જમાલપુર બેઠક ફરી જીતવી BJP માટે  અઘરી પણ કોંગ્રેસની ભૂલ જીતાડી શકે - Sandesh
  • Home
  • Ahmedabad
  • જમાલપુર બેઠક ફરી જીતવી BJP માટે  અઘરી પણ કોંગ્રેસની ભૂલ જીતાડી શકે

જમાલપુર બેઠક ફરી જીતવી BJP માટે  અઘરી પણ કોંગ્રેસની ભૂલ જીતાડી શકે

 | 8:05 am IST

અમદાવાદમાં સૌથી વધુ મુસ્લિમ મતો ધરાવતી જમાલપુર-ખાડિયા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે પણ ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસે સીટિંગ ધારાસભ્યની ટિકિટ કાપી પગ ઉપર કુહાડો માર્યો હતો. ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપે ભૂષણ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા હતા તો કોંગ્રેસ તરફથી સમીરખાન પઠાણે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે સીટિંગ ધારાસભ્ય શાબિર કાબલીવાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી કોંગ્રેસના વોટ બે ભાગમાં વહેંચાયા હતા. જેનો સીધો ફાયદો ભાજપને થયો હતો. ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટનો ૬,૩૩૧ મતથી વિજય થયો હતો. મુસ્લિમના વર્ચસ્વવાળી બેઠક ફરી જીતવી ભાજપ માટે અઘરો ટાસ્ક છે પણ ૨૦૧૨ની જેમ ફરી કોંગ્રેસના નેતાઓની ભૂલ ચમત્કાર કરી શકે તે નકારી શકાય નહીં. આ બેઠક ઉપર ૧.૯૭ લાખ મતદારો છે. જે પૈકી ૧.૦૨ લાખ મતદારો મુસ્લિમ છે. જ્યારે હિંદુ મતદારોની સંખ્યા ૯૫ હજારની આસપાસ છે પણ આ બેઠક ઉપર નિર્ણાયક મુસ્લિમ મતદારો પૈકીના છીપા સમાજના ૪૬ હજાર મતદારો છે. કોંગ્રેસ ૨૦૧૨માં હારી તેની પાછળનું કારણ છીપા કોમ્યુનિટિની નારાજગી મનાય છે.

પહેલાં ખાડિયા અને જમાલપુર એમ બે બેઠકો હતી. ખાડિયા ભાજપનો તો જમાલપુર બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. ૨૦૦૭ પહેલાં જમાલપુર બેઠક ઉપર છીપા કોમ્યુનિટિના અપક્ષ ઉમેદવાર જીતતા આવ્યા છે. નવા સીમાંકન બાદ ખાડિયા અને જમાલપુર બે બેઠકનો વિસ્તાર ભેગો થઇ ગયો હતો અને જમાલપુર-ખાડિયા બેઠક બની હતી. ૨૦૧૨માં પહેલીવાર બે સીટિંગ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને સાબિર કાબલીવાલા વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં ભાજપની જીત થઇ હતી. હાલમાં જમાલપુર બેઠક ઉપર કોંગ્રેસ તરફથી ટિકિટમાં મોખરે પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાનું નામ છે. જ્યારે ભાજપ તરફથી ભૂષણ ભટ્ટની સાથે લઘુમતી ઉમેદવાર ઉસ્માન ઘાંચીનું નામ ચર્ચામાં છે. ભાજપ ભૂષણ ભટ્ટને મેદાનમાં ઉતારશે. આ બેઠક ઉપર કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તેના આધારે હારજીતનો ફેંસલો થશે. આ બેઠક ઉપર ૧,૯૭,૭૫૫ મતદારો છે. જેમાંથી ૧,૦૨,૦૦૦ જેટલા મુસ્લિમ મતો છે. જેમાં ૪૬,૦૦૦ છીપા કોમ્યુનિટિના મત નિર્ણાયક છે. જ્યારે ૯૫ હજાર જેટલા હિંદુ મતો છે. હિંદુ મતોમાં ૪૦ હજાર દલિતોના મતો નિર્ણાયક છે.

૨૦૧૨માં સિદ્ધપુર બેઠકથી બળવંતસિંહને જીતાડવા કાબલીવાલાનો ભોગ લીધો

એવું કહેવાય છે કે, ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી વખતે સિદ્ધપુર બેઠક ઉપર બળવંતસિંહ રાજપૂતને જીતાડવા માટે જમાલપુર-ખાડિયાના સીટિંગ ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી હતી. ૨૦૧૨માં સિદ્ધપુર બેઠક ઉપર લઘુમતી મતદારોની સંખ્યા ૩૦ હજારથી વધુ હતી. એ વખતે વજીરખાન પઠાણે સિદ્ધપુરથી ટિકિટ માગી હતી. તેને ટિકિટ ન મળે તો અપક્ષ ઉમેદવારી કરશે તેવી ફાળ કોંગ્રેસના નેતાઓને પડી હતી. જેથી પ્રથમ હરોળના કોંગ્રેસના નેતાઓએ બળવંતસિહને સાચવવા માટે જમાલપુરના સીટિંગ ધારાસભ્ય સાબીર કાબલીવાલાને અન્યાય કરી તેની ટિકિટ કાપી હતી. જમાલપુર બેઠકથી વજીરખાનના પુત્ર સમીરખાન પઠાણને ટિકિટ આપી હતી. કોંગ્રેસના નેતાઓ બળવંતસિંહને સાચવવા જતાં કોંગ્રેસનો ગઢ જમાલપુર ગુમાવવો પડયો હતો. આ પાંચ વર્ષમાં જેને જીતાડવા સીટિંગ ધારાસભ્યની ટિકિટ કાપી તે આજે ભાજપનો ખેસ પહેરી ચૂક્યા છે. એહમદભાઇ પટેલ સામે રાજ્યસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.