NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • ઇટાલી ૬૦ વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપમાંથી બહાર

ઇટાલી ૬૦ વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપમાંથી બહાર

 | 4:56 am IST

મિલાન, તા.૧૪

ચાર વખતની ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન ઇટાલિયન ટીમે સ્વિડન સામે પ્લે ઓફના સેકન્ડ લેગનો મુકાબલો ૦-૦થી ડ્રો કરતા તેમનું વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાનું સ્નપ્ન રોળાઇ ગયું છે. આ ડ્રો સાથે સ્વિડને ૨૦૧૮માં રશિયામાં યોજાનાર વર્લ્ડ કપ માટે ઇટાલીના ભોગે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. સેકન્ડ લેગનો આ મુકાબલો ઇટાલીના મિલાન શહેરના પ્રખ્યાત સાનસિરો સ્ટેડિયમ ખાતે રમાયો હતો અને આ મેચમાં ઇટાલીની ટીમને જીત મેળવવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. જોકે, સ્વિડનની ટીમના ખેલાડીઓએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેને કારણે ઇટાલીની ટીમ ૧૯૫૮ બાદ પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ થવામાં નિષ્ફળ રહી છે. બીજી બાજુ સ્વિડનની ટીમ વર્ષ ૨૦૦૬ બાદ પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ થવામાં સફળ રહી છે.

ઇટાલીનું આક્રમણ એટલું ખરાબ રહ્યું હતું કે તેઓ નિર્ધારિત ૧૮૦ મિનિટમાં એક પણ વખત સ્વિડનના ડિફેન્સને તોડી શક્યા નહોતા. આ પહેલાં સ્વિડનના સ્ટોકહોમ ખાતે રમાયેલા પ્રથમ લેગમાં પણ ઇટાલીની ટીમ ગોલ નોંધાવવામાં નિષ્ફળ રહી હતી અને અહીંથી જ ઇટાલિયન ટીમની પડતી શરૂ થઇ ગઇ હતી. આ મેચમાં ઇટાલીની ટીમે બોલ પર પોતાનું પ્રભુત્વ (૭૬.૧%) જાળવી રાખ્યું હતું. આ દરમિયાન સ્વિડનના એક શોટ્સની સરખામણીએ ઇટાલિયન ટીમ કુલ છ શોટ્સ ફટકાર્યા હતા જે સ્વિડન માટે ખતરનાક સાબિત થઇ શકે તેમ હતા. જોકે, સ્વિડનના ડિફેન્સ અને ગોલ કીપરે તેમની શાનદાર રમતનું પ્રદર્શન જાળવી રાખ્યું હતું અને ઇટાલિયન ટીમને એક પણ ગોલ નોંધાવવામાં સફળતા મળવા દીધી નહોતી. મેચની અંતિમ ક્ષણોમાં ઇટાલિયન ખેલાડીઓએ મેચ રેફરી સાથે દલીલો કરી હતી જેને કારણે ઔઇમ્મોબાઇલ અને ફ્રેડરિકોને યલો કાર્ડ મળ્યું હતું.

મેચ રેફરીની અંતિમ વ્હીસલ બાદ સ્વિડનના ખેલાડીઓએ મેદાન પર જ ઉજવણી શરૂ કરી દીધી હતી. સ્વિડનના મેનેજર જેન એન્ડરસને સ્ટાર ફૂટબોલર ઝલાટન ઇબ્રાહીમોવિચની નિવૃત્તિ બાદ સ્વિડનની ટીમને ઊભી કરવામાં સૌથી મહત્ત્વનું યોગદાન આપ્યું છે. મેચ બાદ તેણે જણાવ્યું હતું કે હું થોડું રડયો હતો. કેટલાક જૂના ખેલાડીઓનું માનવું હતું કે વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ થવાની આ અંતિમ તક છે અને મને આનંદ છે કે અમે આ તકનો ફાયદો ઉઠાવવામાં સફળ થયા છીએ. ઇબ્રાહીમોવિચ બાદ ટીમની કમાન સંભાળનારા ૩૨ વર્ષીય સેન્ટ્રલ ડિફેન્ડર આન્દ્રેસ ગ્રાનક્વિસ્ટે જણાવ્યું હતું કે મારી જિંદગીની આ સૌથી મોટી ઘટના છે. મારા જેવા ખેલાડી માટે વર્લ્ડ કપમાં રમવાની અંતિમ તક છે.

