જંત્રી મૂલ્યના આધારે કરપાત્રતાની જોગવાઈઓમાં 10 ટકાની રાહત તારીખ 1લી એપ્રિલ, 2003થી ગણવાની રહે ! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • જંત્રી મૂલ્યના આધારે કરપાત્રતાની જોગવાઈઓમાં 10 ટકાની રાહત તારીખ 1લી એપ્રિલ, 2003થી ગણવાની રહે !

જંત્રી મૂલ્યના આધારે કરપાત્રતાની જોગવાઈઓમાં 10 ટકાની રાહત તારીખ 1લી એપ્રિલ, 2003થી ગણવાની રહે !

 | 9:25 am IST
  • Share

જંત્રી કિંમતથી ઓછા મૂલ્યના ખરીદ-વેચાણના વ્યવહારોના સંદર્ભમાં ITની વિશિષ્ટ જવાબદારી

આકારણી વર્ષ ૨૦૦૩-૦૪થી અમલી બનેલ કલમ ૫૦સી હેઠળ કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર, કરદાતા દ્વારા કોઈપણ જમીન કે મકાનની સ્થાવર મિલકતનું વેચાણ કરવામાં આવે તેવા કેસમાં, જો વેચાણ કિંમતની રકમ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ ‘સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી’ દ્વારા સ્ટેમ્પ ડયૂટીની વસૂલાતના હેતુસર નક્કી કરાતી બજાર કિંમતથી ઓછી હોય, તો સ્ટેમ્પ ડયૂટીના મૂલ્યાંકન અનુસારની બજાર કિંમતને આવી મિલકતની વેચાણ કિંમત તરીકે માની લેવામાં આવશે (deemed to be the full value of consideration) અને આના આધારે કલમ ૪૮ના હેતુસર કરપાત્ર મૂડી-નફાની ગણતરી કરવામાં આવશે.

આ સંદર્ભમાં, વધુમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કરદાતા આકારણી અધિકારી સમક્ષ એવી રજૂઆત કરે કે સ્ટેમ્પ ડયૂટીના હેતુસર મિલકતનું મૂલ્યાંકન વધુ પડતું છે, પરંતુ આ મૂલ્યાંકન સ્વીકારી તેની સામે તેણે કોઈ અપીલ કરી નથી, તો તેવા કેસમાં આકારણી અધિકારી દ્વારા આ મિલકતના મૂલ્યાંકનની કાર્યવાહી આવકવેરા ખાતાના ‘વેલ્યુએશન ઓફિસર’ને સુપ્રત કરવામાં આવશે. જો વેલ્યુએશન ઓફિસર દ્વારા કરાયેલું મૂલ્યાંકન સ્ટેમ્પ ડયૂટીના મૂલ્યાંકન કરતાં ઓછું હોય, તો આકારણી અધિકારી તેને માન્ય રાખશે, નહીં તો સ્ટેમ્પ ડયૂટીના મૂલ્યાંકન આધારે કરદાતાની કરપાત્ર મૂડી-નફાની ગણતરી કરશે. અલબત્ત, જો કરદાતાએ સ્ટેમ્પ ડયૂટીના મૂલ્યાંકન સામે અપીલ કરી હોય અને તેમાં તેને કોઈ રાહત મળે, તો આકારણી અધિકારીએ તે અનુસારની યોગ્ય રાહત કરદાતાની આવકવેરા આકારણીમાં આપવાની રહેશે. ઉપરોક્ત જોગવાઈને લક્ષમાં રાખીને, કરદાતાઓએ તેમની સ્થાવર મિલકતના હસ્તાંતર સમયે વિચારપૂર્વકનું આયોજન કરવાનું રહે.

ઉપરોક્ત જોગવાઈમાંથી છટકવાના હેતુસર, વેચાણ દસ્તાવેજ દ્વારા સ્થાવર મિલકતનું હસ્તાંતર કરવાના બદલે, સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી સમક્ષ જેનું મૂલ્યાંકન કરવાનું જરૂરી જ ન બને તેવી રીતે, બાનાખત (Agreement for Sale) અથવા પાવર ઓફ એટર્ની દ્વારા મિલકતનો કબજો સોંપીને કરાતા વેચાણના વ્યવહારોની છટકબારીનો લાભ લેવાનું શક્ય ન બને, તે હેતુસર, તારીખ ૧લી ઓક્ટોબર, ૨૦૦૯થી કલમ ૫૦સીમાં એવો સુધારો કરવામાં આવ્યો કે આ કલમની જોગવાઈઓ, જંત્રી કિંમત તરીકે આકારાતા (assessable) એવા મૂલ્યના સંદર્ભમાં પણ લાગુ પડશે.

