જાગૃતિબહેન પંડયાએ ટિકિટ માગતા અન્ય બ્રાહ્મણ દાવેદારોની ચિંતા વધી - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • જાગૃતિબહેન પંડયાએ ટિકિટ માગતા અન્ય બ્રાહ્મણ દાવેદારોની ચિંતા વધી

જાગૃતિબહેન પંડયાએ ટિકિટ માગતા અન્ય બ્રાહ્મણ દાવેદારોની ચિંતા વધી

 | 5:08 am IST

અમદાવાદ, તા.૧૪

અમદાવાદ શહેરની ૧૬ વિધાનસભા બેઠકો પૈકી વેજલપુર, મણિનગર, જમાલપુર-ખાડિયા અને એલિસબ્રિજ વિધાનસભા બેઠક ઉપર ભાજપની ટિકિટ માટે બ્રહ્મ સમાજના દાવેદારોનો મજબૂત દાવો છે. જમાલપુર-ખાડિયા બેઠક ઉપરથી વર્તમાન ધારાસભ્ય ભૂષણ ભટ્ટની ટિકિટ ફાઇનલ છે પણ આ સિવાય વધુ એક ટિકિટ બ્રહ્મ સમાજના ફાળે આવી શકે તેમ છે પણ પૂર્વ ગૃહમંત્રી સ્વ. હરેન પંડયાના પત્ની જાગૃતિબહેન પંડયાએ એલિસબ્રિજ કે પછી વેજલપુર એમ બે બેઠકો પૈકી એક બેઠક ઉપર ટિકિટ માગી છે જેને લીધે અન્ય બ્રહ્મ સમાજના દાવેદારોની ચિંતા વધી છે જો જાગૃતિબહેનની ટિકિટ ફાઇનલ થાય તો ભાજપના મોટા કદના કેટલાય નેતા ટિકિટથી વંચિત રહી શકે છે.

આ વખતે વધુ ત્રણ બેઠકો મણિનગર, વેજલપુર અને એલિસબ્રિજ ઉપર બ્રહ્મ સમાજના નેતાઓએ ટિકિટ માગી છે. મણિનગર બેઠકથી પૂર્વ મેયર અસિત વોરાનો મજબૂત દાવો છે તેઓએ વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલની ટિકિટ કાપી તેઓને ટિકિટ મળે તે માટે દોડી રહ્યાં છે તો વેજલપુર બેઠક ઉપર અમિત ઠાકર અને ભરત પંડયાનો દાવો મજબુત માનવામાં આવી રહ્યો છે તો બીજી તરફ જાગૃતિબહેન પંડયાએ એલિસબ્રિજ કે વેજલપુર એમ બે પૈકી એક બેઠક ઉપર ટિકિટ આપવા માટે દાવો પેશ કર્યો છે. એલિસબ્રિજ બેઠક જૈન વણિક મતદારોના પ્રભુત્વવાળી બેઠક છે જેથી આ બેઠક તો જૈન સમાજના ઉમેદવારને ફાળે આવશે તેવું નક્કી છે જેથી વેજલપુર બેઠક ઉપર બ્રહ્મ સમાજના દાવેદારોની ચિંતા જાગૃતિબહેન પંડયાના દાવાએ વધારી દીધી છે. જો વેજલપુરમાં બ્રહ્મ સમાજના દાવેદારને ટિકિટ મળે તો પૂર્વ મેયર અસિત વોરાનું ચૂંટણી લડવાની સપનું ચકનાચૂર થઇ શકે છે કેમ કે, ભાજપ મોવડી મંડળ પણ જ્ઞાતિય સમીકરણોના આધારે વધુમાં વધુ બે બેઠકો બ્રહ્મ સમાજના દાવેદારોને આપી શકે છે.

શહેરની ૧૬ બેઠકો ઉપર ભાજપનું જ્ઞાતિ ગણિત

અમદાવાદની ૧૬ બેઠકો પૈકી ૧૪ બેઠકો ભાજપ પાસે છે. જે પૈકી એક બેઠક ઉપર બ્રાહ્મણ, બે બેઠક ઉપર વણિક અને પાંચ બેઠકો ઉપર પાટીદાર ધારાસભ્ય છે. એક બેઠક ઉપર સિંધી સમાજ, એક બેઠક ઉપર રાજપૂત, એક બેઠક ઉપર હિંદીભાષી તો એક બેઠક ઉપર એસસી ધારાસભ્ય છે. જ્યારે બે બેઠકો ઉપર ઓબીસી ધારાસભ્ય છે. ૧૬ બેઠકોની ફાળવણીમાં ભાજપ બે રિઝર્વ બેઠકો સિવાયની ૧૪ બેઠકોમાં હવે બે બેઠકો ઓબીસી અને ૬ બેઠકો પાટીદારને ફાળવી શકે છે. જ્યારે જૈન-વણિકને એક બેઠક ફાળવી શકે છે. આમ એક બેઠક વણિક સમાજની કપાશે. સિંધી સમાજ અને રાજપૂત સમાજને ફાળે એક-એક બેઠક આવશે. હિંદી ભાષીને એક ટિકિટ મળી શકે છે જ્યારે બે બેઠકો બ્રહ્મ સમાજને ફાળે આવી શકે તેમ છે.

;