Israel And UAE Historic Peace Deal, Trump Mediated With Mohammed Bin Zayed Al Nahyan And Benjamin Netanyahu
  • Home
  • Featured
  • ડોનાલ્ડ ટ્રમ્પે રાતોરાત આખી દુનિયાને વિચારતી કરી દીધી, ઈઝરાયેલ-UAEને બનાવી દીધા મિત્રો

ડોનાલ્ડ ટ્રમ્પે રાતોરાત આખી દુનિયાને વિચારતી કરી દીધી, ઈઝરાયેલ-UAEને બનાવી દીધા મિત્રો

 | 11:06 pm IST

મીડલ ઈસ્ટના બે દેશો ઈઝરાઈલ અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) વચ્ચે શાંતિ સ્થાપવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દરમિયાનગીરી કામ આવી છે. ગુરુવારે ઈઝરાઈલ અને યુનાઈટેડ આરબ અમીરાત વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થયો હતો. ઐતિહાસિક શાંતિ કરાર બાદ ઈઝરાઈલ અને યુએઈ વચ્ચેના રાજદ્વારી સંબંધો સારા થઈ જશે તથા ઈઝરાઈલ ઓક્યુપાઈડ વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઈનના વિસ્તારો પર સાર્વભોમત્વતાનો દાવો નહીં કરી શકે.

પ્રમુખ ટ્રમ્પ, ઈઝરાઈલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બેન ઝાયેદે ગુરુવારે એક સંયુક્ત નિવેદન જારી કરીને આ શાંતિ કરારની જાહેરાત કરી હતી. પ્રમુખ ટ્રમ્પે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ક્રાઉન પ્રિન્સ સાથે ફોન વાત કરી હતી. જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહેવાયું કે પ્રમુખ ટ્રમ્પની વિનંતીને માન આપીને રાજદ્વારી સફળતા મળી છે તથા હવેથી ઈઝરાઈલ આરબ અને મુસ્લિમ વર્લ્ડના બીજા દેશો સાથે સંબંધો વિસ્તારના પ્રયાસ પર ધ્યાન કેન્દ્રીત કરશે તથા બન્ને દેશ ઈઝરાઈલ-પેલેસ્ટાઈન વિવાદનો અંત લાવવા સર્વાંગી ઠરાવ કરવાનું ચાલુ રાખશે.

આ ઐતિહાસિક રાજદ્વારી કરારને કારણે મીડલ ઈસ્ટ રિજિયનમાં શાંતિ જળવાઈ રહેશે અને ત્રણ નેતાઓની બોલ્ડ રાજદ્વારી કુનેહ તથા વીઝનની એક સાબિતી છે. સ્ટેટમેન્ટ અનુસાર આ કરાર કરાવવામાં પ્રમુખ ટ્રમ્પે ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી.ઈઝરાઈલ સાથે સંબંધો સુધારનાર યુએઈ ત્રીજો આરબ દેશ બન્યો છે.

ઈઝરાઈલ-UAE શાંતિ કરાર ઐતિહાસિક ક્ષણ : ટ્રમ્પ

શાંતિ કરાર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુએસ પ્રમુખ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એવું જણાવ્યું કે ઈઝરાઈલ-UAE વચ્ચેનો કરાર ઐતિહાસિક ક્ષણ છે. ટ્રમ્પે કહ્યું કે હવે ઈઝરાઈલ-UAE વચ્ચેના સંબંધો સારા બન્યાં છે તેથી મને આશા છે કે બીજા આરબ અને મુસ્લિમ દેશો યુએઈના પગલે ચાલશે. જોકે પેલેસ્ટાઈને આ કરારને વખોડી કાઢયો છે. પેલેસ્ટાઈનના અધિકારી હનાન અશરાવીએ ટ્વિટર પર લખ્યું કે ઓક્યુપેશનની શરૃઆત બાદ ઈઝરાઈલને પેલેસ્ટાઈનના ગેરકાયદેસર કામો છુપાવી રાખવાનું ઈનામ મળ્યું છે. યુએઈએ પણ ઈઝરાઈલ સાથે સંબંધો સુધારવા માટે ગુપ્ત સોદો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન