ઇઝરાયલ મિત્ર છતાં ભારત પેલેસ્ટાઇન સાથે શા માટે?  - Sandesh
NIFTY 10,874.20 +85.65  |  SENSEX 35,471.80 +389.98  |  USD 63.8550 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ઇઝરાયલ મિત્ર છતાં ભારત પેલેસ્ટાઇન સાથે શા માટે? 

ઇઝરાયલ મિત્ર છતાં ભારત પેલેસ્ટાઇન સાથે શા માટે? 

 | 4:10 am IST

ફોર્થ ડાઇમેન્શન :- વિનોદ પંડયા

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયલનાં પાટનગર તરીકે માન્યતા આપી તે ઘટનાની ટીકા કરતો ઠરાવ આરબ રાષ્ટ્રો દ્વારા યુનોમાં રજૂ થયો તેનાં સમર્થનમાં ભારતે સહી કરી. ભારતમાં ઇઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં લોકોનો એક મોટો વર્ગ છે. ભારતે ઇઝરાયલને બદલે પેલેસ્ટાઇનને મહત્ત્વ આપ્યું તે તેઓને પસંદ પડયું નથી. અધૂરામાં પૂરું તે પેલેસ્ટાઇનના પાકિસ્તાન ખાતેના રાજદૂત વાલીદ વલી મુંબઈ પરના હુમલાના સૂત્રધાર હાફિઝ સઇદ સાથે એક મંચ પર રજૂ થયા. ભારતને આ વિશ્વાસઘાત જેવું લાગ્યું, પરંતુ પેલેસ્ટાઇનના સત્તાવાળાઓએ બાજી સુધારી લીધી. વાલીદને પાકિસ્તાનમાંથી પાછા બોલાવી લીધા. વાલીદની અજાણતાં ચૂક થઈ હતી અને એવી ચૂક પણ પેલેસ્ટાઇનને માન્ય નથી એવું પેલેસ્ટાઇન તરફથી જાહેર કરવામાં આવ્યું.

ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇનના પ્રવાસે જવાના મૂડમાં છે ત્યારે વચ્ચે કોઈ સંકટ ઊભું થાય તેમ પેલેસ્ટાઇન ઇચ્છતું નથી. પેલેસ્ટાઇન સાથે ભારતને સાત દાયકાથી હૂંફાળા સંબંધ રહ્યા છે. ભારતનાં જમણેરી લોકોની માન્યતા છે કે કોંગ્રેસે વરસો સુધી મુસ્લિમ મતબેન્કને ખુશ રાખવા ઇઝરાયલની અવગણના કરી હતી અને આરબોને સાથ આપ્યો હતો, હવે દિલ્હીમાં નવી વિચારશૈલી ધરાવતાં લોકોનું શાસન છે ત્યારે ભારત પેલેસ્ટાઇનનાં પડખે ઊભો રહ્યો તેથી ઘણાં લોકોને નવાઈ લાગી છે. વાસ્તવમાં ભારતને ઇઝરાલય જેટલો મદદગાર બની શકે તેમ છે એટલું પેલેસ્ટાઇન થઈ શકે તેમ નથી. દેશમાં ભાજપની સરકાર બની તે પછી ઇઝરાયલ સાથેના સંબંધો વધુ મજબૂત થયા છે. વડા પ્રધાન મોદી પણ જૂની પ્રણાલીને તોડીને ઇઝરાયલની મુલાકાત લેનારા પ્રથમ વડા પ્રધાન બન્યા છે. વેપાર-ઉદ્યોગ અને સંરક્ષણ ક્ષેત્રમાં ઇઝરાયલ સાથેના સંબંધોમાં ઘણો વિકાસ થયો છે. ઇઝરાલયના વડા પ્રધાન નેતાન્યાહૂ જાન્યુઆરીમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ભારત પેલેસ્ટાઇનની પડખે ઊભો રહે તે વિસ્મય જરૂર પમાડે. ભારતને ઇઝરાલયની જેટલી જરૂર છે એટલી જ જરૂર ઇઝરાયલને ભારતની છે. માત્ર પેલેસ્ટાઇનની તરફેણમાં મત આપવાથી ભારત ઇઝરાયલનો દુશ્મન બની જતો નથી. ઇઝરાયલ પણ ભારતની વિદેશનીતિની મજબૂરીઓ સમજતો હોય છે. વિદેશનીતિમાં ધીરજ ખૂબ મહત્ત્વની છે. ઇઝરાયલને દુનિયાના અનેક દેશોએ દાયકાઓ સુધી રાષ્ટ્ર તરીકે માન્યતા આપી નથી તેથી ઇઝરાયલનું અસ્તિત્વ જોખમાયું નથી. ધીરે ધીરે ઘણા દેશોએ માન્યતા આપી. અમેરિકાએ જેરુસલેમને ઇઝરાલયનાં પાટનગર તરીકે માન્યતા આપી. ધીમે ધીમે બીજા દેશો પણ તેમાં જોડાશે.

