જિમ્નાસ્ટ લેરીસા લેટીનીનાએ પ્રથમ પ્રયાસમાં જ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો! - Sandesh
  • Home
  • Kids Corner
  • જિમ્નાસ્ટ લેરીસા લેટીનીનાએ પ્રથમ પ્રયાસમાં જ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો!

જિમ્નાસ્ટ લેરીસા લેટીનીનાએ પ્રથમ પ્રયાસમાં જ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો!

 | 12:03 am IST

મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

જિમ્નાસ્ટિક શબ્દ બોલીએ એટલે મોટેભાગે રશિયા કે રશિયન દેશો જ મનમાં ઉભરી આવે. લેરીસા સેમ્યનોવ્ના લેટીનીનાએ આ વાત સાર્થક કરી બતાવી છે. તેણે જે રીતે કમબેક કર્યું છે, તે અન્યો માટે અનુકરણીય છે. ૧૯૩૪માં જન્મેલી લેરીસાએ પોતાની કરિયરના સુવર્ણકાળ ૧૯૫૬થી ૧૯૬૪ દરમિયાન ૧૪ મેડલ્સ જીત્યાં હતાં. એ એની બેનમુન સિદ્ધિનું સર્ટિફિકેટ ગણવામાં આવે છે, પણ આવી ઝળહળતી સિદ્ધિઓના ઝગમગાટ પાછળ અંગત જિંદગીમાં એટલા ઉતાર-ચઢાવ રહ્યા કે તેની એક એક સિદ્ધિ કમબેક જ ગણાય.

લેરીસા ફક્ત ૧૧ વર્ષની હતી ત્યારે તેના પિતા તેને છોડી ગયા હતા. અભણ માએ સફાઈકામ અને રાતની ચોકીદારી જેવાં કામ કરી તેનો ઉછેર કર્યો. લેરીસાએ બેલે નૃત્યથી શરૂઆત કરી. તેને તરત એ સમજાઈ ગયું કે એનું વ્યક્તિત્વ જિમ્નાસ્ટિક માટે જ સર્જાયું છે. ગ્રેજ્યુએશન પૂરું કરી લેરીસાએ લેનિન પોલિટેકનિક ઈન્સ્ટિટયૂટમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં તેને બ્યુરેવેસ્ટનિક વોલન્ટરી સોસાયટી દ્વારા જિમ્નાસ્ટિકની ટ્રેનિંગ મળવાની શરૂ થઈ. ૧૯૫૪ની રોમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૧૯ વર્ષની ઉંમરે તેને ઈન્ટરનેશનલ સ્પર્ધામાં પહેલીવાર પ્રવેશ મેળવ્યો અને પ્રથમ વખતમાં જ ગોલ્ડ મેડલ જીત્યો. એ પછી લેરીસા જિમ્નાસ્ટિકની અનેક સ્પર્ધાઓ અને મેડલો જીતી, ૧૯૫૬ની સમર ઓલિમ્પિકની જીત પછી તે વિશ્વની સૌથી સફળ જિમનાસ્ટ તરીકે ખ્યાતિ મેળવી ચૂકી હતી. જિમ્નાસ્ટિક વિશ્વમાં તેણી એક પછી એક સફળતાના શિખરો સર કરવા લાગી.

તેના કમબેકનો ઉલ્લેખ એટલે કરવો પડયો કે ૧૯૫૮ની સફળ વર્લ્ડ ચેમ્પિયનશિપની છ ઈવેન્ટ્સમાંથી પાંચ ટાઈટલ જીતી એ સમયે લેરીસાના ઉદરમાં ચાર મહિનાન ગર્ભ વિકસી રહ્યો હતો! એક સફળ કરિયર દરમિયાન ઉતાર-ચઢાવ આવવા, ગંભીર માંદગી આવવી, એક્સિડન્ટ થવો, માનસિક તકલીફ અને ડિપ્રેશન જેવી અડચણો આવવી એ બધાથી ચઢિયાતું કમબેક આને કહી શકાય કે જે નાજુક સગર્ભાવસ્થામાં સ્ત્રીને સામાન્ય ઘરકામના હલનચલનમાં પણ અનેક પ્રકારનાં નિયંત્રણ, અમુક પ્રતિબંધ કે જાત જાતના અંકુશો આવી જતા હોય છે. ત્યારે એક રમતવીર તેની નાજુક અવસ્થાને કોરાણે મૂકી જુસ્સાભર્યું વલણ દાખવીને વિશ્વને પોતાની કાબેલિયતથી મંત્રમુગ્ધ કરી મૂકે. અને છતાં એના ગર્ભમાં ઉછરી રહેલા જીવને કોઈ આંચ ન આવે! સફળ કારકિર્દીના અંતે ૧૯૬૬ની વર્લ્ડ ચેમ્પિયનશિપ પછી લેરીસાએ જિમ્નાસ્ટિક જગતને અલવિદા કહી દીધી. પરંતુ જિમ્નાસ્ટિક  એનો પીછો છોડવા તૈયાર નહોતું. તે સોવિયેત નેશનલ જિમ્નાસ્ટિક્સ ટીમની કોચ તરીકે કાર્યરત રહી અને તેના કોચિંગ હેઠળ તેની વિમેન્સ ટીમે ૧૯૬૮, ૧૯૭૨ અને ૧૯૭૬ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને તેના કમબેકને સલામ આપી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન