જાગીરદાર ધરાર ન નમ્યા હો! - Sandesh

જાગીરદાર ધરાર ન નમ્યા હો!

 | 1:23 am IST

ચંદરવો : રાઘવજી માધડ

અજગરની જેમ ચારેકોર ભરડો લઇ રહેલી અંગ્રેજ સલ્તનતની જરાય શેહશરમ રાખ્યા વગર સૂરજમલ ઠાકોરને નીચા નમવું ન પડે એટલે ઇડરમાં ઊભા કરેલા ભવ્ય શમિયાણામાં પ્રવેશતા, ભેટમાંથી કટાર કાઢી દ્વારના ઝરૂખાને ચીરી નાખ્યો હતો. ઈડરના રાવ બાવા કેશરીસંગ અને પટાવતોની નજરથી અછતું રહ્યું નહોતું. કોઇથી બોલાઇ ગયું હતું: ‘મુટેડીના જાગીરદાર ધરાર ન નમ્યા હો !’

એક તો સૂરજમલ પૂરા પાંચ કાઠાળા એટલે ઘણાંખરાં દ્વાર નીચાં પડે. તેમાં વળી તેઓને ગોરા હાકેમના આ મનઘડંત મનસૂબાનો અંદેહો આવી ગયો હતો. જેમ મોર તેનાં પીછાં થકી શોભે એમ ક્ષત્રિય પણ હથિયારથી શોભે. આવું સૂરજમલની વજ્ર જેવી પોલાદી છાતીમાં ત્રોફઈ ગયું હતું. મક્કમતાભરી અડિયલ પહેલમાં શમિયાણાનું દ્વાર ચીરી દેખાડયું હતું.

સૂરજમલ બેઠક લઇ સમા-સરખા થાય ત્યાં શિરસ્તેદાર સામે આવી, ખરીતો ધરીને ઊભો રહ્યો હતો. ચાંદીની ખુરશીમાં અદોદળી કાયા ગોઠવીને બેઠેલા ગોરા અમલદાર સમેત સૌની નજર તીરની જેમ પણછ તાણી રહી હતી. તેમાં બાવા કેશરીસંગ પણ બાકાત નહોતા.

‘શેનો છે આ ફ્તવો !?’ગોરાની આજ્ઞાનો સરેઆમ અવગણના કરતો સૂરજમલનો બડકમદાર અવાજ બંધમુઠ્ઠી જેવા શમિયાણામાં છવાઈ ગયો હતો. સામે ગોરાનો ગરમ રૂઆબ હવાઈ ગયો હતો. તેના સોનેરી વાળ હવામાં ફ્રક્યા હતા. ભ્રુકૂટી ખેંચાણી હતી. ખુરશીમાં ઊંચોનીચો થાતા ચામડાના પટ્ટા પર હથેળીની ખંજવાળ ખોતરવા લાગ્યો હતો.

કંપની સરકારે આદેશ જારી કર્યો હતો કે, પ્રજાજને જો હથિયાર રાખવાં હોય તો તેનો પરવાનો કંપની પાસેથી લેવો. અન્યથા હથિયાર જમા કરવી દેવાં. આમાં ઇડરરાજનો સાથ-સહકાર મળે તે આવશ્યક લેખ્યું હતું.

ઈડરના રાજવી કેશરીસંગની મીટ, સૂરજમલ હતી. કંપની સરકાર સામે બાથ બીડવી, તેના આદેશનો અનાદર કરવો એટલે વિકરાળ ને વિફ્રેલા વાઘની બોડમાં હાથ ઘાલવા જેવું અઘરું ને કપરું ગણાતું હતું.

‘આપ જ કહો બાવા, આપણી ખુમારીને આ ખૂટલ સામે ખંખેરીને ઊભા રહેવાનું !?’ આક્રોશથી કહ્યું હતું: ‘એનું પરિણામ શું આવે તે જાણો છોને !? મગરાવાસી હથિયાર વગર મરી જાશે.’

