Jamnagar Lodhika Near Kothapipaliya village Tragic story
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગામજનોની દર્દનાક દાસ્તાન: ”તૂટેલું ઘર, પલળેલું અનાજ, ચોમેર પાણી” નેતા કે અધિકારીઓ ડોકાયા નથી!

ગામજનોની દર્દનાક દાસ્તાન: ”તૂટેલું ઘર, પલળેલું અનાજ, ચોમેર પાણી” નેતા કે અધિકારીઓ ડોકાયા નથી!

 | 11:54 am IST
  • Share

  • સૌરાષ્ટ્રના અનેક ગામોમાં વરસાદે વેરેલા વિનાશથી વેદનાના ઘોડાપૂર
  • લોધિકા પાસેના કોઠાપીપળિયા ગામની દર્દનાક દાસ્તાન

‘અમારૂ બધું તણાઈ ગયું, પાક ધોવાઈ ગયો, ઘરમાં રહેલી ઘરવખરી પાણીમાં વહી ગઈ-અમે ગઈકાલથી કાંઈ જ ખાધું નથી- રાજકોટ નજીકના કોઠા પીપિળયામાં ઝંઝાવાતી વરસાદે તબાહી મચાવી દેતા ગ્રામજનોએ અશ્રુસભર નયને કહ્યું કે મત માંગવા હાથ જોડનારા રાજકારણીઓ અત્યારે ક્યા’યે દેખાતા નથી.

લોધિકા પંથકમાં ધોધમાર 20 ઇંચ વરસાદથી આસપાસના ગામડામાં લોકોએ મહામુસીબતે જીવ બચાવ્યા હતા. આજે વરસાદ ઓસર્યો પરંતુ તેમનું બધું જ તણાઈ ગયું છે. ‘સંદેશ ન્યૂઝ’ની ટીમે આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેતા અહીં દર્દનાક દૃશ્યો જોવા મળ્યા.

મોટાભાગના વિસ્તારોમાં ગ્રામજનોએ સવારથી અન્નનો દાણો મોઢામાં નાખ્યો ન હતો. તેમના મકાનોમાં રહેલું અનાજ અને ખેતરોમાં ઉભેલો પાક ધોવાઈ ગયો છે. ગણતરીની કલાકોમાં બધું જ બર્બાદ થઈ ગયું છે. એક ગ્રામજન કહે છે કે અમારે ચૂલો પ્રગટાવવા જેવું કાંઈ બચ્યું નથી. ”અમને કોઈ મદદ નહીં કરે તો અમે કેમ ઊભા થઈશું” બાળકોના ઉદાસ ચહેરા સામે જોતા અહીંના મહિલાઓની આંખમાં આંસૂ ધસી આવે છે.

આ સ્થિતિ સૌરાષ્ટ્રના અનેક ગામોની છે જે ભૌગોલિક રીતે તો વિખૂટા પડી ગયા છે પરંતુ નેતાઓએ સંવેદનાનો નાતો પણ તેનાથી તોડી નાખ્યો હોય તેવું લાગે છે. રાજકોટના વાજડીવડ ગામે પણ પૂરગ્રસ્ત લોકોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી, જામનગરના ખીમરાણામાં ખેડૂતો કહે છે કે પાણી એટલા ધસમસતા હતા કે તેણે અમારા પાકનો નાશ કરી નાખ્યો છે. ખીમરાણાના લોકો કહે છે કે સરકાર છે એવું કશું જ અમને લાગતું નથી- અમે નિરાધાર છીએ. ખીમરાણામાં નદીના પૂર મકાનોમાં ઘૂસી ગયા બાદ અત્યારે વેરણ-છેરણ કાટમાળમાં કાંટા, જાળ-ઝાંખરા દેખાય છે.

ઘેડ પંથકના ગામડાં પણ પાણીમાં ગરકાવ છે. માણાવદર તાલુકાના સરાડિયા ગામમાં ૨૦ કલાકથી જળબંબાકારની સ્થિતિ છે. ગ્રામજનો દોરડા બાંધી આશરો લઈ રહ્યા છે. માળિયા હાટીનાનું આછીન્દ્રા ગામ પણ ટાપૂમાં ફેરવાઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન