ઈર્ષ્યાનો ત્યાગ થાય, તો જ સુખ થાય - Sandesh

ઈર્ષ્યાનો ત્યાગ થાય, તો જ સુખ થાય

 | 12:57 am IST

સંસ્કાર

આપણા જુદા-જુદા શાસ્ત્રોમાં ઈર્ષ્યાની જુદી-જુદી ઘણી બધી વ્યાખ્યા કરેલી છે, પરંતુ સહેજે સમજી શકાય અને એકદમ સ્પષ્ટ જો ઈર્ષ્યાની વ્યાખ્યા હોય તો આ નજરમાં આવે છે. જે માણસ બીજાના દુઃખે સુખી થાય અને બીજાના સુખે દુઃખી થાય તેને ઈર્ષ્યાળુ કહેવાય.

માણસને જે વસ્તુઓ મળી છે તેમાં એને આનંદ છે એના કરતાં એ જ વસ્તુઓ બીજાને ન મળે એમાં એને આનંદ વધુ મળે છે. જે પ્રવાહી પોતાને પીવું નથી એ પ્રવાહી બીજાને પીવડાવી દેવા કરતા, એ પ્રવાહી કોઈ ના પી શકે તે રીતે ઢોળી દેવામાં તેને વધારે રસ છે…

આ જગતમાં એવા પણ કેટલાક જીવો છે કે જેઓ બીજાને સુખી કરવા માટે પોતાના સુખને ગૌણ કરીને પોતાની જાતને નિચોવી નાખે છે.

જ્યારે કેટલાક જીવો આ જગતમાં એવા પણ છે કે, સામા માણસને રડતો જોવામાં અને હસતાને રડતો કરવામાં જ આનંદ માણતા હોય છે.

ધંધામાં નુકસાન પામેલા વેપારીને ભગવાને પૂછયું કે, તું ઈચ્છે એવું કંઈ બની જ જાય તો શું ઈચ્છે?

મારા પ્રતિસ્પર્ધીને ય ધંધામાં મારી જેમ મોટું નુકસાન જાય.

કીડીને ભગવાને પૂછયું, તારે જે ઈચ્છા હોય તે મારી પાસે માંગી લે?

હાથ મારા જેવો બની જાય.

ભિખારીને ભગવાને પૂછયું, તારી એકાદ ઈચ્છા સફળ બની જાય તો તું કંઈ ઈચ્છા કરે?

શ્રીમંતો ભિખારી બની જાય.

કાગડાને કુદરતે પૂછયું, આજ તો તું જે માંગે તે તને આપી દઉં. બોલ શું જોઈએ તારે?

કોયલ કાગડો બની જાય.

અને ૨૧મી સદીના એક માણસને ભગવાને પૂછયું, બોલ તું શું ઈચ્છે છે?

ભગવાન તમે અમારા માણસ જેવા માણસ બની જાવ!

છે ને આ પણ એક જગતની કરુણતા…કૂવામાં પડેલો બીજાને કૂવામાં ખેંચી લાવવાનું માગવા તૈયાર છે, પણ પોતે કૂવામાંથી બહાર નીકળી જાય એવું માંગવા તૈયાર નથી. ધંધામાં નુકસાનીમાં ઊતરેલો વેપારી પોતે પગભેર બની જાય તેવું માંગવા તૈયાર નથી. પરંતુ પ્રતિસ્પર્ધી વેપારી કેમ ખાડામાં ઊતરી જાય તેવું જ માંગવા તૈયાર છે. કીડી પોતે હાથી બની જવા તૈયાર નથી, પણ હાથીને પોતાના જેવો બનાવી દેવાનું જ માંગે છે. ભિખારી પોતે શ્રીમંત બની જવાનું માંગવાને બદલે શ્રીમંતો ભિખારી બની જવાનું માંગવાની અભિલાષા સેવે છે. પોતે કોયલ બની જાય એ નહીં પણ કોયલ કાગડો બની જાય એ માંગવા કાગડો તૈયાર છે અને પોતાને ભગવાનના સાધર્મ્યપણાની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય તેવું માંગવાને બદલે ભગવાનને માણસ જેવા બનાવી દેવાનું માંગવા આજના ઘણા માણસો તૈયાર છે.

આજનો માણસ સારા માણસને જોઈને એ પણ સારો બની જવા માગતો નથી, પણ સારો માણસ ખરાબ બની જાય એ માટેની વિચારણામાં જ એ વ્યસ્ત રહે છે. પોતાના દોષો જોઈને એને એટલી વ્યથા થતી નથી જેટલી વ્યથા એને સામાના ગુણોને જોઈને થાય છે. પોતાનું સુખ એને એટલો સુખી નથી બનાવતું, જેટલું સામાનું દુઃખ એને સુખી બનાવે છે. પોતાના દુઃખે એ એટલો દુઃખી નથી બનતો જેટલો સામાના દુઃખે એ સુખી બને છે.

આ જગતમાં ચાર પ્રકારના માણસો જોવા મળે છે. જે ઉત્તમ માણસો છે તે સામાને સુખી કરીને રાજી થતા હોય છે, જે મધ્યમ છે તેઓ સામાને સુખી જોઈને રાજી થતા હોય છે અને જે કનિષ્ઠ છે તે સામાને દુઃખી જોઈને રાજી થતા હોય છે અને જે ચોથા પ્રકારના છે કે, જેઓ સામાને દુઃખી કરીને રાજી થતા હોય છે. આપણે કેવા છીએ તે આપણે દરેકે વિચારવાનું છે?

જે ઈર્ષાળુ માણસો હોય છે તે ભગવાનને કદી ગમતા જ નથી. ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વમુખવાણી વચનામૃત ગ્રંથ તેમાં કહે છે કે, ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તોય પણ તે સાથે અમારે બને નહીં.

શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે.

આપણે હંમેશાં બીજાના ગુણ જોઈને પોતામાં તેવા ગુણ આવે તેવા આગળ વધવાના પ્રયત્નો કરવા જોઈએ પણ કોઈને પાછળ પાડવાના પ્રયત્નો ન કરવા જોઈએ અને કોઈને સાથે ઈર્ષ્યા ન કરવી જોઈએ તે જ જીવનમાં સુખી થવાનો ઉપાય છે.

  • સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજી કુમકુમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન