જાડેજાનો સંઘર્ષ છતાં ભારત રાંચી સર કરવામાં નિષ્ફળ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • જાડેજાનો સંઘર્ષ છતાં ભારત રાંચી સર કરવામાં નિષ્ફળ

જાડેજાનો સંઘર્ષ છતાં ભારત રાંચી સર કરવામાં નિષ્ફળ

 | 2:15 am IST

રાંચી, તા. ૨૦

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઝારખંડ રાજ્ય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ નીરસ ડ્રોમાં પરિણમી હતી. મેચના અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓને આઠ વિકેટ લેવામાં ફાંફાં પડી ગયા હતા. સ્પિનના ઉસ્તાદ ગણાતા અશ્વિન અને જાડેજા ખાસ ફાવ્યા નહોતા. ઓસ્ટ્રેલિયાએ અંતિમ દિવસે પોતાની બીજી ઈનિંગમાં છ વિકેટના ભોગે ૨૦૪ રન નોંધાવ્યા હતા. માર્શ અને હેન્ડ્સકોમ્બની જોડીએ ભારતના હાથમાંથી વિજયનો કોળિયો છીનવી લીધો હતો. ભારત તરફથી પૂજારાની બેવડી અને સહાની સદી એળે ગઈ હતી. ભારતે તેમના આધારે જ ૬૦૩ રનનો જંગી સ્કોર કરીને ઓસ્ટ્રેલિયા પર ૧૫૨ રનની લીડ મેળવી હતી.

ભારતે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની બે વિકેટ ઝડપી લીધી હતી. તમામ લોકોને આશા હતી કે, અંતિમ દિવસે ભારત ઓસ્ટ્રેલિયાની આઠ વિકેટ ઝડપી લેશે. અંતિમ દિવસની શરૂઆત પણ એવી રીતે જ થઈ હતી. ભારતે શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની ચાર વિકેટ ખેરવી પણ કાઢી હતી. સ્મિથની વિકેટ ગયા બાદ ભારતીય ચાહકો ઉત્સાહમાં હતા કે હવે મેચ ભારતના હાથમાં જ છે. ત્યારબાદ પાંચમી વિકેટની ભાગીદારી કરવા ઊતરેલા પીટર હેન્ડ્સકોમ્બ અને માર્શની જોડીએ ૧૨૪ રનની ભાગીદારી કરીને ભારતના મુખમાંથી વિજયનો કોળિયો ઝૂંટવી લીધો હતો. ભારત માટે આઠ કલાક બેટિંગ કરનાર પૂજારાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જાડેજાએ કુલ નવ વિકેટ ઝડપીને શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.

ભારતીયો ચાર વિકેટ ન ઝડપી શક્યા 

સોમવારે ઓસ્ટ્રેલિયાની ટીમ રમવા ઊતરે કે પહેલી વિકેટ રેનશોના સ્વરૂપે ગુમાવી. તેણે કેપ્ટન સ્મિથ સાથે ૩૬ રનની ભાગીદારી કરી હતી. રેનશો બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના ચાર જ રન વધ્યા હતા કે જાડેજાએ સ્મિથને બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કરી દીધો. સ્મિથના આઉટ થયા બાદ શોમ માર્શ અને હેન્ડ્સકોમ્બે પાંચમી વિકેટની ભાગીદારી જમાવી હતી. તેમણે અંતિમ સેશન સુધી વિકેટ પડવા દીધી નહોતી. અંતિમ સેશનમાં શોન માર્શની છઠ્ઠી વિકેટ પડી હતી પણ ભારત અંતિમ ચાર વિકેટ લેવામાં નિષ્ફળ રહી હતી.

ધોની ધોનીના નારાથી સ્ટેડિયમ ગુંજી ઊઠયું 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ જોવા માટે ટીમના પૂર્વ સુકાની ધોનીએ પેવેલિયનમાં એન્ટ્રી મારી હતી. ટી બ્રેક દરમિયાન જ્યારે સ્ક્રીન ઉપર ધોનીને બતાવવામાં આવ્યો તેની સાથે જ ખેલાડીઓમાં આનંદ ફેલાઈ ગયો હતો. બીજી તરફ સમગ્ર સ્ટેડિયમમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું હતું. લોકો ધોની ધોનીના નારા લગાવવા માંડયા હતા. ઉલ્લેખનીય છે કે, ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો હોવાથી તે પોતાના હોમગ્રાઉન્ડમાં માત્ર ભારતીય ટીમનો જુસ્સો વધારવા માટે આવ્યો હતો. કુંબલેએ પણ અગાઉ કહ્યું હતું કે, ધોનીની હાજરીથી ખેલાડીઓને ઘણી પ્રેરણા મળશે અને તેમનામાં જુસ્સો આવશે.

જાડેજાએ સ્મિથને આૃર્યમાં નાખી દીધો 

બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના પરાજયને ખાળવા સંઘર્ષ કરી રહેલા કેપ્ટન સ્મિથને જાડેજાએ આૃર્યમાં નાખી દીધો હતો. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ દરમિયાન ૩૦મી ઓવરમાં જાડેજા બોલિંગ કરવા આવ્યો હતો. આ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૬૩ રને પહોંચ્યો હતો. ઓવરના પહેલા જ બોલે સ્મિથની વિકેટ પડી ગઈ અને ભારતીય ચાહકો ઝૂમી ઊઠયા. જાડેજાનો બોલ લેગ સ્ટમ્પની બહાર પડયો હતો. સ્મિથ તેને પેડ કરવા ગયો પણ બોલ ટર્ન થઈને ઓફ સ્ટમ્પને ઉડાવી ગયો. સ્મિથને ક્યાંય સુધી સમજ ન પડી કે બોલ કેવી રીતે સ્ટમ્પમાં ગયો અને પોતે બોલ્ડ થઈ ગયો. ઉલ્લેખનીય છે કે, પહેલી ઈનિંગમાં વિરાટ કોહલીએ પણ આવી જ ભૂલ કરી હતી અને વિકેટ ગુમાવી હતી. તે બોલ ડક કરવા ગયો અને આઉટ થઈ ગયો હતો જ્યારે અહીંયાં સ્મિથને સમજ નહોતી પડી કે બોલ ક્યાં આવ્યો અને કેવી રીતે સ્ટમ્પ સુધી ગયો.