વોરેન બફેટના પેંગડામાં પગ નાખવાની નજીક પહોંચ્યા આ ભારતીય - Sandesh
  • Home
  • Business
  • વોરેન બફેટના પેંગડામાં પગ નાખવાની નજીક પહોંચ્યા આ ભારતીય

વોરેન બફેટના પેંગડામાં પગ નાખવાની નજીક પહોંચ્યા આ ભારતીય

 | 1:05 pm IST

બર્કશાયર હેથવે ઈન્કે તેના ટોચના બે એક્ઝિક્યુટિવ ગ્રેગરી એબલ અને અજિત જૈનને બઢતી આપી છે. આ સાથે બંને જણાં કંપનીના સંચાલન માટે વોરેન બફેટના વારસદાર તરીકે એકદમ નજીક પહોંચી ગયા છે.

બર્કશાયર હેથવે એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ એબલને નોન-ઈન્સ્યોરન્સ બિઝનેસ ઓપરેશન માટે બર્કશાયરના વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. જ્યારે કંપનીના ટોચના ઈન્સ્યોરન્સ એક્ઝિક્યુટિવ 66 વર્ષના જૈનને ઈન્સ્યોરન્સ ઓપરેશનના વાઈસ ચેરમેન તરીકે બઢતી આપવામાં આવી છે. બંને જણાંને આ સાથે બર્કશાયરના બોર્ડમાં પણ સમાવેશ કરાયો છે. આ સાથે કંપનીના બોર્ડમાં ડાયરેકટરની સંખ્યા 12થી વધી 14 થઈ છે.

87 વર્ષના બફેટ બર્થશાયર હેથવેના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવના હોદ્દા પર યથાવત રહેશે. જ્યારે છેલ્લાં 40 જેટલા વર્ષથી હોદ્દા પર રહેનાર 94 વર્ષના ચાર્લી મંગર વાઈસ ચેરમેનના હોદ્દા પર જ બિરાજશે. જૈન અને એબલને અપાયેલી બઢતી અંગે બફેટે જણાવ્યું હતું કે પરિવર્તનની સાથોસાથ ઉત્તરાધિકારીની દિશામાં અમે પગલાં ઉઠાવીએ છીએ. બંને જણાં એકબીજાને સારીપેઠ સમજે અને ઓળખે છે.

જૈનનો જન્મ 1951માં ઓરિસ્સામાં થયો હતો. તેઓ 1978માં અમેરિકા ગયા હતાં અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી હતી. અગાઉ તેમણે આઈઆઈટી ખડગપુરમાંથી મીકેનિકલ એન્જિનિયરીંગમાં એમટેક કર્યું હતું.