બાનાખતની તારીખની જંત્રીને વેચાણ દસ્તાવેજની તારીખની જંત્રી કિંમત તરીકે ક્યારે લક્ષમાં લઈ શકાય ?

અનેક કિસ્સાઓમાં એવું બને કે કરદાતાએ બાનાખતમાં વેચાણ મૂલ્ય દર્શાવ્યું હોય તે, જે તે સમયના જંત્રી મૂલ્ય સાથે સુસંગત હોય. પરંતુ, થોડાક સમય બાદ જ્યારે વેચાણ દસ્તાવેજ કરવાનો થાય, ત્યારે જંત્રી મૂલ્યમાં વધારો થયો હોય. આવા કિસ્સામાં સ્વાભાવિક રીતે કરદાતાને માથે વધારાની આવકવેરાની જવાબદારી નાખવાનું યોગ્ય ગણાય નહીં. આને લક્ષમાં રાખીને કલમ ૫૦સી કે ૪૩સીએ હેઠળ એવી રાહતકારક જોગવાઈ કરાઈ છે કે જો બાનાખતની તારીખના રોજ તેમજ વેચાણ દસ્તાવેજની તારીખના રોજ, જંત્રી મૂલ્ય એક સમાન ન હોય, તો આવા કેસમાં બાનાખતની તારીખના રોજની જંત્રી કિંમતને આ કલમના હેતુસર લક્ષમાં લઈ શકાશે.

અલબત્ત, આ સંદર્ભમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ રાહત એવા કેસમાં જ મળી શકશે, જ્યાં બાનાખત હેઠળ કરદાતાને રોકડ સિવાય પણ અન્ય સ્વરૂપે, અર્થાત્ ચેક કે ડ્રાફ્ટ દ્વારા કંઈક અવેજ મળ્યું હોય.

સ્ટોક-ઇન-ટ્રેડની મિલકત પણ જંત્રીની જોગવાઈમાંથી ન છટકે તે માટે કલમ ૫૦સીની સમકક્ષ કલમ ૪૩સીએ

ઉપરોક્ત કલમ ૫૦સીની જોગવાઈઓ મૂડી-રૂપી મિલકતના સંદર્ભમાં જ લાગુ પડતી હોઈ, સ્ટોક-ઇન-ટ્રેડ તરીકે ધારણ કરાતી મિલકતોના સંદર્ભમાં, જો આવી મિલકતનું હસ્તાંતર, સ્ટેમ્પ ડયૂટીના મૂલ્યાંકન અનુસારની બજાર કિંમતથી ઓછી કિંમતે કરવામાં આવે, તો તેવા કેસમાં તફાવતની રકમને કરપાત્ર ગણી શકાતી ન હતી.

કાયદા હેઠળની આ છટકબારીને નાબૂદ કરવાના હેતુસર, આકારણી વર્ષ ૨૦૧૪-૧૫થી દાખલ કરાયેલી કલમ ૪૩સીએ હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે મૂડી-રૂપી મિલકત સિવાયની અન્ય મિલકત અર્થાત્ ધંધાના સ્ટોક-ઇન-ટ્રેડ તરીકે ધારણ કરવામાં આવેલી મિલકતનું વેચાણ મૂલ્ય, રાજ્ય સરકાર દ્વારા નિયત જંત્રી મૂલ્યથી ઓછું હોય, તો આવી તફાવતની રકમને કરદાતાની ધંધાકીય આવક તરીકે કરપાત્ર ગણવામાં આવશે. આ સંદર્ભમાં કલમ ૫૦સીની ઉપરોક્ત જોગવાઈઓની સમકક્ષ, આકારણી અધિકારી સમક્ષ રજૂઆત કરવાની કરદાતાને છૂટ આપવામાં આવશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે.

