જીમ્મી કોન્નર્સના  ફાઈટિંગ સ્પીરીટે કમબેકમાં આપ્યો સાથ - Sandesh
  • Home
  • Kids Corner
  • જીમ્મી કોન્નર્સના  ફાઈટિંગ સ્પીરીટે કમબેકમાં આપ્યો સાથ

જીમ્મી કોન્નર્સના  ફાઈટિંગ સ્પીરીટે કમબેકમાં આપ્યો સાથ

 | 12:03 am IST

મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

૩૮ વર્ષની ઉંમર, આમ તો એક સ્પોર્ટ્સમેન માટે રમતના મેદાનને બાય-બાય કહેવાની હોય, પણ જીમ્મી કોન્નર્સ એક એવો નરબંકો હતો, જે હજી ટેનિસ કોર્ટમાં થનગનાટ કરતો હતો. સમય જતાં દુર્ભાગ્યે કાંડાની શસ્ત્રક્રિયાના કારણે ટેનિસ કોર્ટને અલવિદા કહેવાનું લગભગ નિશ્ચિત થઈ ગયું હતું. કારણ ૧૯૯૦ની સીઝનમાં તે ફક્ત ત્રણ જ મેચ રમ્યો અને એ પણ હાર્યો. તેનું રેન્કિંગ પણ ગબડયું. નંબર ૧૪થી સીધો ૯૩૬ પર!

વધતી જતી વય, ઈજા, રમતના રેન્કિંગમાં સતત નીચો જતો ગ્રાફ એક ખેલાડીનું મનોબળ તોડી નાખવા માટેના આ બધા કારણો પૂરતાં ગણાય, પણ જીમ્મીનું ગણિત ઊલટી ગણતરી કરતું હતું. એક જ વર્ષના ટૂંકા સમયમાં સડસડાટ ૧૭૪મો રેન્ક મેળવી લીધો. પરિણામ સ્વરૂપ આ ભૂતપૂર્વ ચેમ્પિયનને યુ.એસ.ઓપનમાં-૧૯૯૧માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી પણ ગઈ. પહેલા જ રાઉન્ડમાં સામનો કરવાનો આવ્યો પેટ્રિક મેકેનરોનો. કુલ ચાર કલાક, અઢાર મિનિટની જાંબાઝ લડતના અંતે, જીમ્મીએ  ૬-૪થી વિજયી બન્યો. જીમ્મીની વિજયકૂચ આગળ ધપી રહી હતી, એરોન ક્રિકસ્ટેઇન સામે રમતાં તે શરૂઆતના ત્રણમાંથી બે સેટ હારી ચૂક્યો હતો, જીત માટે ક્રિક્સ્ટેઈનને ફક્ત ચાર જ પોઈન્ટ બાકી હતા. પણ, ટેનિસ કોર્ટ ફરતે બેઠેલું દર્શકોનું ટોળું તો જીમ્મીના સપોર્ટમાં જ ચિચિયારીઓ પાડી રહ્યું હતું. દર્શકોનો સપોર્ટ અને જીમ્મીનો ફાઈટિંગ સ્પીરીટ- તેને બરોબરી પર લાવીને મૂકી દીધા અને અંતે ટાઈબ્રેકરમાં મેચ જીતી લીધી.

૩૯ વર્ષની થનગનાટી સ્ફૂર્તિ ધરાવતો જીમ્મી હવે સેમિફાઈનલમાં હતો. ચોમેર જુસ્સો, ગાંડપણની હદ સુધીની ઘેલછા, ઉલ્લાસના વાતાવરણ વચ્ચે ૩૯ વર્ષીય જીમ્મી કોર્ટમાં ઉતર્યો ત્યારે સામે હણહણતાં વછેરા જેવો જીમ કુરિયર હતો. જીમ કુરિયર સીધા સેટ્સમાં જીમ્મીને હરાવી ગયો અને જીમ્મીની ગ્રેટ કમબેકની આગેકૂચ ત્યાં જ રોકાઈ ગઈ.

૨૦૦૬માં જીમ્મીનું કમબેક સફળતાના નવા લેન્ડમાર્ક બનાવી ગયો. ૨૦૦૩માં યુ.એસ.ઓપન ચેમ્પિયન એન્ડી રોડ્ડીકની કરિયર જ્યારે તળિયે પહોંચી ગઈ હતી, તેના કોચ તરીકે જીમ્મીએ પોતાની શક્તિઓનો જાદુ રોડ્ડીકમાં રોપી રોડ્ડીકને ફરી ૨૦૦૬માં યુ.એસ. ઓપન ચેમ્પિયનશિપનો તાજ મેળવી આપ્યો

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન