ISSF વર્લ્ડ કપમાં 16 વર્ષીય મનુ ભાકરે ગોલ્ડ મેડલ જીત્યો, ભારતને મળ્યા પાંચ મેડલ - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • ISSF વર્લ્ડ કપમાં 16 વર્ષીય મનુ ભાકરે ગોલ્ડ મેડલ જીત્યો, ભારતને મળ્યા પાંચ મેડલ

ISSF વર્લ્ડ કપમાં 16 વર્ષીય મનુ ભાકરે ગોલ્ડ મેડલ જીત્યો, ભારતને મળ્યા પાંચ મેડલ

 | 8:57 pm IST

ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF) દ્વારા આયોજિત વર્લ્ડ કપમાં ભારતની મનુ ભાકરે મહિલા વિભાગની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે પુરુષ વિભાગની 10 મીટર એર રાઇફલમાં રવિકુમારે બ્રોન્ઝ મેડલ મેલવ્યો હતો. ભારતે પ્રથમ દિવસે એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા જેને કારણે આ વર્લ્ડ કપમાં ભારતના કુલ મેડલની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

16 વર્ષીય મનુ ભાકરે બે વખતની વર્લ્ડ કપ ફાઇનલ્સ વિજેતા અને યજમાન દેશની એલેજાન્દ્રા ઝવાલાને પાછળ છોડતાં ગોલ્ડ જીત્યો હતો. ભાકરે ફાઇનલ રાઉન્ડમાં 237.5નો સ્કોર બનાવ્યો હતો જ્યારે ઝવાલા 237.1 પોઇન્ટ સાથે બીજા નંબરે રહી હતી.

ફ્રાન્સની કેલિન ગોર્બેવલેએ 217.0ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની અન્ય એક મહિલા શૂટર યશશ્વિનીસિંહ દેશવાલમેડલ જીતવાનું ચૂકતાં 196.1ના સ્કોર સાથે ચોથા ક્રમે રહી હતી.

બ્યૂનસ આયર્સ ખાતે યોજાનાર યૂથ ઓલિમ્પિક ગેમ્સ-૨108માં ક્વોટા દ્વારા સ્થાન મેળવનાર 16 વર્ષીય ભાકર પ્રથમ વખત વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી હતી જ્યાં ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. જીત મેળવ્યા બાદ મનુ ભાકરે કહ્યું કે, હું વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી ઘણી ખુશ છું. મારો આ પ્રથમ વર્લ્ડ કપ છે અને હવે આગામી સ્પર્ધામાં વધુ સારો દેખાવ કરવાનો પ્રયાસ કરીશ.

પુરુષ વિભાગમાં રવિકુમારે 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં 226.4ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જે તેનો કારકિર્દીમાં પ્રથમ મેડલ છે. રવિકુમાર ગત વર્ષે વર્લ્ડ કપ ફાઇનલ્સ સહિત ત્રણ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો પરંતુ તે મેડલ જીતી શક્યો નહોતો. ભારતનો અન્ય એક શૂટર દીપકુમાર ચોથા સ્થાને રહ્યો હતો. આ સ્પર્ધામાં વિશ્વના નંબર વન શૂટર હંગેરીના ઇસ્ત્વાન પેનીએ 249.5ના સ્કોર સાથે ગોલ્ડ અને ઓસ્ટ્રિયાના એલેક્ઝાન્ડર સ્કીમીરે 248.7ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

મનુ ભાકરે બોક્સિંગ છોડી શૂટિંગ શરૂ કર્યું
હરિયાણાના દાદરીની મનુ ભાકરે આ પહેલાં ગત વર્ષે ડિસ્મ્બરમાં જાપાનમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં 10 મીટર એર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીતી ચૂકી છે. માત્ર બે વર્ષ પહેલાં જ શૂટિંગમાં કારકિર્દી બનાવનાર મનુએ ગત વર્ષે બે નેશનલ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. મનુ તે પહેલાં બોક્સિંગ કરતી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેણે ખુદ કહ્યું હતું કે, શૂટિંગ પહેલાં તે બોક્સિંગ અને થાંગ ટા (મણિપુરી માર્શલ આર્ટ) કરતી હતી. હું આવી રમત એટલા માટે રમતી હતી કારણ કે, મને વિરોધીઓને મારવું સારું લાગતું હતું. બોક્સિંગ દરમિયાન આંખમાં ઈજા થયા બાદ તેની માતાએ બોક્સિંગ છોડાવી દીધી હતી જેને કારણે ભાકરે શૂટિંગમાં કારકિર્દી બનાવી હતી.