ગોલ કીપર બુફોને નિવૃત્તિ જાહેર કરી

વર્લ્ડ કપમાંથી બહાર થયેલી ઇટાલીની ટીમના મહાન ગોલ કીપર જિયાનલુઇગી બુફોને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ પહેલાં બુફોને જાહેરાત કરી હતી કે રશિયામાં યોજાનાર વર્લ્ડ કપ તેનો અંતિમ વર્લ્ડ કપ રહેશે પરંતુ ઇટાલીની ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાઈ ન થતાં નિવૃત્તિ જાહેર કરી હતી. મેચની સમાપ્તિ બાદ આંખોમાં આંસુ સાથે બુફોને જણાવ્યું હતું કે હું મારા તરફથી નહી પરંતુ સમગ્ર ઇટાલિયન ફૂટબોલ તરફથી માફી માગી રહ્યો છું. બુફોનના સ્થાને એસી મિલાનના યુવા ગોલ કીપર જિયાનલુઇગી દોનારૂમ્માનો સમાવેશ થવાની શક્યતા છે. બુફોને પોતાની કારકિર્દીમાં ઇટાલી તરફથી ૨૦૦૬નો વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઉપરાંત તે ઇટાલી તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ (૧૭૫) મેચ રમવાનો રેકોર્ડ પણ ધરાવે છે.

વર્લ્ડ કપમાં ઇટાલીનું પ્રદર્શન

ફિફા વર્લ્ડ કપની શરૂઆત વર્ષ ૧૯૩૦થી કરવામાં આવી હતી. ઇટાલીની ટીમે ફિફાના ઇતિહાસમાં અત્યાર સુધી ૧૮ વખત ભાગ લીધો છે. વર્ષ ૧૯૩૪માં ઇટાલીની ટીમને પ્રથમ વખત વર્લ્ડ કપની યજમાની આપવામાં આવી હતી અને ફાઇનલમાં ચેક ગણરાજ્યને હરાવી તેઓ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. આ સફળતા બાદ ઇટાલીની ટીમ ૧૯૩૮, ૧૯૮૨ અને ૨૦૦૬માં એમ ચાર વખત ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત ૧૯૭૦માં પેલે અને ૧૯૯૪માં રોનાલ્ડોની બ્રાઝિલિયન ટીમે તેમને ફાઇનલમાં પરાજય આપ્યો હતો. જોકે, આ વખતે ૨૦૧૮ના વર્લ્ડ કપ માટે નસીબે ઇટાલીની ટીમને સાથ આપ્યો નહોતો અને તેઓ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ થવામાં નિષ્ફળ રહ્યા હતા. અત્યાર સુધી ઇટાલીની ટીમ ફિફા વર્લ્ડ કપમાં કુલ ૮૩ મેચ રમી ચૂકી છે.

ઇટાલીના અન્ય ત્રણ ફૂટબોલરોની નિવૃત્તિ

જ્યોર્જિયો ચેલિની : ૩૩ વર્ષીય ચેલિનીએ ઇટાલી તરફથી ૯૬ મેચ રમી હતી. આ દરમિયાન ઇટાલિયન ડિફેન્ડરે આઠ ગોલ ફટકાર્યા હતા. પોતાની અંતિમ મેચ બાદ છેલિનીએ કહ્યું હતું કે અમારી ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે કે જેને દર્શકોના સાથ અને પ્રેમની જરૂર છે. વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ટીમને ઊભી કરવામાં સમય ચોક્કસ લાગશે.

ડેનિયલ ડી રોસ્સી : ૩૪ વર્ષીય ડેનિયલ ડી રોસ્સીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૧૧૭ મેચ રમી છે અને તે ઇટાલી તરફથી સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને આવે છે. પોતાની કારકિર્દીમાં તેણે ૨૧ ગોલ ફટકાર્યા છે.

આન્દ્રિયા બર્ઝાગ્લી : ૩૬ વર્ષીય બર્ઝાગ્લીએ ઇટાલી માટે ૭૩ મેચોમાં ભાગ લીધો છે. મેચની સમાપ્તિ બાદ તેણે કહ્યું હતું કે મારી જિંદગીમાં હું આજે સૌથી વધુ નિરાશ થયો છું. મને ખ્યાલ નથી કે અમે શું મિસ કર્યું હતું પરંતુ એક વાત નક્કી છે કે અમે વર્લ્ડ કપમાં ભાગ લેવાના નથી.