જે આરબો અને ખાસ કરીને સાઉદી અરેબિયા પેલેસ્ટાઇનની પડખે સદૈવ છે તેના પોતાના ઇઝરાયલ સાથેના સંબંધો સુધરી રહ્યા છે. જેરુસલેમ શહેર પર પેલેસ્ટાઇન પણ પોતાનો માલિકીહક્ક જતાવી રહ્યું છે, છતાં પેલેસ્ટાઇન અગાઉની ઇન્તિફદા અર્થાત્ બગાવત વખતે જેટલું ખૂંખાર અને પાવરધું હતું એટલું હવે રહ્યું નથી. સામે ઇઝરાયલ ખૂબ મજબૂત બની ગયો છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. હમણા અમેરિકા તેમાં મધ્યસ્થી કરી રહ્યો છે અને શાંતિસ્થાપન કાર્યક્રમને આગળ વધારવા અમેરિકાના અધિકારીઓ પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ જેરુસલેમને ઇઝરાયલનાં શહેર તરીકે માન્ય રાખ્યા બાદ અમેરિકા પોતે તટસ્થ હોવાનો દાવો કરી શકે નહીં. આ ઘટનાથી મંદ અને સુસ્ત બની ગયેલી પેલેસ્ટાઇનની લડત પ્રત્યે દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. પેલેસ્ટાઇનના પ્રમુખ મદમૂદ અબ્બાસ દસ કરતાં વધુ વરસોથી પદ પર છે પણ એમની નેતાગીરી મંદ રહી છે. ૨૦૦૭માં લડાયક મુસ્લિમ જૂથ હમાસ દ્વારા ગાઝાપટ્ટીમાંથી અબ્બાસની ફતહ પાર્ટીને કાઢી મૂકવામાં આવી હતી. ૨૦૦૬માં સંસદમાં હમાસે બહુમતી મેળવી હતી, પરંતુ ઇઝરાયલ સાથે હમાસે ત્રણ ત્રણ યુદ્ધ લડયાં બાદ પેલેસ્ટાઇનનાં લોકોનાં નસીબમાં કંગાલિયત સિવાય બીજું કશું આવ્યું નથી. ૨૦૧૪થી ૨૦૧૬ સુધીમાં ચાર હજાર ફિલિસ્તાની યુવાનોએ ઇઝરાલયનું નાગરિકત્વ સ્વીકારવા માટે અરજી કરી હતી. તેઓ કહે છે કે પેલેસ્ટાઇન પર ઇઝરાયલનો કબજો છે તે હવે ક્યારેય દૂર થવાનો નથી, તો પછી તેના માટે નિરર્થકપણે જીવ ગુમાવવાની જરૂર નથી. ફિલિસ્તાનીઓને આજે દુનિયામાં એકલા પડી ગયાનો અને પરાધીનતાનો અનુભવ થઈ રહ્યો છે. પેલેસ્ટાઇન ઇરાનનાં શિયા અને સાઉદી અરેબિયાનાં સુન્ની મુસ્લિમોની આપસની લડાઈ અને તાકાતપ્રદર્શનનું મેદાન બની ગયું છે. ઇરાનીઓ હમાસને નાણાં પૂરાં પાડી ઇઝરાયલ સામે લડાવે છે જે સાઉદી અરેબિયાને માન્ય નથી, આથી સાઉદીના આરબો ઇઝરાયલ તરફ ઝૂક્યાં છે જેથી ઇરાનને ઠેકાણે પાડી શકાય. ઇરાનના અણુકાર્યક્રમનો સૌથી મોટો ડર ઇઝરાયલને છે. અમેરિકાનાં પગલાંનો આરબ રાષ્ટ્રોએ એવો ખાસ વિરોધ કર્યો નથી. અમેરિકાએ આજ સુધી પેલેસ્ટાઇન-ઇઝરાયલ વચ્ચે શાંતિ માટેના જે પ્લાન આપ્યા છે તે ફિલિસ્તાનીઓને માટે અપમાનજનક રહ્યા છે, છતાં એ શાંતિકાર્યક્રમને માન્ય રાખવા સાઉદી અરેબિયા પેલેસ્ટાઇન પર દબાણ લાવી રહ્યું છે. આ સ્થિતિમાં ભારત પેલેસ્ટાઇનને સમર્થન આપે કે ના આપે તેથી પેલેસ્ટાઇનની સ્થિતિ બદલાવાની નથી પણ ભારત સાઉદી અરેબિયાની પડખે છે તે જરૂર ફલિત થાય અને સાઉદી અરેબિયા ઇઝરાયલની પડખે છે. ભારતના સાઉદી સાથેના સંબંધો આજ સુધી ખૂબ મધુર રહ્યા છે.

પેલેસ્ટાઇનની પ્રજા ખરી તકલીફમાં છે. તેમના માટે ઇઝરાયલ દ્વારા પેલેસ્ટાઇનનો કબજો મહત્ત્વની સમસ્યા નથી. બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ગરીબી મહત્ત્વના મુદ્દા છે, જે ફિલિસ્તાનીઓ અગાઉ ઇઝરાયલની હકૂમત હેઠળ જીવ્યાં હતાં તેઓને યહૂદીઓનું શાસન વધારે સારું જણાય છે તેથી તેમનાં સંતાનો ઇઝરાયલનું નાગરિકત્વ સ્વીકારી રહ્યાં છે. ગયા મે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ તેમાં માત્ર ૫૦ ટકા મતદાન થયું હતું જે દસ વરસ અગાઉ ૭૦ ટકા જેટલું હતું. પ્રમુખ મહેમૂદ અબ્બાસ વૃદ્ધ થયા છે. એક સરવે પ્રમાણે ૬૬ ટકા લોકો ઇચ્છે છે કે પ્રમુખ રાજીનામું આપી દે. આવા નિરુત્સાહ વાતાવરણમાં વડા પ્રધાન મોદી ફેબ્રુઆરીના અંતે કે ત્યારબાદ પેલેસ્ટાઇનની મુલાકાતે જશે ત્યારે કેવું આદાનપ્રદાન થાય છે તે જાણવાનું રસપ્રદ રહેશે. એ અગાઉ જાન્યુઆરીમાં નેતાન્યાહુ ભારત આવવાના છે ત્યારે મહત્ત્વના શસ્ત્રસોદા અને વેપારી કરારો થશે. પેલેસ્ટાઇનની મુલાકાતમાં તેની અસર પણ દેખાશે.