જોબ રેકેટ ચલાવતા ચાલાક લલિતે યુવકોની બીએમસીમાં બાયોમેટ્રિક એન્ટ્રી કરાવી - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • જોબ રેકેટ ચલાવતા ચાલાક લલિતે યુવકોની બીએમસીમાં બાયોમેટ્રિક એન્ટ્રી કરાવી

જોબ રેકેટ ચલાવતા ચાલાક લલિતે યુવકોની બીએમસીમાં બાયોમેટ્રિક એન્ટ્રી કરાવી

 | 2:34 am IST

મુંબઈ, તા. ૧૦

પોલીસ, રેલવે અને પાલિકામાં નોકરી અપાવવાનું કહી અનેક યુવાનો પાસેથી એક કરોડ કરતાં વધુ રૂપિયા પડાવી લેનાર ચાલાક લલિત ઓમપ્રકાશ સાવંતે એ નોકરીવાંચ્છુઓની બીએમસી અને એક્સાઇસ ડિપાર્ટમેન્ટમાં બાયોમેટ્રિક એન્ટ્રી કરાવી તેમની ‘હાજરી’ પણ નોંધાવી દીધી હતી.

એક ઓફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે લલિત ઓમપ્રકાશ સાવંતે આ યુવકોને બીએમસી હેડક્વાર્ટર અને એકસાઇઝ હેડક્વાર્ટરમાં હાજરી આપવા મોકલાવ્યા હતા. તેણે કહ્યું હતું કે બાયોમેટ્રિક મશીનમાં તમારો અંગૂઠો બતાવી હાજરી પુરાવી આવો. થોડા દિવસો બાદ તમને ડિપાર્ટમેન્ટમાં સીટ પણ અપાવી દઈશ.

તેના કહેવાથી એ યુવાનો બીએમસી હેડક્વાર્ટર અને એકસાઇઝડિપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા. ત્યાં સિક્યોરિટીએ તેમને રોકતા તેમણે લલિતે તેમને આપેલા અલોટમેન્ટ લેટર અને આઇડી બતાવ્યા હતા. એ પછી તેમણે બાયોમેટ્રિક એન્ટ્રી કરી હતી થોડી વાર અહીતહી ઓફિસમાં ફરી તેઓ પાછા આવી જતા હતા. જ્યારે પગાર જમા ન થયો ત્યારે તેમણે લલિત પાસે તે વિશે પૃચ્છા કરતાં લલિતે કહ્યું હતું કે થોડા વખતમાં તમારા એકાઉન્ટમાં પગાર જમા થઇ જશે.

નાયગાંવમાં પોલીસ યુનિફોર્મ સીવતા ટેલર પાસે ઉમેદવારોને મોકલાતા

લલિત નાયગાંવમાં પોલીસ કર્મચારીઓના યુનિફોર્મ સીવતા દરજી પાસે પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી મેળવવા રૂપિયા આપનાર યુવકોને કાપડ સાથે મોકલાવતો અને યુનિફોર્મ સીવડાવી લેવા કહેતો. ત્યારબાદ એ યુનિફોર્મમાં એમના ફોટા પણ પાડયા હતા જેથી તેમના આઇ કાર્ડ બનાવી શકાય.

ત્રણ લગ્ન અને બે અફેર

લલિતે અત્યાર સુધીમાં ત્રણ લગ્ન કર્યાં હોવાનું બહાર આવ્યું છે. એટલુ જ નહી તેના બીજા બે અફેર હોવાનું પણ જાણવા મળ્યું છે. તેણે ત્રીજાં લગ્ન ત્રણ મહિના પહેલા વિરારના એક મંદિરમાં કર્યા હતા. દોઢ વર્ષ પહેલા તેણે એક મહિલા એડવોકેટ સાથે લગ્ન કર્યા હતા. એના ૧૨ વર્ષ પહેલા તેણે એક વિધવા સાથે લગ્ન કર્યા હતા. તેણે તેની ત્રણે પત્નીઓને વિરારમાં અલગ અલગ ભાડાના ફલેટમાં રાખી છે અને ત્રણેને એકબીજા વિશે જાણ ન થાય તેની કાળજી રાખી હતી.

;