જિન્હેં હમ ભૂલના ચાહે...   - Sandesh

જિન્હેં હમ ભૂલના ચાહે…  

 | 2:26 am IST

એક વાતની સો વાતઃ દીપક સોલિયા

પેલી ડોશીની બોધકથા અત્યંત જાણીતી છે, જેણે પોતાની સોય અંધારી ઓરડીમાં ખોઈ નાખેલી, પરંતુ એ સોયને શોધી રહી હતી બહાર આંગણામાં, કારણ કે આંગણામાં અજવાળું હતું. ડોશીની ‘તાર્કિક’ દલીલ એવી હતી અંધારામાં કઈ રીતે શોધું?

એ ડોશી જેવી મૂર્ખામી આપણે પણ કરીએ છીએ.

એકદમ ફ્રેક્નલી વાત કરીએ તો આપણા દેશમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચેની બબાલોનો અંત નથી આવતો. શું કામ? કારણ કે ઉકેલની સોય ખોવાઈ છે કમરામાં, પણ આપણે એને શોધીએ છીએ બહાર આંગણામાં.

વાંક બંને ધરમના લોકોનો છે. ઘણાં હિન્દુઓ એવું ઝંખે છે કે જેમ પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર છે એમ ભારત હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ અને ભારતમાં હિન્દુત્વનું પ્રભુત્વ હોવું જોઈએ. સામે પક્ષે ઘણાં મુસ્લિમો એવું ઇચ્છે છે આખાય જગતમાં ઇસ્લામનું પ્રભુત્વ હોવું જોઈએ.

અચ્છા, બે ઘડી માની લો કે આખા દેશમાં સોએ સો ટકા હિન્દુ પ્રભુત્વ સ્થાપિત થઈ જાય તો શું પછી દેશમાં પછી વેર-ઝેર અને વૈમનસ્ય રહેશે જ નહીં? ના, હિન્દુ-મુસ્લિમ બબાલ પૂરી થાય તો પછી જ્ઞાાતિઓ, વર્ણો, ભાષાઓ, ઉત્તર-દક્ષિણ, બિહારી-મરાઠી, કાવેરી-જળના લાભાર્થીઓ, અનામત-બિનઅનામતવાળાઓ વચ્ચેના વિખવાદો ટાંપીને જ બેઠા છે.

બીજી તરફ્, બે ઘડી માની લો કે આખા જગત પર ઇસ્લામનું રાજ સ્થપાઈ ગયા પછી શું ધરમના મામલે જગતમાં શાંતિ સ્થપાઈ જશે? ના રે ના. આખા જગતની વાત છોડો, અત્યારે જે એક તૃતિયાંશ ઔજગત પર ઇસ્લામનું રાજ છે ત્યાં પણ શિયા-સુન્ની વચ્ચે જે હિંસા ચાલી રહી છે એ કેટલી વિકરાળ છે એ સૌ જાણે છે.

ટૂંકમાં, પ્રભુત્વ એ ઇલાજ નથી. એ જ તો રોગ છે. ઇલાજ છે સંપ. છતાં, કમાલની વાત એ છે કે આપણે સંપ સાધવા માટે પ્રભુત્વ ઝંખીએ છીએ, રોગને ઇલાજ સમજીએ છીએ, ઓરડામાં ખોવાયેલી સોય આંગણામાં શોધીએ છીએ.

તો, પહેલી વાત એ કે સંપ-શાંતિ જ ઇલાજ છે એ સમજવું પડે. અને આ સંપ-શાંતિની આડે આવતી એક મહત્ત્વની બાબત છે જૂનાં વેર-ઝેર, આગલા અન્યાયો. મુસ્લિમ અને બ્રિટિશ શાસકોએ હિન્દુઓ પર જુમલો ગુજારેલા અને ધર્મસ્થાનકો તોડેલા, સવર્ણોએ નીચલા વર્ણ સાથે અન્યાયો કરેલા તથા ૧૯૮૪ના શીખ મહાસંહારમાં કોંગી નેતાઓએ, ૨૦૦૨ના ગોધરાકાંડમાં મુસ્લિમ ઝનૂનીઓએ અને ત્યાર પછીના રમખાણોમાં હિન્દુવાદી ટોળાંઓએ ક્રૂરતા દાખવેલી એ એક અફ્ર હકીકત છે. આ બધી હકીકતોનું કરવું શું?

