Italian Journalist report on Balakot Airstrikes against JeM
  • Home
  • Featured
  • એર સ્ટ્રાઈકમાં કેટલા આતંકીઓ માર્યા ગયેલા? ઈટાલીના પત્રકારે આંકડા જાહેર કર્યા

એર સ્ટ્રાઈકમાં કેટલા આતંકીઓ માર્યા ગયેલા? ઈટાલીના પત્રકારે આંકડા જાહેર કર્યા

 | 7:57 pm IST

ઈટાલીના પત્રકારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી બાલાકોટ એર સ્ટ્રાઈકને લઈને સનસનાટીપૂર્ણ દાવાઓ કર્યા છે. આ પત્રકારે આ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલાઓનો સંભવીત આંકડો જાહેર કર્યો છે. સાથે જ તેણે બાલાકોટ કેમ્પનું વિવરણ પણ કર્યું છે.

બાલાકોટ એર સ્ટ્રાઈકને લઈને વિદેશી મીડિયાએ અનેક સવાલ ખડા કર્યા હતાં. ભારતીય રાજકીય પક્ષો પણ આ ઘટનાને શંકાની નજરે જોઈ રહ્યાં હતાં. પાકિસ્તાન પણ હંમેશની માફક આ ઘટનાને માનવા તૈયાર નહોતું. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઈટાલીથી આવેલા એક અહેવાલમાં ભારત દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી પર મહોર મારવામાં આવી છે.

ઈટાલીના પત્રકારના અહેવાલ પરમાણે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકમાં 130થી 170 જેટલા આતંકવાદીઓ માર્યા ગયાનું અનુંમાન છે. તેવી જ રીતે પાકિસ્તાની આર્મી કેંપની હોસ્પિટલમાં હજી પણ લગભગ 45 લોકો સારવાર હેઠળ છે. તે ઉપરાંત સારવાર દરમિયાન 20 જેટલા લોકોના મોત પણ નિપજ્યાં છે. આમ સારવાર દરમિયાન મૃત્યું પામેલા 20 સહિત આ મૃતાંક 130થી 170નો હોઈ શકે છે.

ઈટાલીન પત્રકાર મૈરિનોએ આગળ ઉમેર્યું હતું કે, જે કેટડર (આતંકી) માર્યા ગયા તેમાં 11 ટ્રેનર પણ શામેલ છે. મૃતકોમાં કેટલાક બોમ્બ બનાવવામાં નિષ્ણાંત તો કેટલાક હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપનારા લોકો પણ હતાં. જે પરિવારના લોકો આ હુમલામાં માર્યા ગયા, તેમના તરફથી કોઈ જ જાણકારી લીક ના થાય તેનો જૈશ-એ-મોહમ્મદે પાક્કો બંદોબસ્ત કર્યો છે. મૃતકોના ઘરે જઈને જૈશના આતંકવાદીઓને વળતર પણ ચુકવી દેવામાં આવ્યું છે.

પત્રકારે કર્યું બાલાકોટ કેમ્પનું વર્ણન

ઈટાલીના પત્રકાર ફ્રેંસેસા મૈરિનોએ આ ઘટનાનું આખુ વર્ણન STRINGERASIA.ITમાં છાપીને દેશ અને દુનિયામાં ભારે સનસનાટી મચાવી દીધી છે. મૈરિને પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદના કેમ્પ સુધી પહોંચવા માટે પહાડની ચડાઈ કરવી પડે છે. જ્યાંથી પાકો રસ્તો શરૂ થાય છે ત્યાં જ બ્લૂ પાઈન હોટલ છે. પહાડી પર પહોંચ્યા બાદ એક સાઈન બોર્ડ નજરે પડે છે જેના પર તાલીમ-ઉલ-કુરાન લખેલું છે. આ બોર્ડ પહેલાની માફક નથી જેના પર જૈશ-એ-મોહમ્મદ અને મસૂદ અઝહરનું નામ લખેલું હતું. અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યા બાદ આ બોર્ડ પરથી તેનું નામ હટાવી દેવામાં આવ્યું છે. જૈશનો આ આતંકી કેમ્પ હાલ પાકિસ્તાની સેનાના નિયંત્રણ હેઠળ છે. તેની કમાન્ડ મુઝાહિદ બટાલિયનના કેપ્ટન રેંકના એક અધિકારી સંભાળે છે. કેંપ સુધી જવા માટે કાચા રસ્તે લોકોના આવવા જવા પર પ્રતિબંધ છે. જેને લઈને હવે સ્થિતિ એવી છે કે સ્થાનિક પોલીસ પણ અહીં જઈ શકતી નથી.

પત્રકારના અહેવાલ પ્રમાણે હાલ કેમ્પમાં કેટલાક બાળકો અને 3-4 મૌલવીઓ નજરે પડે છે કારણ કે આ કેમ્પને સંપૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવ્યો છે જેથી કરીને જૈશની કોઈ પણ પ્રકારની ગતિવિધિઓના નિશાન જ ના મળે. જૈશના કેમ્પની એકદમ બાજુમાં જ બિસિયન ટાઉનશિપ છે જ્યાં લોકો હજી પણ આ બાબતની ચર્ચા કરતા જોવા મળે છે. આ લોકો દબાયેલા અવાજમાં કહે છે કે, બાલાકોટ હુમલાના બીજા જ દિવસે અનેક ગાડીઓમાં કાટમાળ ભરીને કુન્હરા નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, જૈશ પોતાના લોકોને વિશ્વાસ અપાવી રહ્યું છે કે યોગ્ય સમયે ભારતીય વાયુસેનાની સર્જીકલ સ્ટ્રાઈકનો બદલો લેવામાં આવશે.

વિદેશી મીડિયાને સણસણતો તમાચો

ફ્રેંસેસા મૈરિનોના આ અહેવાલે દુનિયાભરના દેશોમાં સનસનાટી મચાવી દીધી છે. કારણ કે અગાઉ વિદેશના મીડિયામાં એર સ્ટ્રાઈક પર સવાલ ખડા કરવામાં આવ્યા હતાં. રોયટર નામની સમાચાર એજન્સીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના મદરેસા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી હોવાના અહેવાલ બાદ સામે આવેલી ઉપગ્રહો દ્વારા લેવામાં આવેલી હાઈ રિઝોલ્યૂશન તસવીરોમાં ઈમારતને કોઈ જ નુંકશાન પહોંચ્યુ નથી. ઈમારતની છત પર પણ કોઈ જ છેદ નથી, તેવી જ રીતે સળગવાના, દિવાલો તુટવાના તેમજ મદરેસાની આસપાસ આવેલા ઝાડવાઓ ઉખડવાના કે પછી હવાઈ હુમલા કોઈ જ નિશાન નજરે પડતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન