Japanese emperors voluntarily left the cushion
  • Home
  • Columnist
  • જાપાનના પ્રજાવત્સલ સમ્રાટ અકિહિતોએ સ્વેચ્છાએ ગાદી છોડી

જાપાનના પ્રજાવત્સલ સમ્રાટ અકિહિતોએ સ્વેચ્છાએ ગાદી છોડી

 | 10:30 pm IST

બ્રિટન વિશ્વની અદ્યતન લોકશાહીનો જૂનામાં જૂનો દેશ છે પરંતુ ત્યાં રાષ્ટ્રનાં વડા મહારાણી -ક્વીન એલિઝાબેથ છે. આવી જ પ્રતિકાત્મક પરંતુ ગૌરવશાળી રાજાશાહી જાપાનમાં છે.

જાપાનના નવા સમ્રાટ તરીકે નારુહિતોએ થોડા દિવસ પહેલાં પદભાર સંભાળ્યો. સમ્રાટ નારુહિતો જાપાનના ૧૨૬મા સમ્રાટ બન્યા. કહેવાય છે કે સમ્રાટ નારુહિતો જાપાનના પ્રથમ આધુનિક સમ્રાટ છે.

બીજા વિશ્વયુદ્ધ બાદ જન્મેલા નારુહિતોએ જાપાનની બહાર જઈ વિદેશમાં શિક્ષણ લીધેલું છે. નારુહિતો અને તેમનાં પત્ની સામ્રાજ્ઞી મસાકો ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલાં છે. જાપાનમાં મહિલાઓને રાજગાદી નથી મળતી તેથી સમ્રાટ નારુહિતોની પુત્રી રાજકુમારી અઈકો કે જે હાલ ૧૭ વર્ષની વયની છે તે જાપાનની આગલી શાસક નહીં હોય. સમ્રાટ નારુહિતો બાદ સત્તાની બાગડોર તેમના ભત્રીજાને સોંપવામાં આવશે.

તાજેતરમાં ટોકિયોના ઈમ્પીરિયલ પેલેસમાં યોજાયેલા રાજ્યાભિષેક દરમિયાન સમ્રાટ નારુહિતોને શાહી તલવાર, શાહી આભૂષણ, રાજ્યની મ્હોર સોંપવામાં આવ્યાં. નોંધપાત્ર વાત એ છે કે જાપાનની શાહી પરંપરા અનુસાર આ રાજતિલક સમારોહમાં રાજવી પરિવારનાં એક પણ મહિલા મોજુદ નહોતાં. સમ્રાટ નારુહિતોનાં પત્ની મસાકોને પણ એમાં હાજર રહેવાની પરવાનગી નહોતી.

જાપાનના નવા સમ્રાટ નારુહિતો ૫૯ વર્ષના છે. જાપાનમાં લોકશાહી છે, ચૂંટાયેલા વડાપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો પણ છે પરંતુ રાષ્ટ્રના વડા જાપાનના સમ્રાટ કહેવાય છે. આ એક પ્રતિકાત્મક પરંપરા છે.

એ વાત સાચી કે જાપાનના રાજા પાસે કોઈ રાજનૈતિક સત્તા હોતી નથી પરંતુ દેશના પ્રતિકાત્મક વડા તરીકેનું ગૌરવ તેમને પ્રાપ્ત છે.

જાપાનની રાજવી પરંપરા વિષે જાણવા જેવી વાત એ છે કે નવા સમ્રાટની નિમણૂક ત્યારે જ થાય છે જ્યારે આગલા સમ્રાટનું નિધન થાય પરંતુ જાપાનના રાજવી પરિવારના ૨૦૦ વર્ષ બાદ પહેલી જ વાર એવું બન્યું કે જાપાનના સમ્રાટ અકિહિતોએ તેમની હયાતિ દરમિયાન જ સમ્રાટનું પદ છોડી દીધું. અને તેમના પુત્ર યુવરાજ નારુહિતોને રાજગાદી પર બેસાડવામાં આવ્યા. સમ્રાટ અકિહિતોએ તેમની વધતી ઉંમર અને સ્વાસ્થ્યના કારણે સ્વેચ્છાએ સમ્રાટ પદનો ત્યાગ કર્યો. રાજાઓની સેવા નિવૃત્તી અંગે ત્યાં નિયમ ના હોવાથી જાપાનની સાંસદે એક ખાસ કાનૂન બનાવીને સમ્રાટ અકિહિતોને રાજગાદી છોડવાની અનુમતિ આપી.

સમ્રાટ અકિહિતોનું રાજવી ખાનદાન વિશ્વનું એક એવું રોયલ પરિવાર છે કે જે છેલ્લા ૨૬૦૦ વર્ષથી જાપાન પર શાસન કરતું આવ્યું છે. જાપાનની પ્રજા જાપાનના સમ્રાટને ભગવાન માને છે પરંતુ નોંધપાત્ર વાત એ છે કે સમ્રાટ અકિહિતોના પિતા સમ્રાટ હિરોહિતોએ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર બાદ જાહેરમાં સ્વિકાર્યું હતું કે તેમનામાં કોઈ દૈવી શક્તિ નથી, પણ તેઓ બીજાઓની જેમ એક સામાન્ય વ્યક્તિ જ છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હીરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકી જાપાનને તબાહ કરી નાંખ્યું હતું. તે પછી જાપાને આત્મસમર્પણ કરી લેતાં સમ્રાટપદના ગૌરવને ભારે આઘાત લાગ્યો હતો. અલબત્ત, ૧૯૮૯માં સમ્રાટ હિરોહિતોના પુત્ર અકિહિતો જાપાનના સમ્રાટ બન્યા અને તેમણે જાપાનની શાનો-શૌકતને પુનઃ-પ્રસ્થાપિત કરી. સમ્રાટ હોવા છતાં અકિહિતોએ રાજવી પરંપરાઓ તોડીને સામાન્ય જનતાને મળવાનું શરૂ કર્યું. સમ્રાટ અકિહિતો ટેલીવિઝન પર લાઈવ-ચર્ચામાં પણ પોતાના વિષયો પર વાત કરતા હતા.

એ જાણવું જરૂરી છે કે જાપાનનો ઈતિહાસ યુદ્ધોથી ભરેલો છે. ઘણા સમય અગાઉ જાપાની સૈનિકોએ પહેલાં નાનઝિંગ અને તે પછી ચીન પર હૂમલો કરી દીધો હતો. જાપાનના સૈનિકોએ એક જ સપ્તાહમાં ત્રણ લાખ ચીની સૈનિકો અને નાગરિકોને મારી નાંખ્યા હતા. આ મોટા નરસંહારના કારણે વિશ્વભરમાં જાપાન સામે રોષ ભભૂકી ઉઠયો હતો. તે પછી ૧૯૪૦માં જાપાન ફરી બીજા વિશ્વયુદ્ધમાં સામેલ થઈ ગયું. આ યુદ્ધમાં તે ઈટાલી અને જર્મનીની સાથે રહ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સૈનિકોએ બે લાખ કોરિયાઈ સ્ત્રીઓને સેક્સ માટે સાથીદાર બનવા મજબૂર કરી દીધી. ૧૯૪૫માં અમેરિકાએ જાપાન પર પરમાણુ બોમ્બ ફેંક્યો. અને આખું વિશ્વ બદલાઈ ગયું. આખી દુનિયાએ હિરોશિમા અને નાગાસાકીનો મહાવિનાશ નિહાળ્યો. જાપાને આત્મસમર્પણ કર્યું. આ યુદ્ધ બાદ અમેરિકાએ જાપાન પર કબજો કરી લીધો. નવું બંધારણ બનાવવા ફરજ પાડી જેમાં જાપાનના રાજવી પરિવારને રાજનીતિમાં સામેલ થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો.

સમય બદલાયો.

૧૯૮૯માં અકિહિતોને ફરી જાપાનના સમ્રાટ બનાવવામાં આવ્યા. સમ્રાટ અકિહિતો માનવીય સંવેદનાના માનવી હતા. જાપાનના સૈનિકોએ કરેલી ભૂલોથી જે જે દેશોના લોકોના ઘા તાજા હતા તેમની પર મલમ લગાવવાનો તેમણે સાચુકલો પ્રયાસ શરૂ કર્યો. સમ્રાટ અકિહિતોને સમયને ‘હેસી’ યુગ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે ‘શાંતિ પ્રાપ્ત કરવી.’

જાપાનના સૈનિકોએ ભૂતકાળમાં જે કોરિયાની સ્ત્રીઓને સેક્સના સાથી બનવા મજબૂર કરી હતી તે દેશ-દક્ષિણ કોરિયાના પ્રેસીડેન્ટ તાએને ભોજન માટે નિમંત્રીત કર્યા અને કોરિયા પર જાપાનના આક્રમણની જવાબદારી સ્વિકારી ખેદ વ્યક્ત કર્યો. જાપાનના સૈનિકોએ ચીનના ત્રણ લાખ નાગરિકોને મારી નાંખ્યા હતા. તે દેશ ચીનની પણ સમ્રાટ અકિહિતોએ યાત્રા કરી અને યુદ્ધકાળમાં ઘટેલી ઘટનાઓ અંગે અફસોસ વ્યક્ત કર્યો. તેઓ એ તમામ સ્થળો પર ગયા જ્યાં જ્યાં જાપાનના સૈનિકોએ ચીનના નિર્દોષ નાગરિકોને ભયાનક ત્રાસ આપ્યો હતો. સમ્રાટ અકિહિતોના આ અભિગમના કારણે માત્ર જાપાનમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં તેમનું માન-સન્માન વધ્યું.

આવા પ્રજાવત્સલ રાજા અકિહિતો હવે નિવૃત્ત થયા છે અને જાપાનના નવા સમ્રાટ તરીકે તેમના પુત્ર નારુહિતોએ રાજગાદી સંભાળી છે.

નવા સમ્રાટ નારુહિતોએ તેમના પ્રથમ જ પ્રવચનમાં વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરતાં જાપાનની પ્રજાને એવો ભરોસો બક્ષ્યો છે કે તેઓ હંમેશા સામાન્ય લોકોની લાગણીઓની સાથે ઊભા રહેશે. તેઓ શપથ લેતાં બોલ્યા હતાં. ‘હું બંધારણ મુજબ કામ કરીશ…મારા વિચાર સદૈવ મારા લોકો માટે હશે અને હું તેમની સાથે ઊભા રહીશ. મારાં કામોમાં મારા પિતા અકિહિતોની ઝલક દેખાશે.’

સમ્રાટ અકિહિતોને વિશ્વના પ્રાચીનતમ સામ્રાજયને જનતાની સમીપ લઈ જવાવાળા માનવામાં આવે છે.

જાપાનની રાજાશાહીના આ નવા ‘રેઈવા’ અર્થાત્ ‘સુંદર સૌહાર્દ’ના યુગનો આરંભ માનવામાં આવે છે.

મહેલમાંથી નીકળીને લોકો પાસે જનાર સમ્રાટ

અગાઉના સમ્રાટો જનતાને મળતા નહોતા. સમ્રાટ અકિહિતો તેમનાં પત્ની મહારાણી મિચિકોની સાથે લોકોની વચ્ચે જવા લાગ્યા હતા. તેઓ ખાસ કરીને વિકલાંગો અને દિવ્યાંગોને પણ મળવા લાગ્યા. જાપાન પર જ્યારે જ્યારે કુદરતી આફતો આવી ત્યારે તેઓ પીડિતોની વચ્ચે જઈ મદદ કરવા લાગ્યા હતા. તેઓ સાચા અર્થમાં જનતાના રાજા અથવા તો પ્રજાવત્સલ રાજવી બનીને રહ્યા. તેમણે પરંપરા તોડીને એક સામાન્ય મહિલા સાથે લગ્ન કર્યા હતાં.

  • devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન