મોસુલમાં નિર્ણાયક યુદ્ધ: ISISના આતંકીઓ બચવા માટે મહિલાઓના કપડા પહેરીને ભાગ્યા - Sandesh
  • Home
  • Uncategorized
  • મોસુલમાં નિર્ણાયક યુદ્ધ: ISISના આતંકીઓ બચવા માટે મહિલાઓના કપડા પહેરીને ભાગ્યા

મોસુલમાં નિર્ણાયક યુદ્ધ: ISISના આતંકીઓ બચવા માટે મહિલાઓના કપડા પહેરીને ભાગ્યા

 | 9:57 am IST

સમગ્ર દુનિયામાં ખોફ અને આતંક ફેલાવનારા ખતરનાક આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના આતંકીઓ હવે પોતે દહેશતમાં છે. આતંકીઓના ગઢ એવા મોસુલમાં ચાલી રહેલા નિર્ણાયક યુદ્ધ દરમિયાન આઈએસના કેટલાક આતંકીઓ બચવા માટે મહિલાઓના કપડા પહેરીને ભાગી રહ્યા હતા પરંતુ પકડાઈ ગયા હતાં. વાત જાણે એમ છે કે આઈએસનો વડો અબુબકર બગદાદીએ આદેશ આપ્યો હતો કે આતંકીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સને શહેરની બહાર મોકલી દેવાય. જેનો ફાયદો ઉઠાવીને કેટલાક આતંકીઓ મહિલાઓના કપડા પહેરીને ભાગવાની ફિરાકમાં હતાં.

અત્રે જણાવવાનું કે ઈરાક સ્થિત મોસુલ ઈસ્લામિક સ્ટેટનો ગઢ મનાય છે. ઈરાકી અને કુર્દિશ સેનાઓ ઉપરાંત પશ્ચિમી દેશોએ પણ અહીં આઈએસ વિરુદ્ધ ચાર દિવસ પહેલા નિર્ણાયક યુદ્ધ છેડી દીધુ છે. પોતાના જ ગઢમાં ઘેરાયેલા આતંકીઓ હવે બચવા માટે હવાતિયા મારી રહ્યાં છે. એવા અહેવાલો પણ છે કે તેઓ સામાન્ય નાગરિકોને પોતાની ઢાલ બનાવી રહ્યા છે. આ બાજુ હવાઈ હુમલાથી બચવા માટે તેમણે તેલના કુવામાં આગ લગાવી દીધી છે જેથી કરીને ધુમાડાના કારણે બોમ્બ વરસાવી ન શકાય અને આતંકીઓ પોતાને બચાવી શકે.

બ્રિટિશ અખબારના અહેવાલ મુજબ મહિલાઓના કપડામાં ભાગી રહેલા આઈએસના આ સંદિગ્ધ આતંકીઓને કુર્દિશ સેનાએ મોસુલની બહાર પકડ્યા હતાં. એવું કહેવાઈ રહ્યું છે કે બગદાદી હજુ પણ પોતાના કમાન્ડરો સાથે મોસુલમાં ફસાયેલો છે. આઈએસના સૌથી મોટા મોટા ફાઈટર્સ હાલ બગદાદીની સાથે જ છે. આ બાજુ આતંકીઓ વિરુદ્ધ ગ્રાઉન્ડ યુદ્ધનું નેતૃત્વ કરી રહેલા અમેરિકી સેનાના મેજર જનરલ ગેરી વોલેસ્કીએ કહ્યું કે ગુરુવારે થયેલા અનેક મોટા હુમલા પહેલા જ ઈસ્લામિક સ્ટેટના કમાન્ડરો વિસ્તાર છોડીને ભાગ્યા છે.

જો કે યુદ્ધના મેદાનથી ભાગી રહેલા આ આતંકીઓને લઈને અમેરિકી સેનાથી લઈને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સુધીના લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે જો આ આતંકીઓ કોઈ પણ ભોગે સીરિયાના રક્કા પહોંચી ગયા તો ત્યાં હાજર અન્ય આતંકીઓ સાથે મળીને બીજુ જુથ બનાવી શકે છે. આતંકીઓ સાથે લડી રહેલી સેનાને પોતે પણ એ વાતનો અંદાજો છે કે આવનારા સમયમાં આ યુદ્ધ હજી વધુ લોહીયાળ બની શકે છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તાર પર કબ્જો જમાવવામાં મહિનાઓનો સમય લાગી શકે છે. એવો અંદાજો છે કે આઈએસના હાલ 8 હજાર જેટલા આતંકીઓ મોસુલમાં છુપાયેલા હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન