જેઠાલાલે સાસરીમાં આવી કહ્યું - આ ગાર્ડનમાં પોતાની દયા સાથે આવજો, બબીતા સાથે નહીં - Sandesh
NIFTY 10,581.05 +32.35  |  SENSEX 34,512.31 +117.25  |  USD 65.6550 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • જેઠાલાલે સાસરીમાં આવી કહ્યું – આ ગાર્ડનમાં પોતાની દયા સાથે આવજો, બબીતા સાથે નહીં

જેઠાલાલે સાસરીમાં આવી કહ્યું – આ ગાર્ડનમાં પોતાની દયા સાથે આવજો, બબીતા સાથે નહીં

 | 2:28 pm IST

અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનેલા ‘વીર શહીદ ઋષિકેશ રામાણી ગાર્ડન’નું આજે ઉદ્દઘાટન કરાયું. ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ’ ફેમ જેઠાલાલ એટલે દિપીલ જોશીએ મીની ટ્રેનની મજા માણી હતી. ઉદ્દઘાટન પ્રસંગે લોકોને ટકોર કરતાં જેઠાલાલે કહ્યું હતું કે, આ ગાર્ડનમાં મોર્નિગ કે ઈવનિંગ વોકમાં પોત-પોતાની ‘દયા’ જોડે જ આવજો ‘બબીતા’ જોડે નહીં.’ જેઠાલાલની સાથે ‘દયા’નો વીરો ‘સુંદર’ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક આસિત મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તારક મહેતા સીરીયલમાં જેઠાલાલની પત્ની દયાનું પિયર અમદાવાદ બતાવાયું છે. દિલીપ જોશીએ સ્ટેજ પરથી લોકોને જેઠાલાલની સ્ટાઈલમાં કહ્યું હતું કે, ગાર્ડનમાં પોતાની ‘દયા’ સાથે વોક કરતાં કરતાં બબીતા ચાલે છે કે નહીં તે ના જોતા. સાચું કહું છું ભગવાને આપણને જે ‘દયા’ આપી છે તેમાં શાંતિ અને સુખ છે. બાકી બધી માયા છે, કોઈના હાથમાં આવી નથી અને આવશે નહીં. એટલે આવી માથાકુટમાં પડવું નહીં.’

પીપીપી ધોરણે 1.22 કરોડના ખર્ચે ગાર્ડન અને 3 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર કરાયો છે. આ ગાર્ડન 4 લાખ ફૂટનું છે. જ્યારે 75 ફૂટનું પાર્કિગ ધરાવે છે. આ ગાર્ડનમાં 22 રાઇડ્સ છે. આજે ઉદ્દઘાટન પ્રસંગે આખા દિવસ માટે લોકોને ગાર્ડનમાં ફ્રી એન્ટ્રી મળશે, તો આવતીકાલથી બાળકો માટે 8 અને મોટા લોકો માટે 10 રૂપિયા એન્ટ્રી ફી રહેશે. ઉદ્ઘાટન સમારંભમાં અમદાવાદના મેયર ગૌતમ શાહ, નરહરિ અમીન, બાબુભાઇ જમનાદાસ પટેલ સહિતના અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.

કોણ છે શહીદ મેજર ઋષિકેશ રામાણી ?
મેજર ઋષિકેશ વલ્લભભાઇ રામાણી (ઉ.વ.27) પહેલાં 23 પંજાબ રેજિમેન્ટમાં ભરતી થયા હતા અને પછી મેજરના હોદ્દા પર હતા. જૂન 7 2009ના રોજ કાશ્મીરની કુપવાડા સરહદ પર પાકિસ્તાન સ્થિત આંતકવાદીઓ સાથેની લડાઇમાં અમદાવાદના યુવાન મેજર ઋષિકેશ રામાણી શહીદ થયા હતા. અમદાવાદમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વાઘણિયા ગામના સપૂત અને પટેલ પરિવારના પુત્ર પંજાબ રેજિમેન્ટના મેજર ઋષિકેશ રામાણીએ કાશ્મીરના કુપવાડામાં એલઓસી પર આતંકવાદીઓ સાથે લડતાં લડતાં શહીદી વહોરી હતી.