Jobs crisis clearly visible in Uttarpradesh- 3,700 PhDs applied to be messengers
  • Home
  • Featured
  • રોજગારી એવી કારમી કે ટેલિફોન મેસેન્જરની 62 જગ્યા માટે 3700 ઉમેદવાર પીએચડી થયેલા!

રોજગારી એવી કારમી કે ટેલિફોન મેસેન્જરની 62 જગ્યા માટે 3700 ઉમેદવાર પીએચડી થયેલા!

 | 9:56 am IST

સામાન્ય ચૂંટણી પહેલાં દેશમાં બેરોજગારીનો મુદ્દો છવાયેલો છે. આંકડા, નિવેદનો અને દાવાની સાથે એ મુદ્દો રોજ ગરમી પકડી રહ્યો છે. એ દરમિયાન ઉત્તર પ્રદેશમાં બેરોજગારીની સ્થિતિ એવી છે કે તમે આશ્ચર્યમાં મુકાઈ જાવ. ઉત્તર પ્રદેશમાં પોલીસ વિભાગમાં ટેલિફોન મેસેન્જરની કુલ 62 જગ્યાઓ માટે એક લાખથી વધુ અરજી થઈ છે, જેમાંથી 3700 ઉમેદવારો તો ડોક્ટરેટ પદવી ધારક છે !

જુલાઈ 2018માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ભાજપની સરકારે આ પદ માટે અરજી મગાવી હતી. ટેલિફોન મેસેન્જરનું કામ પોલીસ વિભાગના દસ્તાવેજો, પત્ર અને ફાઇલોને એક પોલીસ મથકેથી બીજા પોલીસ મથક સુધી પહોંચાડવાનું હોય છે. એ કામ માટે તેણે સાઇકલ ચલાવીને કરવાનું હોય છે. આ પદ માટે અભ્યાસની લાયકાત પાંચમું ધોરણ પાસ હોવો જોઈએ. સાથે જ તેને સાઇકલ ચલાવતા આવડવું જોઈએ.

વિચારો કે ફક્ત પાંચ ધોરણ પાસ હોય એવી વ્યક્તિની જરૃર હોય ત્યાં અરજી કરનારાઓમાં મોટા ભાગના ઓછામાં ઓછા સ્નાતક તો થયેલા જ છે. એ દર્શાવે છે કે ઉત્તર પ્રદેશમાં રોજગારીની સ્થિતિ કેવી હશે ? ઉપરાંત સરકારી નોકરી માટે લોકોમાં આજે પણ હજુ ખાસ ઇચ્છા રહે છે.

આ પહેલાં ગયા અઠવાડિયે બેરોજગારો અંગેના આંકડા બહાર આવ્યા હતા, જેના આધારે એવો દાવો કરાયો હતો કે દેશમાં 45 વર્ષોમાં 2017-18માં સૌથી વધુ બેરોજગારી રહી છે. જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી એનડીએ સરકારે એ આંકડાને નકારી કાઢયા હતા.

50 હજાર સ્નાતક, 28 હજાર અનુસ્નાતક ઉમેદવાર !
ટેલિફોન મેસેન્જરના 62 પદો માટે આવેલી અરજી જોઈને સિલેક્શન બોર્ડ પણ અચંબામાં પડી ગયું હતું.સૂત્રોના જણાવ્યા પ્રમાણે કહેવાય છે કે 62 પદ માટે જે એક લાખ ઉમેદવારોની અરજી આવી છે, તેમાંથી 50 હજાર નોકરીવાંચ્છુઓ તો સ્નાતક છે, જ્યારે 28 હજાર અનુસ્નાતક છે. એ ઓછું હોય એમ 3700 ઉમેદવારો તો પીએચડી પદવી ધરાવે છે. ઉત્તર પ્રદેશમાં બેરોજગારી સાથે જોડાયેલી આ વાસ્તવિકતા એવા સમયે બહાર આવી છે, જ્યારે બેરોજગારીના આંકડાના મામલે દેશમાં હો હલ્લા મચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન