જયંત સિંહા : બહુ ડાહ્યા બહુ ખરડાયનો ક્લાસિક કિસ્સો  - Sandesh
  • Home
  • Columnist
  • જયંત સિંહા : બહુ ડાહ્યા બહુ ખરડાયનો ક્લાસિક કિસ્સો 

જયંત સિંહા : બહુ ડાહ્યા બહુ ખરડાયનો ક્લાસિક કિસ્સો 

 | 4:55 am IST

રાજકીય લેખાંજોખાં   :- વિનોદ પટેલ

ભારતમાં એક તરફ સર્વોચ્ચ અદાલત નિર્ભયા કેસમાં બળાત્કારીઓને ફાંસીની સજા આપે છે તો બીજી તરફ ભારત દેશમાં જ કેન્દ્રના રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયનપ્રધાન જયંત સિંહા દ્વારા જામીન પર છૂટેલા એવા અગિયાર જણાનું હાર પહેરાવીને સન્માન કરવામાં આવે છે, જે લોકો કાયદો હાથમાં લઈ એક નાગરિકની હત્યા કરવાનાં કામમાં સામેલ થયાં હોવાથી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. કમાલની વાત એ છે કે જયંત સિંહા એક એવા આદર્શ પુત્ર છે જેમની આજે દરેક સફળ માબાપ કામના રાખે છે. આઈઆઈટી, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણીને મેકિન્સેમાં નોકરી અને એક ભણેલાગણેલા વિદેશથી પાછા ફરેલા યુવાનનો રાજકારણમાં સીધો કેબિનેટપ્રધાન તરીકે પ્રવેશ થાય એનાથી વધારે બીજું તમારે શું જોઈએ? પરંતુ ભારતીય નાગરિકની અને તેમના પિતા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન યશવંત સિંહાની આશા ઠગારી નીવડી છે.

ભાજપની ગૌનીતિનું પાલન કરવું અને કાયદાની પ્રક્રિયામાં પસાર થઈને ગુનેગાર ઠરેલા આરોપીનું સન્માન કરવું એ બે અલગ બાબત છે. જો વાડ પોતે જ ઊભી થઈને ચીભડાં ગળવા માંડે તો પછી કોને ફરિયાદ કરવી? રામગઢમાં અલીમુદ્દીન અન્સારીની ટોળાંએ ગૌમાંસ લઈ જતો હોવાનાં બહાને હત્યા કરી. આ મામલે ૧૧ જણને જિલ્લાકોર્ટે ગુનેગાર ઠરાવીને તેમને આજીવન કેદની સજા કરી. આરોપીઓએ આ સજાને ઝારખંડની હાઇકોર્ટમાં પડકારી છે. હાઇકોર્ટે આ ૧૧ આરોપીઓને જામીન આપ્યા ત્યારે ભાજપનાં બે જૂથો વચ્ચે તેમનું સ્વાગત કરવા માટે હોડ જામી અને છેવટે જે જૂથને આ લાભ મળ્યો તે જૂથે તરત જ આ ૧૧ આરોપીઓને કેન્દ્રીય પ્રધાન જયંત સિંહાને બંગલે લઈ ગયા, જ્યાં વિદેશમાં ભણીગણીને પાછા ભારત આવેલા આ પ્રધાને પોતે તેમને હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું, હવે સ્વાભાવિક રીતે જ સવાલ એ થાય કે જ્યારે આ ૧૧ મહાનુભાવોને અદાલત ન કરે નારાયણને નિર્દોષ છોડી મૂકશે તો તેમને કઈ કક્ષાનું સન્માન મળશે?

નિર્ભયાકાંડની જેમ જ કાયદાનો ભંગ કરનારને આકરી સજા થવી ઘટે. તેમનું સન્માન કેવી રીતે થાય? જેની હત્યા કરવામાં આવેલી તે અલીમુદ્દીન અન્સારીએ જો ગુનો કર્યો હોય તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. તેને ટોળાં દ્વારા મારી નાખવામાં આવે તે ભારતીય લોકશાહીમાં કેવી રીતે ચાલે? હાલ વોટ્સએપ દ્વારા ફેલાવાતી અફવાનો શિકાર બનીને અબુધ નાગરિકો અજાણ્યાં લોકોને બાળકચોર ટોળીના સભ્ય ગણી મારી નાખે છે તેમનામાં અને આ લોકોમાં શું ફરક? ફરક તો જે હોય તે પણ સમાનતા એ છે કે બંને ટોળાં કાયદાનાં શાસનમાં માનતાં નથી.

એક ટોળું ઉન્માદનો શિકાર છે તો બીજું ટોળું ભયનો શિકાર છે પણ તેનાથી તેમના દ્વારા આચરવામાં આવતી હિંસાને માફ ન કરી શકાય. ખાસ કરીને તે જ્યારે તે નિઃશસ્ત્ર લોકો સામે આચરવામાં આવતી હોય. ટોળાંશાહીમાં અને લોકશાહીમાં કોઈ તો ફરક હોય કે નહીં? કમનસીબે આ પ્રકારની ઘટના દર્શાવે છે કે આપણે જાણ્યે-અજાણ્યે લોકશાહી તરફથી ટોળાંશાહી ભણી ઘસડાઈ રહ્યાં છીએ. મહારાષ્ટ્રનાં ધૂળે ગામમાં લોકોનાં ટોળાએ પાંચ જણાને રહેંસી નાખ્યાં તેમની સામે પોલીસે કડક હાથે કામ લઈને ૨૬ જણાની ધરપકડ કરી છે અને તેમની સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કામ ચલાવવાની રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે. કાલે ઊઠીને કોઈ રાજકીય પક્ષ આ આરોપીઓેને જામીન પર છોડાવી તેમનું સન્માન કરે તો મુખ્ય પ્રધાન શું કરશે?

જે લોકોએ રામગઢની શેરીઓમાં અન્સારીને મારી નાખ્યો છે તેમને તો તેમના ગુનાની કાયદા અનુસાર સજા થવી જ જોઈએ પણ જયંત સિંહા જેવા તેમને પોંખનારા પણ ઓછા ગુનેગાર નથી. તેઓ આડકતરી રીતે કાયદાનાં શાસનને બદલે ટોળાંશાહીને પ્રોત્સાહન આપે છે. જયંત સિંહાએ ચાર વર્ષમાં કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી કે કોઈ નજરે ચડે એવી ભૂલ કરી લાગતી નથી, પરંતુ આ કિસ્સો પુરવાર કરે છે કે દેશ-વિદેશમાં ટોચની યુનિવર્સિટીઓમાં ભણવાથી વ્યક્તિમાં નૈતિકતાનો પાયો મજબૂત થાય એમ માનવું ભૂલભરેલું છે.