આમ તો સમય પોતે જ એક અક્સીર દવા છે, જે જૂના જખમોને અત્યંત લાં…….બા ગાળે ભૂલાવી શકે ખરો, પરંતુ એમાં વચ્ચે થર્ડ પાર્ટીઓ (લેભાગુઓ) આવી ચડે, જૂના જખમો ખોતરવા માટે.

તો કરવું શું?

અહીં પેલી શાણી સલાહ કામમાં નથી આવતીઃ ભૂતકાળને ભૂલી જાવ.

ના, તમે કશુંક ભૂલવા માગો તો તેને ભૂલી શકાતું નથી. પેલું જૂનું હિન્દી ફ્લ્મિી ગીત કહે છે તેમ, જિન્હેં હમ ભૂલના ચાહે, વો અક્સર યાદ આતે હૈ. ખરેખર તો કશુંક યાદ રાખવું હોય તો બેસ્ટ ટ્રિક આ છેઃ નક્કી કરો કે આ વાત મારે ભૂલી જવી છે. બસ, પછી જેમ તમે વાતને ભૂલવા માગશો તેમ એ તમને વધુ યાદ આવશે.

હાલમાં એક મસ્ત ફ્લ્મિ આવી છે, ‘સ્ત્રી’. એ ફ્લ્મિમાં (અને એના ટ્રેલરમાં પણ) એક દ્રશ્ય એવું છે જેમાં વિકરાળ ચુડેલ સામે ઊભેલા પુરુષને દૂરથી એક જાણકાર (દોઢ) ડાહ્યો સલાહ આપે છેઃ ‘એની આંખોમાં જો.’ ડરેલો માણસ ચુડેલની ડરામણી આંખોમાં જોવા મથે છે અને વધુ ડરે છે.

સલાહકાર સલાહ ફેંકે છેઃ ‘એ પ્રેમની ભૂખી છે. એને પ્રેમથી જો.’ પેલો પ્રેમથી જોવા મથે છે, પણ ચુડેલ સામે જોવાથી એની આંખોમાં પ્રેમને બદલે ડર જ ડોકાવા લાગે છે.

સલાહકાર વધુ ઉકસાવે છેઃ ‘હજુ વધારે પ્રેમથી જો.’

ત્યારે પેલો ચિડાઈને બરાડે છેઃ ‘અહીં મારી — ફટેલી પડી છે. ક્યાંથી લાવું પ્રેમ?’ (સુરુચિનો ભંગ ન થાય એટલે અમે તો અહીં એક શબ્દને બદલે ખાલી જગ્યા છોડી છે, પરંતુ સેન્સર બોર્ડે એ શબ્દને ઉદારતાપૂર્વક પાસ કર્યો છે).

ખેર, હૃદયમાંના ધિક્કારનું પણ એવું જ છે. એ અંદર ખદબદી રહ્યો હોય ત્યારે આંખોમાં પ્રેમ આંજી શકાતો નથી.

તો કરવું શું? આ સવાલનો જવાબ દક્ષિણ આફ્રિકાને અહિંસક રીતે આઝાદ કરાવનાર નેલ્સન મંડેલા પાસેથી મળી રહે છે, વર્ષો જેલમાં કાઢનાર આ નેતાએ  જૂના જખમો-ગુનાઓ-અન્યાયો ભૂલી જવાને બદલે એની યાદી બનાવીને એની સાથે યોગ્ય રીતે પનારો પાડયો.

એ મંડેલા-પદ્ધતિ વિશે ક્યારેક વાત કરીશું, પરંતુ એ દરમિયાન તમે પણ વિચારજો કે તમને કોઈના પ્રત્યે દ્વેષ હોય તો એનાથી છુટકારો મેળવવો કઈ રીતે?

facebook.com/dipaksoliyal