ઇટાલીના ફૂટબોલર ડેવિડ એસ્ટોરીનું ૩૧ વર્ષની વયે નિધન - Sandesh
  • Home
  • Sports
  • Football
  • ઇટાલીના ફૂટબોલર ડેવિડ એસ્ટોરીનું ૩૧ વર્ષની વયે નિધન

ઇટાલીના ફૂટબોલર ડેવિડ એસ્ટોરીનું ૩૧ વર્ષની વયે નિધન

 | 1:33 am IST

રોમ, તા. ૪

ઇટાલીની નેશનલ ટીમ તરફથી રમી ચૂકેલા અને સિરી એ ફૂટબોલ લીગમાં ફિયોરેન્ટિના ફૂટબોલ ક્લબના કેપ્ટન ડેવિડ એસ્ટોરીનું રવિવારે સવારે અચાનક બીમાર થયા બાદ નિધન થયું હતું. એસ્ટોરી ફિયોરેન્ટિના ક્લબ તરફથી રવિવારે યોજાનારા યુડિનિઝ ટીમ સામેના મુકાબલામાં રમવાનો હોવાથી ટીમની સાથે હોટેલમાં રોકાયો હતો જ્યાં હોટેલના રૂમમાં જ નિધન થયું હતું. જોકે, કયાં કારણોસર તેનું નિધન થયું તે અંગે વિગતો બહાર આવી નથી.

ફિયોરેન્ટિના ટીમના પ્રવક્તાએ કહ્યું કે, બ્રેકફાસ્ટ માટે સૌથી પહેલાં પહોંચનાર એસ્ટોરી સવારે સાડા નવ કલાક સુધી નીચે આવ્યો નહોતો. આથી અમે તેના રૂમમાં તપાસ કરવા ગયા હતા. તેણે ફોનનો પણ કોઈ જવાબ ન આપતાં સાથી ખેલાડીએ દરવાજો તોડી નાખ્યો હતો. જ્યાં તેનું નિધન થયું હતું. અમને હજુ ખ્યાલ નથી તેનું નિધન કેવી રીતે થયું. તે પછી મેજિસ્ટ્રેટ અહીં આવ્યા હતા અને તેનાં બોડીને લઈ જવાયું હતું. તે સિવાય અમારી પાસે વધારાની માહિતી નથી. હવે ટીમ ચાર્ટર પ્લેન દ્વારા ફ્લોરેન્સ પરત ફરશે.

ઇટાલી તરફથી ૧૪ મેચ રમી ચૂકેલા એસ્ટોરી વર્ષ ૨૦૧૬માં કેગલિઆરી ટીમ છોડી ફિયોરેન્ટિના સાથે જોડાયો હતો અને તેણે ૫૮ મેચ રમી હતી. એસ્ટોરીનાં નિધનના સમાચાર આવ્યા ત્યારે તેની પૂર્વ ટીમ કેગલિાઆરીનો મુકાબલો શરૂ થઈ રહ્યો હતો. ખેલાડીઓ વોર્મઅપ કરી રહ્યા હતા ત્યારે નિધનના સમાચાર મળતાં મેચ પોસ્ટપોન કરી દેવાઈ હતી. તે પછી રવિવારે અન્ય મેચો પણ પોસ્ટપોન કરવામાં આવી હતી.