જંત્રી કિંમતથી ઓછા ભાવે ખરીદાતી મિલકતના સંદર્ભમાં ખરીદનાર ઉપર પણ આવકવેરાની જવાબદારી-કલમ ૫૬ (૨) (૧૦)

કલમ ૫૦સી તેમજ કલમ ૪૩સીએ હેઠળની જોગવાઈઓ સ્થાવર મિલકતનું વેચાણ કરતાં કરદાતાઓના કેસમાં લાગુ પડે છે. આ સંદર્ભમાં મિલકત ખરીદનાર શખ્સના કેસમાં પણ આવકવેરાની જવાબદારી ઉપસ્થિત કરવાના હેતુસર, કલમ ૫૬ (૨) (૧૦) હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી કે વ્યક્તિ કે એચ.યુ.એફ. હોય તેવા કરદાતા દ્વારા કોઈપણ સ્થાવર મિલકતની ખરીદી કરવામાં આવે અને જો આવી મિલકતનું જંત્રી મૂલ્ય સંબંધિત મિલકતની ખરીદ કિંમતથી રૂ. ૫૦ હજાર કરતા વધુ હોય, તો તેવા સંજોગોમાં આવી તફાવતની રકમને મિલકત ખરીદનાર કરદાતાની કરપાત્ર આવક તરીકે ગણવામાં આવશે.

મિલકત વેચનાર તેમજ મિલકત ખરીદનાર, બંનેના કેસોમાં સ્થાવર મિલકતના જંત્રી મૂલ્યના આધારે કાલ્પનિક આવકવેરાની જવાબદારી ઊભી કરતી ઉપરોક્ત જોગવાઈઓ વાસ્તવમાં અનેક વ્યવહારુ સમસ્યાઓ તેમજ હાલાકી ઊભી કરે તેમ છે.

કલમ ૫૦સી/કલમ ૪૩સીએ/કલમ ૫૬ (૨) (૧૦) હેઠળ સ્ટેમ્પ ડયૂટીના મૂલ્યાંકનના આધારે કાલ્પનિક કરપાત્ર આવક ગણવાના સંદર્ભમાં ૫%/૧૦%ની રાહતકારક છૂટ

કલમ ૫૦સી/કલમ ૪૩સીએ/કલમ ૫૬ (૨) (૧૦)ની ઉપરોક્ત જોગવાઈઓમાં રાહતકારક છૂટ આપતો મહત્ત્વનો સુધારો આકારણી વર્ષ ૨૦૧૯-૨૦થી અમલી બને તેમ કરવામાં આવ્યો. આ અનુસાર હસ્તાંતર કરાતી મૂડીરૂપી મિલકત કે સ્ટોક-ઇન-ટ્રેડ તરીકે ધારણ કરાયેલી મિલકતની વેચાણ કિંમતના સંદર્ભમાં, જો સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી દ્વારા તેવી મિલકતની અપનાવવામાં આવતી જંત્રીની રકમ, વેચાણ અવેજ (Sale Consideration)ના ૧૦૫%થી વધતી ન હોય, તો તેવા કેસમાં કરદાતા દ્વારા વેચાણ દસ્તાવેજ હેઠળ દર્શાવાયેલી વેચાણ કિંમતને છંછેડવામાં આવશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો આવી મિલકતની Stamp Duty Value જો ખરેખર વેચાણ કિંમતના ૧૦૫%થી વધુ હોય તો જ તેને કરપાત્રતા નક્કી કરવા માટે પૂરા અવેજની કિંમત ગણવામાં આવશે. આકારણી વર્ષ ૨૦૨૧-૨૨થી કલમ ૫૦સી/કલમ ૪૩સીએ/કલમ ૫૬ (૨) (૧૦) હેઠળ સ્ટેમ્પ ડયૂટીના મૂલ્યાંકનના આધારે કાલ્પનિક કરપાત્ર આવક ગણવાની જોગવાઈઓના સંદર્ભમાં ઉપરોક્ત ૫%ની રાહતકારક છૂટને વધારીને ૧૦% કરવામાં આવી.

આવકવેરા ટ્રિબ્યૂનલની મુંબઇ બેન્ચ સમક્ષ ઉપસ્થિત રસપ્રદ મુદ્દો !

‘મારિયા ફરનાન્ડિસ ચેરીલ વિરુદ્ધ ઇન્કમટેક્સ ઓફિસર’ (ITA No. ૪૮૫૦/૨૦૧૯)ના કેસમાં મુંબઇની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલ સમક્ષ એક મહત્ત્વનો અને રસપ્રદ મુદ્દો ઉપસ્થિત થયો. આ કેસમાં આકારણી વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન કરદાતાની આકારણી સંપૂર્ણ કરાઈ ત્યારે રૂ. ૭૫ લાખની વેચાણ કિંમતના આધારે મૂડી-નફાની ગણતરી કરવામાં આવી હતી. કલમ ૧૪૭ હેઠળ પુનઃ આકારણીની કાર્યવાહી હાથ ધરીને આકારણી અધિકારીએ તેની સ્ટેમ્પ ડયૂટીના રૂ. ૭૯,૯૧,૫૦૦ના મૂલ્યાંકનના આધારે રૂ. ૪,૯૧,૫૦૦ની રકમ કરદાતાની આવકમાં કલમ ૫૦સીનો આશ્રય લઈને ઉમેરી.કરદાતા તરફથી ટ્રિબ્યૂનલ સમક્ષના હિયરિંગ સમયે કોઈ ઉપસ્થિત ન હોઈ, ટ્રિબ્યૂનલના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પ્રમોદકુમાર તેમજ જ્યુડિશિયલ મેમ્બર શ્રી શક્તિજીત દે દ્વારા આવકવેરા ખાતાના પ્રતિનિધિને સાંભળીને આ મુદ્દા સાથે સંબંધિત કાનૂની જોગવાઈઓનું તલસ્પર્શી વિશ્લેષણ કરીને આ વિદ્ધતાપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.

