Japan's 100th Prime Minister and election announcement
  • Home
  • Columnist
  • એકસ્ટ્રા કોમેન્ટ: જાપાનના 100મા વડા પ્રધાન અને ચૂંટણીની જાહેરાત

એકસ્ટ્રા કોમેન્ટ: જાપાનના 100મા વડા પ્રધાન અને ચૂંટણીની જાહેરાત

 | 6:30 am IST
  • Share

  • ફૂમિયો જાપાનના 100મા વડા પ્રધાન બન્યા
  • દુનિયાના કોઇ દેશે આટલા વડાપ્રધાન જોયા નથી
  • જાપાનનું રાજકારણ ગજબનું 

ભારતના મિત્રદેશ જાપાનમાં ગયા અઠવાડિયે જબરી રાજકીય ઉથલપાથલ થઇ ગઇ. હજુ એક વર્ષ પહેલાં જ વડાપ્રધાનપદ સંભાળનારા યોશિહિદે સુગાએ રાજીનામું આપી દીધું અને નવા વડાપ્રધાન તરીકે ફૂમિયો કિશીદાની વરણી કરવામાં આવી. ફૂમિયોએ વડાપ્રધાન બનતાની સાથે જ દેશમાં ચૂંટણીની જાહેરાત કરી દીધી. આગામી તારીખ 31મી ઓક્ટોબરે જાપાનમાં મતદાન થવાનું છે. જાપાને વડાપ્રધાનની બાબતમાં હમણાં એક નવો રેકોર્ડ અંકે કર્યો છે. ફૂમિયો જાપાનના 100મા વડાપ્રધાન બન્યા છે. દુનિયાના કોઇ દેશે અત્યાર સુધીમાં સો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ જોયા નથી. દુનિયાની સૌથી જૂની લોકશાહી અમેરિકા છે. 21મી જૂન, 1788માં અમેરિકામાં લોકશાહીનું સ્થાપન થયું. 233 વર્ષની લોકશાહી દરમિયાન અમેરિકામાં 64 પ્રેસિડેન્ટ થયા છે. બાઇડેન 64મા પ્રેસિડેન્ટ છે. ભારતની આઝાદીને 74 વર્ષ થયાં છે. નરેન્દ્ર મોદી દેશના 14મા વડાપ્રધાન છે. જાપાનમાં તો છેલ્લાં 28 વર્ષમાં જ 15 વડાપ્રધાન બદલાયા છે. નવા વડાપ્રધાન ફૂમિયોની પાર્ટી નહીં જીતે તો હવે પછીના વીસ દિવસ બાદ જ જાપાનને 101મા વડાપ્રધાન મળશે. જાપાનમાં આવું બધું થાય છે એનું કારણ ત્યાંની પોલિટિકલ સિસ્ટમ પણ છે. અલબત્ત, તેની વાત કરતા પહેલાં યોશિહિદે સુગાએ શા માટે રાજીનામું આપવું પડયું તેની થોડી વાત કરી લઇએ.

ગયા વર્ષે ઓગસ્ટ 2020માં જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્જો આબેએ તબિયત નરમગરમ રહેતી હોવાના કારણે રાજીનામું આપ્યું હતું. એ પછી યોશિહિદે સુગા વડાપ્રધાન બન્યા હતા. સુગા વડાપ્રધાન બન્યા ત્યારે તેની સામે સૌથી મોટા બે પડકાર હતા. એક તો કોરોનાનો સામનો અને બીજું 2020માં સ્થગિત રહેલા ઓલિમ્પિકને યોજવાની ચેલેન્જ. છેક સુધીની અવઢવ બાદ જાપાનમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજવામાં આવ્યો. જોકે, જાપાનના ઓલિમ્પિકમાં જોઇએ એવી મજા નહોતી. અમુક ગેઇમ સિવાય પ્રેક્ષકો તો હતા જ નહીં. ખેલાડીઓ પણ એન્જોય કરી શક્યા નહોતા. મેડલ મેળવનાર ખેલાડીએ પણ પોતાના હાથે જ મેડલ પહેરવો પડયો હતો. સામાન્ય સંજોગોમાં જે દેશ અને જે શહેરમાં ઓલિમ્પિક યોજાવાનો હોય ત્યાંના લોકો ખૂબ જ ઉત્સાહમાં હોય છે. ટોકિયોમાં આ વખતે ઊંધું જોવા મળ્યું હતું. કોરોના ફેલાય નહીં એ માટે અમુક વિસ્તારમાં લોકોને બહાર નીકળવાનું જ મર્યાદિત કરી દેવાયું હતું. સરકારે ઓલિમ્પિક યોજવાનો નિર્ણય કર્યો એનો લોકોએ જબરજસ્ત વિરોધ કર્યો હતો. લોકોએ રેલી યોજીને સરકાર સામે દેખાવો કર્યા હતા. આખી દુનિયામાંથી ખેલાડીઓ અને તેની સાથેના લોકો જાપાન આવશે એના કારણે કોરોનાનો ખતરો વધશે. સરકાર આ રીતે અમારા જીવ જોખમમાં મૂકી શકે નહીં. સરકારે કોઇની વાત ન સાંભળી અને ઓલિમ્પિક યોજી જ નાખ્યો. સરકારને પણ આખરે એ વાતનું ટેન્શન હતું કે, દુનિયાના સૌથી મોટા રમતોત્સવને આખરે ક્યાં સુધી લટકતો રાખવો. છુટકારો મેળવવા માટે જે થવું હોય એ થાય એવું વિચારીને ઓલિમ્પિક યોજ્યો. જે ડર હતો એ સાચો પણ પડયો. ઓલિમ્પિક દરમિયાન જ જાપાનમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત કોરોનાનો સામનો કરવામાં પણ યોશિહિદે સુગાની સરકાર જોઇએ એટલી કાર્યક્ષમ રહી નહોતી. આ બધાના કારણે યોશિહિદેની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો. વડાપ્રધાન સુગાએ તો ગઇ તારીખ 3 ઓગસ્ટના રોજ જ વડાપ્રધાનપદ છોડવાની જાહેરાત કરી દીધી હતી. જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા એ પછી અમેરિકાની મુલાકાતે ગયા હતા. તેમણે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ક્વાડની બેઠકમાં તેઓ બાઇડન, મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે જોડાયા હતા.