વખત વસમો હતો. અરવલ્લીના અડાભીડ અરણ્યથી ઘેરાયેલા પહાડી વિસ્તારમાં રાજની રૈયત સ્વરક્ષણ માટે પણ વગર હથિયારે રહી કે જીવી શકે એમ નહોતી. આવા કપરાકાળમાં હથિયારના પરવાનાવાળું એક ગતકડું હતું. રાજની ગભરુ ને રાંકડી રૈયત, કંપની સરકાર પાસે પરવાનો લેવા જાય તો આપી દે એવી ભલમનસાઇવાળી સરકાર ક્યાં હતી? તેને તો પ્રજાને બાનમાં રાખી નિર્દયતાથી દુણવી હતી. આવી રીતે કેટલાંય દેશી રાજાઓને પણ શામ, દામ, દંડ ને ભેદની નીતિના ગાળિયામાં લપેટી લીધા હતા.

શિરસ્તેદાર ફ્રી સૂરજમલ સામે આવી, ખૂટલાઇભર્યો ખરીતો ધરીને ઊભો રહ્યો હતો. શમિયાણામાં ઉકળાટ ને હુકળાટ વધી ગયો. ગપસપ કાનસૂરી માંડી જાણે એક કાને ને ધ્યાને થઇ ગઈ હતી.

‘લાવો..’ કહી સૂરજમલે પડખેથી કટાર કાઢી, કાગળને ચરરર…કરતો ચીરી નાખ્યો. પછી હડફ કરતા ઊભા થઇ ગયા. કંપની સરકારના આદેશની આવી બેઈજ્જતી જોઈ ગોરાના ડોળા ચકળવકળ થાવા લાગ્યા. સૂરજમલે ગજબ કર્યો કહી, કેશરીસંગ આડું જોઈ ગયા ને પટાવતો પણ પારોઠ ફ્રી ગયા.

‘સિંહના નોર છૂટે તો અમારાં હથિયારો છૂટે..’ સૂરજમલે ગર્જના કરીને કહી દીધું: ‘કંપની સરકાર થાય તે કરી લે, હથિયારો નહીં છૂટે !’ કોઇથી બોલાઇ ગયું :’ભારે કરી ઠાકોર…આનાં પરિણામ સારાં નહીં આવે.’

પણ સૂરજમલને કોઈ પરવા નહોતી.અંગ્રેજના ફ્તવા સામે વિરોધ હતો. પોતાના અંગરક્ષકો બ્લોચ બહાદુરો સાથે, ઇડરથી મૂટેડી જાવા નીકળી ગયા. આ બાજુ પટાવતો સાથે કેશરીસંગ પણ કેસરિયા કરવા હોય એમ ઊભા થઇ ગયા. તેમને ગોરી સરકાર પર ભરોસો નહોતો. સૂરજમલની પડખે રહેવાનું નક્કી કરી લીધું.

નાનકડી રિયાસતના ધણીએ, કંપની સરકાર સામે બાથ ભીડવી તે ગગાના ખેલ નહોતા. આભ સામે હાથ ઉગામવા જેવું હતું. પણ ઠાકોરને અંગ્રેજો સામે નમવું નહોતું. વળી હથિયાર છોડવા એ કાયરતા કહેવાય. તેમણે બ્લોચ, ઠાકોર અને ભીલોને ભેગા કર્યા. અંગ્રેજો સામે ઝીંક ઝીલવાની વ્યૂહરચના ઘડી કાઢી. અરવલ્લીની ગાઢી વનરાજી ને ગાળિયોમાં કોઈની કારી ફવે એમ નહોતી. કહેવાય છે કે, લગાતાર વરસો સુધી બ્લોચ, ઠાકોર ને ભીલ નરબંકાઓના સાથે અંગ્રેજસેનાને હંફવતા રહ્યા હતા. છેવટે અંગ્રેજ સરકારે હથિયારવાળી વાત પડતી મૂકી હતી. જે નાની મારવાડના ઈશાનિયા ખૂણામાં સ્વરાજ આવ્યા સુધી અકબંધ રહી હતી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન