Jodhpur In four rounds firing, high officials of the police, in the incident
  • Home
  • Ahmedabad
  • અ’વાદના જોધપુરમાં મોડી રાત્રે ફાયરિંગ, ક્રાઈમબ્રાંચ સહીતની પોલીસ ટીમોનો કાફલો ઘટનાસ્થળે

અ’વાદના જોધપુરમાં મોડી રાત્રે ફાયરિંગ, ક્રાઈમબ્રાંચ સહીતની પોલીસ ટીમોનો કાફલો ઘટનાસ્થળે

 | 8:00 am IST

જોધપુર ચાર રસ્તાથી જોધપુર ગામ જવાના રસ્તા પર રાઠી હોસ્પિટલ પાસે આજે રાત્રે ૧૦.૪૫ વાગ્યે ફાઈનાન્સ, કેબલ, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન, જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા મહેશ ઠાકોર અને તેના કુંટુંબી ભાઈ જશુ ઠાકોર પર કારમાં આવેલા શખ્સે ફાયરિંગ કર્યું હતું.

જો કે, હુમલામાં બંને ભાઈઓનો બચાવ થયો હતો. કાર ચાલક યુવક સ્થળ પરથી નાસી છૂટયો હતો. પાંચ મહિના પહેલા હિસ્ટ્રી શીટરના ભાઈ પર થયેલા હુમલાની અદાવતમાં આ બનાવ બન્યો છે. કોમ્બિંગ નાઇટ દરમિયાન જ હુમલો થતાં પોલીસ ચોંકી ઊઠી હતી.

બનાવને પગલે સ્થળ પર સેટેલાઈટ, આનંદનગર, ક્રાઈમબ્રાંચ સહીતની પોલીસની ટીમો પહોંચી ગઈ હતી.

સેટેલાઈટ વિસ્તારમાં કેબલના ધંધામાં મોટું નામ કાઢનાર મહેશ ઠાકોર અને તેના કુંટુબી ભાઈ સાથે ઓફીસની નજીક ઊભા રહીને ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે વેગનઆર કારમાં આવેલા આકાશ પરમારે રિવોલ્વર કાઢીને ફાયરિંગ કરીને કર્યું હતું.

ફાયરિંગને પગલે પહેલા બચવા માટે બંને ભાઈઓ દૂર ભાગ્યા બાદમાં આરોપી ભાગવા જતાં તેણે પકડવા માટે દોડયા હતા. મહેશ ઠાકોર અને તેના વર્તૂળોના કહેવા મૂજબ ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જો કે, પોલીસનું અનુમાન એવું છે કે, એક રાઉન્ડ ફાયર થયો છે.

પાંચ માસ અગાઉ જોધપુર ગામથી આગળ આવેલા ગોકુળ આવાસ ઔડાના મકાનમાં દલિત અને દેવીપૂજક યુવકો સાથે મહેશ ઠાકોર અને તેના મિત્રોને અદાવત થઈ હતી.

આ અદાવતમાં વિજય અને આકાશ પરમાર સાથે દુશ્મનાવટ થઈ હતી. આ દુશ્મનાવટમાં પાંચ માસ પહેલા ઠાકોર જૂથના સભ્યોએ આકાશ પર હુમલો કરતાં તેણે હોસ્પિટલમાં એડમીટ કરવો પડયો હતો. આ ઝઘડાની અદાવતમાં આકાશે આજે મહેશ ઠાકોર અને જશુ ઠાકોર પર ફાયરિંગ કર્યું હતું.  આજે શહેરભરમાં પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું.  આરોપીઓને પકડવા પોલીસે ઠેરઠેર નાકાબંધી ગોઠવી હતી.

ગેંગસ્ટર ગોવા રબારી સાથે ઘરોબો હતો 

મહેશ ઠાકોર અને ગેંગસ્ટર ગોવા દેસાઈ વચ્ચે ગાઢ મિત્રતા હતી. આ મિત્રતા દુશ્મનાવટમાં પલટાઈ હતી. જો કે, બંને જ્યારે મિત્રો હતા ત્યારે કેબલવોરમાં સેટેલાઈટમાં કેબલ લાઈનનો પાયો નાંખવામાં તેઓ સફળ રહ્યા હતા.

હુમલાખોર આકાશનો ભાઈ વિજય હિસ્ટ્રીશીટર  

વિજય અને આકાશના પિતાની પાંચ વર્ષ અગાઉ ગોપાલક સમાજના લોકો સાથે તકરાર થતાં હત્યા થઈ હતી. પિતાની હત્યાના આરોપીઓને ઉપર પહોંચાડવાની પુરતી તૈયારીઓ કરનાર વિજયને પોલીસે હથિયારો સાથે ઝડપી લેતાં મોટી ઘટના બનતા રોકાઈ હતી.

વિજય અને આકાશ પર અનેક ગુના 

વિજય પર લૂંટ,મારમારી, આર્મ્સ્ એક્ટ, હત્યાની કોશિષ સહીતના અનેક ગુના તેમજ તેના ભાઈ પર આકાશ પર હત્યાની કોશિષ, મારમારી સહીતના અનેક ગુના છે. પોલીસ ચોપડે બંને ભાઈઓ નામચીન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન