ઘરના બધાને જ ખબર છે કે લેકચર માટે તૈયારી પણ કરવી પડે. ઘરેથી કામ કરવામાં થોડો સમય બચે પણ આખો દિવસ કિચન અને ઘરકામમાં ન પૂરો કરાય. રૂમ બંધ કરીને બેઠી હોઉં તો પણ બે-ત્રણ વાર તો કોઈ દરવાજો ઠોકે જ. બધાની ફરિયાદ છે કે તારો ઘરમાં હોવાનો કોઈ ફાયદો નથી. હવે હું એમને કઈ રીતે સમજાવું કે લેક્ચર લેતી વખતે મારી ત્રણ વર્ષની દીકરીને બાજુમાં બેસાડું તો મારું માઈન્ડ ડાયવર્ટ થયા કરે, મારી લિન્ક તૂટી જાય…!

વર્ક ફ્રોમ હોમમાં આવવા-જવાની ઝંઝટમાંથી મુક્તિ મળે, કોરોનાનો ભોગ બની જવાના ભયમાંથી મુક્તિ મળે. બસ! એથી વધારે લાભની અપેક્ષા પરિવારે ન રાખવી જોઈએ. ઘરેથી પ્રોફેશનલી કામ કરવા માટે ફેમિલી સપોર્ટ ન કરે તો કામની ગુણવત્તા ઓછી થાય. ઘરે હોઈએ તો બાળકો અને પરિવારનું થોડું વધારે ધ્યાન રાખી શકીએ કે ઈમરજન્સીમાં તરત હાજર રહેવાય. બાકી દર અડધા કલાકે કોણ આવ્યું… ગયું? કોણે ખાધું- નથી ખાધું એ ધ્યાન રાખવાની જવાબદારી નિભાવવાની હોય તો ‘વર્ક ફ્રોમ હોમ’ માં પાછળ રહી જવાય.

ઘરેથી કામ કરવા માટે એક ડિસિપ્લીન મહિલા અને ફેમિલી મેમ્બર્સ બંનેએ કેળવવી પડે. જો આમ થાય તો જ કામ અને પરિવાર બંનેને સાચવી શકાય. સાલ્વી પટેલ ઈન્સ્યોરન્સ એજન્ટ અને બે દીકરીઓની માતા છે. આખો દિવસ દોડાદોડી કરતી મમ્મી ઘરે છે એટલે સ્વાભાવિક જ દીકરીઓને થાય કે મમ્મી નવી-નવી રેસિપી ટ્રાય કરે, સાથે બેસીને ટીવી. જુએ અને પત્તાં રમે, પણ ઘરે રહીને સાલ્વીએ ફોન પર અને ઓનલાઈન કામ તો કરવું જ પડે. સાલ્વી કહે કે રોજ મારે બે-ત્રણ કલાકની ઓનલાઈન મિટિંગ હોય. પણ દીકરીઓ એટલો અવાજ કરે કે ન પૂછો વાત! મારે ઘણી વાર બાજુવાળાને ત્યાં જઈને વાત કરવી પડે.

ઘરેથી કામ કરવાના ફાયદા છે જેમ કે, ક્લાયન્ટને ઓનલાઈન પેમેન્ટની આદત પડે તો ઘણા-બધા ધક્કા બચે, પેટ્રોલનો ખર્ચ અને સમય બચે અને સૌથી વધારે રિલેક્સ તો ટ્રાફિક અને ગરમીથી થવાય. એટલો વધારે સમય બાળકોને આપી શકાય, પરંતુ ઘરમાં જ્યારે કામ કરતાં હોઈએ ત્યારે પૂરી સ્પેસ જોઈએ, બીજું, મમ્મી ઘરેથી કામ કરે છે એટલે એના માથે વધારાની અપેક્ષાઓ અને જવાબદારી ન ઠોકી બેસાડાય. ઘરેથી કામ કરતી સ્ત્રી ફુલટાઈમ હાઉસવાઈફ નથી. ઘરમાં રહેવા છતાં ગરમ-ગરમ રોટલી ઉતારીને ન પણ આપી શકે. સ્ત્રીએ કામ ઘરેથી કરવાનું હોય એ કંપનીના સમયે કરવાનું રહે છે. તેથી ઘરનાં કામ ઘરના સમયે ન પણ કરી શકાય.

