ISISના વડાને ઝેર આપી મારી નાંખવાની કરવામાં આવી કોશિશ - Sandesh
  • Home
  • World
  • ISISના વડાને ઝેર આપી મારી નાંખવાની કરવામાં આવી કોશિશ

ISISના વડાને ઝેર આપી મારી નાંખવાની કરવામાં આવી કોશિશ

 | 12:10 am IST

આઈએસઆઈએસનો વડો અબુ બક્ર અલ બગદાદીને કોઈએ હત્યા કરવાના ઈરાદેથી ખોરાકમાં ઝેર આપી દેતા તે ગંભીર રીતે બિમાર હોવાનું જાણવા મળ્યું છે. બગદાદના નિનેવેહ બેઆજ જિલ્લામાં આતંકવાદી સંગઠનના વડા બગદાદી અને તેના અન્ય મુખ્ય ત્રણ કમાન્ડર માટે જે ભોજન બનાવવામાં આવ્યું હતું જેમાં તેમની હત્યા કરવાના ઈરાદે ઝેર ભેળવવામાં આવ્યું હતું તેમ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

ઈરાકી સમાચારોમાં કહેવાયું છે કે બગદાદી સહિત 4 આતંકવાદીઓ હાલમાં ભયંકર ઝેરથી પીડાઈ રહ્યાં છે. તે બધાંને સખ્ત સુરક્ષા વચ્ચે અન્ય ગુપ્ત સ્થળે તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે.

આઈએસઆઈએસે તાજેતરમાં એક અભિયાન શરૂ કર્યું હતું જેમાં ખોરાકમાં ઝેર ભેળવનાર જવાબદારને ઝડપવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

અન્ય ત્રણ કમાન્ડર જેની હાલત પણ ઝેરને કારણે અત્યંત ગંભીર છે તે કોણ હતા તે જાણી શકાયું નથી.

બગદાદીએ અલ કાયદા ગ્રુપના ઉભા ફાડીયા કરીને નવું સ્વતંત્ર આતંકી ગ્રુપ આઈએસઆઈએસની રચના કરી હોવાનું માનવામાં આવે છે. તેને દુનિયાનું સૌથી શક્તિશાળી અને સૌથી ખતરનાક આતંકી ગ્રુપ માનવામાં આવે છે.

બગદાદીના આવાગમન વિશે માત્ર તેના આતંરિક વર્તુળને ખબર રહેતી તેના અનુયાયી કે જે કલીફ તરીકે ઓળખાતા તે તેના વિશે માહિતગાર રહેતા. બગદાદી હવાઈ હુમલાથી બચવા માટે સતત સિરિયા અને ઈરાક વચ્ચે તેનું લોકેશન બદલતો રહે છે.

બગદાદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2013માં આતંકી ગ્રુપે ઈરાકના અનેક વિસ્તારોમાં તેમજ સિરિયા સુધી પગપેસારો કર્યો હતો.
બગદાદી હવાઈ હુમલામાં અનેક વાર ઘાયલ થયો છે તે મૃત્યુ પામ્યો હોવાના અહેવાલ પણ આવતા રહ્યા છે તેમ છતાં તેણે ફરી ફરીને દેખા દીધી છે.

આ વર્ષની શરૂઆતમાં એવા અહેવાલ હતા કે તે અમેરિકાએ કરેલા સંયુક્ત એર હુમલામાં તે માર્યો ગયો છે પણ તે  સાચુ પુરવાર થયુ નહોતું.

બગદાદીનું સાચું નામ ઈબ્રાહિમ અવાદ ઈબ્રાહિમ છે. તે ઉત્તર બગદાદના સમરામાં વર્ષ 1971માં જન્મ્યો હોવાનું માનવામાં આવે છે.

વર્ષ 2011માં અમેરિકાએ તેના અંગે સત્તાવાર રીતે આતંકી ગ્રુપના વડા તરીકે જાહેરાત કરી હતી. તેને જીવતો કે મૃત પકડી લાવનારને 10 મિલિયન અમેરિકી ડોલરના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

બગદાદીના નેતૃ્ત્વમાં આઈએસઆઈએસ આતંકીઓએ આખી દુનિયાને ઉંડા શોકમાં ગરકાવ કરી દીધું છે. તે મોટેભાગે વિદેશી નાગરિકો અને વિદેશી પત્રકારોને નિશાન બનાવતો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન