જોકોવિચ માટે મુશ્કેલ ડ્રો, ફેડરર- નડાલની શરૂઆતી રાહ આસાન - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • જોકોવિચ માટે મુશ્કેલ ડ્રો, ફેડરર- નડાલની શરૂઆતી રાહ આસાન

જોકોવિચ માટે મુશ્કેલ ડ્રો, ફેડરર- નડાલની શરૂઆતી રાહ આસાન

 | 3:10 am IST

મેલબર્ન, તા. ૧૧

આગામી સોમવારથી શરૂ થઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન માટે ગુરુવારે ડ્રો જાહેર કરાયા હતા જેમાં છ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન સર્બિયાના નોવાક જોકોવિચને કઠિન ડ્રો મળ્યો છે જ્યારે રફેલ નડાલ અને રોજર ફેડરરની શરૂઆતી રાહ આસાન જોવા મળી રહી છે.  જોકોવિચનો  પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના ડોનાલ્ડ યંગ સામે થશે જ્યારે રોજર ફેડરર સ્લોવેકિયાના એલ્જાઝ બેદેને સામેના મુકાબલા દ્વારા અભિયાનની શરૂઆત કરશે. છ મહિના બાદ ટેનિસ કોર્ટ પર પરત ફરેલો જોકોવિચ પ્રથમ રાઉન્ડમાં જીતે તો બીજા રાઉન્ડમાં તેનો સામનો ગેલ મોન્ફિલ્સ સામે થઈ શકે છે. જેણે તાજેતરમાં જ કતાર ઓપનનું ટાઇટલ જીત્યું હતું. નંબર વન ટેનિસ ખેલાડી રફેલ નડાલને આસાન ડ્રો મળ્યો છે. નડાલ પ્રથમ રાઉન્ડમાં ડોમિનિકાના વિક્ટર એસ્ટ્રેલા બર્ગસ સામે ટકરાશે

ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરનો સામનો ડેવિડ ગોફિન સામે, નડાલનો સામનો મારિન સિલિચ સામે થઈ શકે છે.  બ્રિટનના એન્ડી મરે અને જાપાનના કેઈ નિશિકોરીએ ઇજાને કારણે પોતાનું નામ પરત ખેંચી લીધું છે.

હાલેપ ઓસ્ટ્રેલિયન ટીનેજર સામે ટકરાશે

મહિલા સિંગલ્સમાં નંબર વન ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપનો સામનો ઓસ્ટ્રેલિયાની ટીનેજર ડેસ્ટની એઇવા સામે થશે. ૧૯૭મો રેન્ક ધરાવતી એઇવાને વાઇલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી અપાઈ છે. હાલેપને પ્રથમવાર ગ્રાન્ડ સ્લેમમાં ટોચનો ક્રમાંક અપાયો છે. હાલેપનો બીજા રાઉન્ડમાં એન્જેની બુચાર્ડ અને ત્રીજા રાઉન્ડમાં પેટ્રા ક્વિટોવા સામે મુકાબલો થઈ શકે છે. ગત વર્ષની ફાઇનલિસ્ટ વિનસ વિલિયમ્સ પોતાના પ્રથમ રાઉન્ડમાં સ્વિટ્ઝરલેન્ડની બેલિન્ડા બેન્કિક સામે ટકરાશે. ગત વર્ષની ચેમ્પિયન સેરેના વિલિયમ્સ અને બે વખતની પૂર્વ ચેમ્પિયન વિક્ટોરિયા અઝારેન્કાની ગેરહાજરીને કારણે ૨૦૦૮માં ચેમ્પિયન બનેલી મારિયા શારાપોવા ડ્રો સમયે મહિલાઓની ટ્રોફી સાથે ઉપસ્થિત રહી હતી. શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જર્મનીની તાત્ઝાના મારિયા સામે ટકરાશે જ્યારે ૨૦૧૬ની ચેમ્પિયન એન્જેલિક કાર્બેરનો સામનો એના લેના ફ્રેડ્સમ સામે થશે. કેરોલિન વોઝનિયાકી રોમાનિયાની મિહેલા બુઝારનેસ્કુ સામે જ્યારે ગાર્બાઇન મુગુરુઝાનો સામનો વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર જેસિકા પોચેટ સામે થશે.