આ ટેનિસ ખેલાડીએ લોન્ચ કરી નવી બુક, નાનપણમાં મારા પિતા બેલ્ટ વડે મને મારતા હતા - Sandesh
  • Home
  • Sports
  • આ ટેનિસ ખેલાડીએ લોન્ચ કરી નવી બુક, નાનપણમાં મારા પિતા બેલ્ટ વડે મને મારતા હતા

આ ટેનિસ ખેલાડીએ લોન્ચ કરી નવી બુક, નાનપણમાં મારા પિતા બેલ્ટ વડે મને મારતા હતા

 | 10:11 pm IST

ઓસ્ટ્રેલિયાની અને વિશ્વની પૂર્વ નંબર-૪ મહિલા ટેનિસ ખેલાડી યેલેના ડોકિચે પોતાની નવી બુક ‘અનબ્રેકેબલ’માં જણાવ્યું છે કે તેના પિતા દામિર નાનપણમાં તેને બેલ્ટ અને અન્ય વસ્તુઓ વડે ફટકારતા હતા. જ્યારે પણ ડોકિચ ટેનિસ કોર્ટ પર ખરાબ પ્રદર્શન કરતી ત્યારે તેના પ્રદર્શનથી નાખુશ પિતા તેની મારપીટ કરતા હતા. તેમાં પણ એક વખત તો તે તેના પિતાની મારને કારણે બેભાન અવસ્થામાં પહોંચી ગઇ હતી. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે તેની પીઠના ભાગમાં એક પણ એવો હિસ્સો નથી કે જ્યા કોઇ ઘા (ઇજા) જોવા ન મળે. ઓસ્ટ્રેલિયન ટેનિસના કેટલાક અધિકારીઓએ ડોકિચની આ ઘટનાની જાણ કરવા બદલ પ્રશંસા કરી છે. તેમણે તેના પિતાની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી છે અને સાથે સાથે કહ્યું છે કે તેઓ ડોકિચની બનશે તેટલી મદદ કરશે.

આ ઉપરાંત તેણે પોતાની આ બુકમાં વર્ષ ૨૦૦૦ની એ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યારે વિમ્બલ્ડન સેમિફાઇનલમાં પરાજય મેળવ્યા બાદ તેને હોટેલના ફેમિલી રૂમમાં રહેવાની પરવાનગી નહોતી આપી. યેલેનાની ટેનિસ કારકિર્દી દરમિયાન પણ એવી કેટલીક વ્યક્તિઓ હતી કે જેમણે તેને મદદ કરવાની કોશિશ કરી હતી અને પોલીસ ફરિયાદ પણ કરી હતી પરંતુ તેની યોગ્ય તપાસ કરવામાં આવી નહોતી. યેલેનાએ પોતાની ટેનિસ કારકિર્દીમાં (સિંગલ્સ) ફક્ત એક વખત વિમ્બલ્ડનમાં સેમિફાઇનલમાં પહોંચી હતી. જોકે, તે પહેલાં તેણે વર્ષ 19૯૯ની વિમ્બલ્ડનમાં તે સમયની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી માર્ટિના હિંગિસને પરાજય આપી સનસનાટી મચાવી દીધી હતી. યેલેનાએ તે સમયે ક્વોલિફાયર તરીકે તે ચેમ્પિયનશિપમાં પ્રવેશ મેળવ્યો હતો.