કામનો સ્ટ્રેસ બંનેમાં એેકસરખો જ રહે છે.  પરી દેસાઈ પૂનાની આઈ.ટી.કંપનીનું કામ ઘરેથી કરે છે. તેથી એના ૬ મહિનાના દીકરાને સારી રીતે સંભાળી શકે છે. પરીનું કહેવું છે કે સ્ત્રી ઘરેથી કામ કરે એ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે પરંતુ એની પર્સનાલિટી અને કરિયરના ગ્રોથ માટે નબળો વિકલ્પ છે. ઓફિસનું જે વર્ક કલ્ચર, કમિટમેન્ટ-રિસ્પોન્સિબિલિટી અને કોમ્પિટિશન હોય છે તે વર્ક ફ્રોમ હોમમાં અડધાં થઈ જાય. એક રૂમમાં પુરાઈને એકલા કામ કરવાની મજા ન આવે. પર્સનલ ગ્રોથમાં પણ ફરક પડે.

આવનારા સમયમાં કંપનીઓ વર્ક ફ્રોમ હોમનું વિચારી રહી છે. જેથી કંપનીઓમાં ઓફિસનો ખર્ચ બચી શકે અને લોકોની દોડધામ ઓછી થશે. જોકે, એ આઈ.ટી. જેવી કંપની માટે જ પોસિબલ બનશે. અન્ય ફિલ્ડમાં વધતે-ઓછે અંશે આ વિકલ્પ અપનાવાય તો સ્ત્રીઓને નુકસાન જ છે એવું ન કહી શકાય. અત્યારે લોકડાઉનને કારણે બધા ફ્રી અને ઘરમાં હોવાથી સ્ત્રીઓ માટે ઘરમાં રહીને કામ કરવું પડકાર રૂપ લાગે પરંતુ સ્કૂલો અને નોકરી-ધંધા ચાલુ થયા પછી બધા પોતપોતાનામાં વ્યસ્ત હોવાથી કામ સરળ બની શકે, પૂરતી સ્પેસ પણ મળી શકે. આવવા-જવાનો જે સમય બચશે તે ફેમિલી માટે કે ખુદ માટે ખર્ચ કરી શકે. ઘરે તાજું અને હેલ્ધી ફૂડ મળી શકે. પ્રોફેશનલ વ્યક્તિ ઓફિસનો ખર્ચ બચાવી શકે.

આ અગણિત લાભોની સામે બહારની દુનિયામાં જે નવા-નવા મિત્રો બનતા તે ઓછા થશે. રૂબરૂમાં એક કોમ્પિટિશન જન્મે છે જે વર્ક ફ્રોમ હોમમાં નહીં મળે. નવા લોકો, નવા વિચારો અને નવું વાતાવરણ માનસિક તાજગી આપે છે. ઘણી સ્ત્રીઓના મુખે તમે સાંભળ્યું હશે કે ઓફિસમાં ગયા એટલે ઓફિસનાં કામમાં વ્યસ્ત બની ઘરના પ્રોબ્લેમ ભૂલી જવાના. ઘરેથી કામ કરવામાં સ્ત્રીનું માનસ પરિવર્તન ઓછું થશે. ઓફિસનાં કામમાં વચ્ચે-વચ્ચે ઘર આવ્યા કરશે તો એની એકાગ્રતા ઘટશે.

કદાચ, દરેક પ્રકારના કામ કે દરેક પ્રકારની સ્ત્રીઓને વર્ક ફ્રોમ હોમ અનુકૂળ નહીં આવે, પરંતુ લગ્ન પછી પરિવારના દબાણને કારણે કામના દરવાજા જેમના માટે બંધ થઈ ગયા છે એમના માટે વર્ક ફ્રોમ હોમ નવા દરવાજા ખોલશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન