ફોર્બ્સ ઇન્ડિયાની આ સૂચીમાં શામિલ થયા આ ચાર ખેલાડીઓ, જાણો કોણ કોણ - Sandesh
  • Home
  • Sports
  • ફોર્બ્સ ઇન્ડિયાની આ સૂચીમાં શામિલ થયા આ ચાર ખેલાડીઓ, જાણો કોણ કોણ

ફોર્બ્સ ઇન્ડિયાની આ સૂચીમાં શામિલ થયા આ ચાર ખેલાડીઓ, જાણો કોણ કોણ

 | 7:58 pm IST

ફોર્બ્સ ઇન્ડિયાએ 30થી ઓછી ઉંમરના 30 અમીર ભારતીયોની લિસ્ટ જાહેર કરી છે જેમાં ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર, શૂટર હીના સિંધુ અને મહિલા હોકી ટીમની ગોલકીપર સવિતા પૂનિયાને સ્થાન મળ્યું છે. ફોર્બ્સ દ્વારા 15 કેટેગરીને ધ્યાનમાં રાખી આ લિસ્ટ બનાવી છે. આર્ટ એન્ડ કલ્ચર, ડિઝાઇન, ઇ-કોમર્સ, એન્ટરટેઇનમેન્ટ, ફેશન, મ્યૂઝીક, મનોરંજન, કલા, એન્જિનિયરિંગ, એજ્યુકેશન, મેડીકલ આ લિસ્ટની મુખ્ય કેટેગરી છે.

જસપ્રીત બુમરાહ યોર્કર બોલિંગ નાખવા માટે અને ડેથ ઓવરોનો સ્પેશિયાલિસ્ટ બની ગયો છે. 24 વર્ષીય બુમરાહે ગત વર્ષે 23 વન-ડેમાં 39 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શનને કારણે આઈસીસીની વન-ડે ટીમ ઓફ ધ યરમાં પણ સ્થાન મળ્યું હતું.

હરમનપ્રીત કૌરે ગત વર્ષે મહિલા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં 171 રનની આક્રમક ઇનિંગ રમી ભારતને ફાઇનલમાં પહોંચાડયું હતું. જોકે, ભારત ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો પરંતુ હરમનપ્રીત કૌરે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. 28 વર્ષીય હરમનપ્રીત બિગ બેશ લીગ અને સુપર લીગમાં પણ રમી ચૂકી છે. તેના શાનદાર દેખાવને કારણે બે વર્ષનો સીએટ ટાયર સાથે કરાર કર્યો છે.

28 વર્ષીય હીના સિંધુ માટે ગત વર્ષ ઘણું સારું રહ્યું હતું. સિંધુએ જીતુ રાય સાથે મળી ISSF વર્લ્ડ કપના મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંધુએ ગત વર્ષે ઓક્ટોબરમાં બ્રિસ્બેન ખાતે યોજાયેલી કોમનવેલ્થ શૂટુંગ ચેમ્પિયનશિપની 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો જ્યારે ગત ડિસેમ્બરમાં જાપાન ખાતે યોજાયેલી 10મી એશિયન ચેમમ્પિયનશિપની 10 મીટર રાયફલ/પિસ્ટલ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.

સવિતા પુનિયાએ ભારતીય મહિલા હોકી ટીમમાં તેનું કેટલું મહત્ત્વ છે તે ઘણી વખત પુરવાર કર્યું છે. તેણે ગત વર્ષે રમાયેલી એશિયા કપની ફાઇનલમાં ચીન સામે શાનદાર દેખાવ કર્યો હતો. ફાઇનલ મેચમાં ચીનના આક્રમણને રોકી ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની સાથે આ વર્ષે યોજાનાર મહિલા હોકી વર્લ્ડ કપમાં ટીમને સ્થાન અપાવ્યું હતું. સવિતાને તેના શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ગોલકીપર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ એનાયત કરાયો હતો.

ત્રણ સ્ટેજના રિસર્ચ પ્રેસેસ બાદ ફોર્બ્સ ઇન્ડિયાએ 30થી ઓછી ઉંમરવાળા આ ભારતીય અમીરોના નામને પસંદ કર્યા છે. પ્રથમ રાઉન્ડમાં ફોર્બ્સ ઇન્ડિયા ટીમ દ્વારા તમામ કેટેગરી સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરી હતી. સાથે આ લોકોના ડેટાબેઝ અને તેમની સાથે જોડાયેલી મીડિયા કવરેજની પણ સ્ટડી કરી હતી.

બીજા રાઉન્ડમાં ફોર્બ્સઇન્ડિયાડોટકોમ પર પ્રોફેશનલ્સના નામાંકન માટે આવેદન કર્યું હતું. તે પછી સોશિયલ મીડયા પર સૂચના જાહેર કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 15 કેટેગરીમાં 300 નામની લિસ્ટ તૈયાર થઈ હતી. અંતિમ રાઉન્ડમાં આ 300 નામ પૈકી 30ને પસંદ કરાયા હતા. આ લિસ્ટમાં સામેલ તમામની ઉંમર 31 ડિસેમ્બર 2017 સુધી 30 વર્ષથી ઓછી છે.