જાપાનમાં અત્યાર સુધીમાં સો વડાપ્રધાન થયા છે પણ આ દેશમાં હજુ સુધી કોઇ મહિલા વડાપ્રધાન બની શકી નથી. આ વખતે બે મહિલા સેકો નોડા અને સોન તાકાઇચિ વડાપ્રધાનપદ માટે દાવેદાર હતા પણ તેમનો મેળ પડયો નહોતો. વડાપ્રધાનપદ માટે મુખ્ય હરીફાઈ એલડીપી એટલે કે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના જ બે ઉમેદવાર ટોરો કોના અને ફૂમિયો કિશીદા વચ્ચે હતી. તેમાં ફૂમિયોએ બાજી મારી હતી. જાપાનમાં હવે બધાની નજર તારીખ 31મીએ થનારી ચૂંટણી પર છે. જાપાનમાં બે સદન છે. ઉપલા સદનને હાઉસ ઓફ કાઉન્સિલર્સ કહે છે. નીચલું સદન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ તરીકે ઓળખાય છે. જાપાનમાં દર ચાર વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. જાપાનમાં કુલ 465 બેઠકો છે અને દેશના લોકો સીધું મતદાન કરે છે. હાઉસ ઓફ કાઉન્સિલર્સની બેઠકો 245 છે. કાઉન્સિલર્સની મુદત છ વર્ષની હોય છે. તેમની પસંદગી સીધા મતદાનથી થતી નથી. દેશસંબંધી નિર્ણયો લેવાની સાચી સત્તા નીચલા સદન એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ પાસે જ હોય છે. જાપાનમાં ઘણી રાજકીય પાર્ટીઓ છે પણ મુખ્ય સ્પર્ધા તો બે જ પાર્ટીઓ વચ્ચે હોય છે. તેમાંયે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીનો તો જાપાનમાં જબરજસ્ત દબદબો રહ્યો છે.

જાપાનની સંસદને ડાઇટ કહેવામાં આવે છે. ડાઇટની સ્થાપના 1885માં થઇ હતી. જાપાનમાં હજુ રાજાશાહી જીવંત છે અને દેશના વડા તરીકેનું સન્માન તો સમ્રાટને જ મળે છે. જોકે સત્તા તો ડાઇટ પાસે જ હોય છે. 1955થી માંડીને આજ દિવસના જાપાનના રાજકારણ ઉપર નજર કરીએ તો ઘણી રસપ્રદ બાબતો સામે આવે છે. 1955ના અરસામાં જાપાનની બે કન્ઝર્વેટિવ પાર્ટીઓએ ભેગા મળી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી હતી. આ પાર્ટીને અલ્ટ્રા નેશનાલિસ્ટ પાર્ટી માનવામાં આવે છે. આ પાર્ટી પહેલેથી જ જાપાનના સમ્રાટ અને રાજપરિવાર પ્રત્યે નિષ્ઠા જાહેર કરતી આવી છે. પાર્ટીની રચના થઇ એ પછી બે વખત જ એવું બન્યું છે કે, એ પાર્ટી સત્તા પર ન હોય. એક વખત એક વર્ષ માટે અને બીજી વખત ત્રણ વર્ષ માટે આ પાર્ટીએ સત્તાથી દૂર રહેવું પડયું હતું. એલડીપી પાર્ટીના નેતાની દર વર્ષે ચૂંટણી થાય છે. પાર્ટીનો જે અધ્યક્ષ બને એ જ વડાપ્રધાન બને છે, એના કારણે જાપાનમાં વડાપ્રધાન બદલાતા રહે છે. શિન્જો આબે બે વખત જાપાનના વડાપ્રધાન બન્યા હતા. તેમનું કામ અને નામ બહુ મોટું હતું એટલે તે બે ટર્મ સુધી વડાપ્રધાનપદે રહ્યા હતા. જોકે હેલ્થ ગ્રાઉન્ડ પર તેમણે પદ છોડયું હતું. એશિયામાં સૌથી મોટી ત્રણ તાકાત છે. ચીન, ભારત અને જાપાન. એમાં આપણે અને જાપાન સાથે છીએ. ચીન સાથે બંનેને બનતું નથી. આપણા દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી માંડીને જાપાનના જે પ્રોજેક્ટ્સ ચાલે છે એનું લાંબું લિસ્ટ છે. દરેક સારા-નરસા પ્રસંગોએ બંને દેશો એકબીજાની પડખે ઊભા રહે છે. જાપાનના રાજકારણમાં ભલે ગમે તે થાય, ભારત જાપાન વચ્ચેના સંબંધો હંમેશાં એવા ને એવા જ રહે છે.         

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો