જાનેડાના ગ્રામજનોએ વિકાસ શબ્દ સાંભળ્યો પણ જોયો નથી - Sandesh
  • Home
  • Gujarat
  • જાનેડાના ગ્રામજનોએ વિકાસ શબ્દ સાંભળ્યો પણ જોયો નથી

જાનેડાના ગ્રામજનોએ વિકાસ શબ્દ સાંભળ્યો પણ જોયો નથી

 | 3:43 am IST

મોડાસા, તા.૦૧

ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેવા દાવા થઈ રહ્યા છે પરંતુ અનેક અંતરીયાળ ગામડાઓની હાલત બદતર છે. હજુ પણ વિકાસથી વંચિત લોકો ૧૮મી સદીમાં જીવી રહ્યા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. મોડાસા તાલુકામાં આવેલ જાનેડા ગામ આવા કમનસીબ ગામોમાંથી એક છે. આ ગામમાં રસ્તો જ નથી જેના કારણે હજુ સુધી જાનેડામાં કોઈ ચાર પૈડા વાળુ સાધન ગયું જ નથી. નવાઈની વાત તો એ છે કે રસ્તાના અભાવે આ ગામને ૧૦૮ની સેવા પણ મળતી નથી. અન્ય પાયાની સુવિધાઓથી પણ આ ગામ વંચિત રહ્યું છે. મોડાસા તાલુકામાં આવેલું જાનેડા ગામ વિકાસથી સંપૂર્ણપણે વંચિત છે. ગામમાં પીવાના પાણીની અન્ય સુવિધાઓનો તો અભાવ છે જ પરંતુ આ ગામને જોડતો રસ્તો પણ આઝાદી પછી બન્યો નથી. કરોડો રૂપિયાના બજેટમાં આ ગામને રસ્તો આપવાનું તંત્રને હજુ સુધી સૂઝ્યુ જ નથી. જેના કારણે જાનેડામાં હજુ સુધી ચાર પૈડા વાળુ વાહન જઈ શક્યું નથી. લોકોને સારવાર આપવા દોડી પહોંચતી ૧૦૮ વાન પણ હજુ સુધી આ ગામમાં જઈ શકી નથી. આ ગામને અને વિકાસને જાણે કોઈ નિસબત જ ન હોય તેમ શાળા જર્જરીત છે, આંગણવાડીનું મકાન નથી, શાળામાં બાળકોને પીવાનું પાણી મળતુ નથી, ચોમાસા દરમિયાન તો આખું ગામ તાલુકાથી સંપૂર્ણ પણે સંપર્ક વિહોણું બની જાય છે.

આ અંગે ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ગામને એક માત્ર પાકો રસ્તો મળે તે માટે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે પરંતુ તંત્રને બદતર જીવન જીવતા લોકો માટે સુવિધા ઉભી કરવાનું સૂઝતુ જ નથી. ગામમાં પણ જો કોઈ બિમાર પડે તો ખાટલામાં નાખીને ગામથી બે કિમી દુર લઈ જવાની ફરજ પડે છે ત્યાર બાદ વાહનની સગવડ મળે છે. રાજ્ય આખું ગતિશિલ છે પરંતુ અમારુ ગામ તો હજુ પણ ૧૮મી સદીમાં જીવી રહ્યું છે.

દુધ લેવા છાત્રોને ૧ કી.મી.જવું પડે છે

રાજ્ય સરકારે પ્રાથમિક શાળાના બાળકો માટે દુધ સંજીવની યોજના શરૂ કરી છે. આ ગામની પ્રાથમિક શાળાના બાળકોને પણ આ યોજના હેઠળ દુધ મળે છે પરંતુ વાહન ગામમાં આવતું નથી. જેના કારણે વિદ્યાર્થીઓને એક કીમી દુર દુધ લેવા માટે જવાની ફરજ પડે છે.