૨૦૧૮ તેમજ ૨૦૨૦ના નાણાકીય ધારાના સુધારાઓ પાછળના કાનૂની આશયને લક્ષમાં રાખતાં તેને રિટ્રોસ્પેક્ટિવ ગણવા જોઈએ !

ટ્રિબ્યૂનલના વી.પી. શ્રી પ્રમોદકુમારની કલમે લખાયેલા આ રસપ્રદ ચુકાદામાં એ બાબતની નોંધ લેવાઈ કે ઝ્રમ્ડ્ઢ્ના ૨૦૧૮ના સર્ક્યુલરમાં એમ જણાવાયું હતું કે સ્ટેમ્પ ડયૂટી તેમજ વાસ્તવિક અવેજમાં રહેલા ફેરફાર પાછળ અનેક પરિબળો હોઈ શકે છે. એક જ વિસ્તારમાં આવેલ પ્લોટની કિંમતમાં તેના આકાર કે ચોક્કસ સ્થળના કારણે પણ વાસ્તવિક અવેજમાં અલગ મૂલ્ય હોઈ શકે.ઉપરોક્ત કારણોસર ૨૦૧૮માં ૫% તથા ૨૦૨૦ના નાણાકીય ધારા હેઠળ ૧૦%ની અપાયેલી છૂટનો ઉદ્દેશ કરદાતાઓને પડતી હાલાકી નિવારવાનો હોઈ, આકારણી વર્ષ ૨૦૧૯-૨૦ કે ૨૦૨૧-૨૨થી અમલી ઉપરોક્ત સુધારાને અસરકારક રીતે curative સ્વરૂપી ગણીને તેની અસર કલમ ૫૦સી જ્યારથી દાખલ કરાઈ ત્યારથી અર્થાત્ આકારણી વર્ષ ૨૦૦૩-૦૪થી (retrospectively) અમલી ગણવી જોઈએ તેમ ટ્રિબ્યૂનલે ઠરાવ્યું.૨૦૨૦ના નાણાકીય સુધારા દ્વારા ૧૦% સુધીના તફાવતને માન્ય રખાયેલ છે તેનો ઉલ્લેખ કરતાં, ટ્રિબ્યૂનલે ઠરાવ્યું કે આકારણી વર્ષ ૨૦૧૧-૧૨ના આ કેસમાં તફાવતની ટકાવારી ૬.૫૫% હોઈ, તે ઉપરોક્ત ૧૦%ના cushionમાં આવી જાય છે અને તેથી કરદાતાને તેનો લાભ મળવો જોઈએ. આ કારણોસર કરદાતાની આવકમાં ઉમેરાયેલી રકમને પડતી મૂકવાનો આદેશ આપતી રાહત આપવામાં આવી.

ઐતિહાસિક કહી શકાય તેવો આ ચુકાદો આશીર્વાદ સમાન પુરવાર થશે ?

કલમ ૫૦સી કે ૪૩સીએ હેઠળ મિલકત વેચનાર તેમજ કલમ ૫૬ (૨) (૧૦) હેઠળ મિલકત ખરીદનારના કેસમાં અગાઉના કોઈપણ આકારણી વર્ષ દરમિયાન ૧૦%ની મર્યાદામાં પડેલ તફાવતને કારણે ઉમેરવામાં આવેલી કાલ્પનિક આવક સંબંધી પેન્ડિંગ અપીલોના સંદર્ભમાં ઉપરોક્ત ચુકાદો અત્યંત લાભદાયી બની રહેશે.

આ વીડિયો પણ જૂઓ: AMCમાં જીતેલા ઉમેદવારોને વિધિવત કોર્પોરેટરનું સર્ટિફિકેટ આપવાનું શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન