Jasmine flower Plantation Benefit
  • Home
  • Agro Sandesh
  • વર્ષો વર્ષ વધારે ઉતાર આપતો પાક એટલે ચમેલી, આ ફૂલના વાવેતરથી શું ફાયદો? જાણો અહીં ક્લિક કરી

વર્ષો વર્ષ વધારે ઉતાર આપતો પાક એટલે ચમેલી, આ ફૂલના વાવેતરથી શું ફાયદો? જાણો અહીં ક્લિક કરી

 | 7:00 am IST

ચમેલીને જૂઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફ્રાન્સ, ઈટાલી અને મોરોક્કો વગેરે દેશોમાં વ્યાપારીક ધોરણે ખેતી થાય છે. દક્ષિણ ભારતમાં તામિલનાડુ રાજ્યના કોઈમ્બતૂરમાં ચમેલીનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે. ચમેલીનું અત્તર જે ફૂલ જેટલું જ લોકપ્રિય છે. તેના અત્તરને જસ્માઈન અર્ક તરીકે ઓળખાય છે.

ચમેલી માટે જમીનની તૈયારી

રોપણી માટે ૨.૦ મીટર/૧.૫ મીટરનાં અંતરે ૪૫ સે.મી./૪૫ સે.મી./૪૫ સે.મી. માપનાં ખાડા બનાવવા. ખાડામાંના જીવજંતુનાં નાશ માટે અડધો ખાડો ભરાય તેટલા સૂકા પાન અને ડાળીઓ વગેરે નાખી બાળી નાખો. એક દિવસ પછી ખાડાનો મથાળા સુધીનો ભાગ સારી માટીથી ભરો. ઉપરનાં અડધા ખાડામાં ખાડાદીઠ ૨૦ કિ.ગ્રા. સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખો. ખાડાની જમીનને બેસાડવા હળવું પાણી આપો.

જાતો

સફેદ ફૂલવાળી અને ગુલાબી ફૂલવાળી એમ બે જાતો જોવા મળે છે. ગુલાબી ફૂલવાળી જાત આવશ્યક તેલ માટે ઘણી ઉત્તમ છે.

વર્ધન

ચમેલીનું વર્ધન કટકા કલમથી કરવામાં આવે છે. એક વર્ષ જૂના સારા ખોરાકવાળા પુખ્ત મૂળનાં કટકાઓ પસંદ કરી તેની નીચેનો ભાગ જીભ જેવો બનાવી જમીનમાં દબાવી કલમો તૈયાર કરવામાં આવે છે. કલમો તૈયાર થયે મૂળને નુકસાન ન થાય તેમ છાયામાં ભીના કંતાનમાં રાખવામાં આવે છે.

રોપણી

જૂનથી ડિસેમ્બર માસ દરમિયાન સાંજના ૪ વાગ્યા પછીનો સમય રોપણી માટે અનુકૂળ ગણાય છે. છોડને ખાડાની મધ્યમાં રોપ્યા પછી હળવું પાણી આપવું.

પિયત

રોપણી પહેલાં ૩ દિવસ અગાઉ પિયત આપવું. રોપને રોપ્યા પછી પહેલું પાણી તુરત જ આપવું. ત્યારબાદ ૪ દિવસે એક વખત પાણી આપવું. ડિસેમ્બર માસથી ફૂલો આવવાની શરૂઆત થાય ત્યારથી છાંટણી અને ખાતર આપવાનાં સમય સુધી પાણી આપવાનું સંપૂર્ણ બંધ કરવું.

છાંટણી

વધુ ઉત્પાદન મેળવવા અને ડાળીઓને યોગ્ય માપમાં રાખવા માટે છાંટણી આવશ્યક છે. રોપણી બાદ પહેલી છાંટણી પછી દર વર્ષે એક જ વાર છાંટણી કરવામાં આવે છે. ડાળીઓની છાંટણી ડિસેમ્બર માસમાં કરવી. છાંટણી અગાઉ ૧૫ દિવસ પહેલાં પિયત બંધ કરવું. છોડના મૂળની લંબાઈની અડધી લંબાઈ સુધીની ડાળીઓની છાંટણી ડિસેમ્બર માસમાં કરવી. છાંટણી અગાઉ ૧૫ દિવસ પહેલાં પિયત બંધ કરવું. છોડના મૂળની લંબાઈની અડધી લંબાઈ સુધીની ડાળીઓની છાંટણી કરવી. છાંટણી બાદ ડાળી પરનાં પાન દૂર કરવા, મરેલી ડાળીઓ કાઢી નાખવી. ફૂગ તેમજ ભમરીનાં ઉપદ્રવથી બચવા ડાળીઓના કાપેલા ભાગ પર ૫ ટકા બી.એચ.સી. ભેળવેલી બોર્ડો પેસ્ટ લગાવવી.

ખાતર

દર વર્ષે કુલ ૬ વખત ખાતર આપવામાં આવે છે. પહેલું ખાતર છાંટણી વખતે જાન્યુઆરી માસમાં અને ત્યારબાદ માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર માસમાં ખાતર આપવામાં આવે છે. જમીનમાં ખાતર બરાબર ભેળવી દેવામાં આવે છે.

દર વખતે છોડ દીઠ ૫ કિ.ગ્રા. છાણિયું કે કમ્પોસ્ટ ખાતર, ૧૮૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ, ૨૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ અથવા ૭૦ ગ્રામ ડી.એ.પી. અને ૭૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું. ઉપરના જથ્થાનો ૧/૪ ભાગ રોપણી બાદ ૬ મહિને અને ૧/૩ ભાગ ઉપર જણાવેલ મહિનાઓમાં રોપ્યા પછી ૨ વર્ષે, ત્યારબાદ આગળના વર્ષોમાં પૂરેપૂરો પાછળનો જથ્થો આપવો જરૂરી બને.

મિશ્ર પાક

પહેલા વર્ષે જ્યારે છોડ નાના હોય ત્યારે શાકભાજીના પાક મિશ્ર પાક તરીકે લેવામાં આવે છે.

સુગંધિત કળીઓ

સુવિકસિત કળીઓ પરંતુ ખુલ્યા સિવાયની સવારનાં અગિયાર વાગ્યા પહેલાં કળી બજારમાં મોકલવામાં આવે છે. કળીની ઋતુમાં એક એકર વિસ્તાર માટે ૩૦થી ૪૦ મજૂરોની જરૂરિયાત રહે છે. ફૂલ ફેબ્રુઆરીમાં બેસવાનાં શરૂ થઈ જાય છે. માર્ચથી મે સુધી ઉતાર ઓછો હોય છે. કળીની ઋતુ જૂનથી ઓક્ટોબર વચ્ચેની જ છે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ઉતાર ક્રમશઃઘટતો જાય છે.

ફૂલનું ઉત્પાદન 

રોપણી બાદ ૬ માસની છોડ ઉંમરનાં થતાં ફૂલો જોવા મળે છે. ફૂલોનો ઉતાર ક્રમશઃ વધતો જાય છે. અને વધુમાં વધુ ઉતાર ત્રીજા વર્ષે મળે છે. ચાર વર્ષ પછી એકરે સરેરાશ ૪૫૦૦ કિ.ગ્રા. ફૂલોનો ઉતાર મળે છે. પહેલા વર્ષે ૫૦૦ કિ.ગ્રા. બીજા વર્ષે ૧૫૦૦ કિ.ગ્રા. અને ત્રીજા વર્ષે આશરે ૬૦૦ કિ.ગ્રા. જેટલો ઉતાર મળે છે. છોડદીઠ વાર્ષિક સરેરાશ ઉતાર ૪૫૦ ગ્રામ ફૂલો મળે છે.

ડો. આર.એસ. ચોવટિયા, પ્રાધ્યાપક અને વડા, બાગાયતશાસ્ત્ર વિભાગ, જૂ.કૃ.યુ. જૂનાગઢ

માસ                    છોડદીઠ                                        માસ                                    છોડદીઠ

                                માસિક સરેરાશ                                         માસિક સરેરાશ

                                ખાતર (ગ્રામમાં)                                         ઉતાર (ગ્રામમાં)

ફેબ્રુઆરી        ૪૦                                 જુલાઈ                  ૧૦૦૦

માર્ચ                    ૫૦                                 ઓગસ્ટ                 ૧૨૦૦

એપ્રિલ                 ૬૦                                     સપ્ટેમ્બર       ૭૫૦

મે                      ૨૦૦                                   ઓક્ટોબર      ૪૫૦

જૂન                    ૫૦૦                              નવેમ્બર        ૨૫૦

ચમેલીના અર્કનું અર્થકારણ

એક હજાર કિ.ગ્રા. ફૂલમાંથી ઓછામાં ઓછો ૩ કિલો ચમેલીનો અર્ક મળે છે. જો એકરે  ૪૦૦૦ કિ.ગ્રા. ફૂલોનો ઉતાર ગણીએ તો તેમાંથી ૧૨ કિ.ગ્રા. અર્ક મળે. અર્કનો ઓછામાં ઓછો જથ્થાબંધ ભાવ ૧ કિ.ગ્રા.ના રૂ.૬૦૦૦/-થી રૂ.૮૦૦૦/- રૂ. ગણીએ તો એકરે ઓછામાં ઓછી રૂ.૭૨,૦૦૦/- આવક થાય. જો ૧ કિ.ગ્રા. અર્કનો કુલ ઉત્પાદન ખર્ચ વધુમાં વધુ રૂ.૪૦૦૦/-થી રૂ.૬૦૦૦/- રૂપિયા ગણીએ તો એકરે ઓછામાં ઓછો કુલ ખર્ચ રૂ.૪૮,૦૦૦/- થાય. આમ સરવાળે એકરે ચોખ્ખો નફો રૂ.૨૪૦૦૦/- (આવક રૂ.૭૨,૦૦૦- ખર્ચ રૂ.૪૮,૦૦૦/-) થાય.

  • ડો.કે.એમ.કારેથા, મદદનીશ પ્રાધ્યાપક,

શ્રી એચ.એન. પટેલ, ખેતીવાડી અધિકારી

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન