Jayanti Bhanungari Murder Case Chabil Patel is the main accused
  • Home
  • Ahmedabad
  • જયંતિ ભાનુશાળી મર્ડર કેસને લઇ ચોંકાવનારો ખુલાસો, છબિલ પટેલે જ આપી હતી સોપારી

જયંતિ ભાનુશાળી મર્ડર કેસને લઇ ચોંકાવનારો ખુલાસો, છબિલ પટેલે જ આપી હતી સોપારી

 | 6:44 pm IST

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા માટે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે રૂ.30 લાખની સોપારી શંશીકાંત ઉર્ફે બિટિયા દાદાને આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. એસઆઈટી દ્વારા શંશીકાત ઉર્ફ બિટિયા દાદા અને અશરફ શેખને સાપુતારાના તોરણ ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધા જેમાં આ વિગત ખુલી છે. સોપારી લેનાર શંશીકાત અને અશરફની ધરપકડ પરથી હત્યા કઈ રીતે થઈ અને કોણે શાર્પ શૂટરોને મદદ કરી તેની રજેરજની વિગતો મળી છે. બે શાર્પશૂટરો પકડાયા પણ તેઓનો ત્રીજો સાગરીત હજુ ફરાર છે.

સીટે ઝડપી પાડેલા બે આરોપીમાં શશીકાંત ઉર્ફે બિટિયા દાદા સામે ખૂન,લૂંટ,ધમકી સહિત 15 ગુના અને અશરફ શેખ સામે ચોરીના ચાર ગુના નોંધાયા છે. આ ઉપરાંત શશીકાંતને પૂણેમાંથી તડીપાર પણ કરવામાં આવ્યો છે.તપાસમાં ખુલેલી વિગત મૂજબ જયંતી ભાનુશાળીની હત્યા થઈ તેના બે માસ પહેલા પૂણેના મોલમાં શંશીકાત અને અશરફને છબીલ પટેલ મળ્યા હતા. પટેલે તેઓને ભાનુશાળીની હત્યાની સોપારી રૂ.30 લાખમાં આપી હતી. હત્યા પાછળ ભાનુશાળી તેઓ ઉપર ખોટા કેસો કરીને હેરાન કરતો હોવાની વિગતો પટેલે આરોપીઓને જણાવી હતી. આ પેટે રૂ.પાંચ લાખ એડવાન્સ આપ્યા બાદ હથિયારોની ખરીદી અને વાહનની ખરીદી કરીને હુમલાખોરોએ કરી હતી. તે પછી ત્રણ વખત શશીકાંત દાદાને છબીલ પટેલ કારમાં બેસાડી ભૂજ રેકી કરવા માટે લઈ ગયા હતા. ભાનુશાળીની હત્યા તેમના ઘર પાસે નહી થઈ શકે તેમ જણાવીને ટ્રેઈનમાં હત્યા થાય તેવું આયોજન કરવા માટે શૂટરે કહ્યું હતું.

છબીલ પટેલે પોતાની પર થયેલા કેસ પતે પછી હત્યા માટે ભૂજ બોલાવશે તેમ શશીકાંતને જણાવ્યું હતું. તે પછી છબીલ પટેલે ભાનુશાળીને ટ્રેનમાં પતાવી દેવાની શૂટરોની યોજના મૂજબ વ્યવસ્થા કરી હતી.ગત 24 ડીસેમ્બરે શશીકાંતને નારાયણી ફાર્મમાં બોલાવ્યો બાદમાં અશરફ પણ ફાર્મ હાઉસમાં પહોંચ્યો હતો. 10થી 12દિવસ રોકાયેલા હત્યારા ફોનનો ઉપયોગ માત્ર વિડીયો જોવા પુરતો કરતાં તેમજ ફાર્મની બહાર પણ નીકળતા ન હતા. બાદમાં યોજના મૂજબ નક્કી થયા બાદ ૭મી જાન્યુઆરીએ રાત્રે આરોપીઓ ફાર્મમાં બહાર નીકળ્યા ભાનુશાળી જે ટ્રેનમાં હતા તેમાં જનરલ કોચની ટિકીટ લઈને ફર્સ્ટ કલાસના ડબ્બામાં ચડી ગયા હતા. બાદમાં યોજના મૂજબ ભાનુશાળીની હત્યા શામખિયાળી પાસે હત્યા કર્યા બાદ રાત્રે 12.45 વાગ્યે ચેઈન પૂલીંગ કરીને ઉતરી ગયા બાઈક પર બેસીને રાધનપુર-પાલનપુર તરફ થઈ આબૂ થી પૂણે ટ્રેનમાં પહોંચી ગયા હતા.

પેટ્રોલ ખાલી થતાં ભચાઉથી ટ્રેનમાં બેઠા

શૂટરો બાઈક પર ભૂજ જવા નીકળ્યા ત્યાં પેટ્રોલ ખાલી થતાં અટવાયા જો કે, રસ્તામાં વાહનચાલક પાસેથી પેટ્રોલ લઈ બાઈક પેટ્રોલપંપ સુધી પહોંચાડયું પરંતુ ટ્રેનનો સમય થઈ જતાં ભૂજ નહી પહોંચાય તેવું લાગતાં શશીકાંતે ભચાઉથી ટ્રેનમાં બેસવાનું નક્કી કર્યું. ત્રીજા સાથીને બાઈક શામખિયાળી પાસે મૂકવા કહ્યું હતું.

પહેલી ગોળી અશરફે મારી

ભાનુશાળીના કમ્પાર્ટનો દરવાજો શશીકાંતે ખખડાવ્યો એટલે દરવાજો ભાનુશાળીએ ખોલ્યો. શશીકાંતે ‘યહા હમારી સીટે હૈ ભાનુશાળીએ જણાવ્યું કે, જીસકી સીટ હૈ સબ યહા પૈ હે’ તેમ કહી દરવાજો બંધ કરતાં હતા. તે સમયે શશીકાંતે દરવાજાને ધક્કો માર્યો અને અશરફે છાતીમાં ગોળી મારતાં ભાનુશાળી ઢળી પડયા હતા. બીજી ગોળીઓ શશીકાંતે માથામાં મારીને ચેઈન પુલીગ કરી બંન્ને ફરાર થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન