જે બની ગયું એને ખોતરીને દુઃખી થવાની જરૂર નથી - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • જે બની ગયું એને ખોતરીને દુઃખી થવાની જરૂર નથી

જે બની ગયું એને ખોતરીને દુઃખી થવાની જરૂર નથી

 | 3:27 am IST

નવલકથાઃ મહેશ યાજ્ઞિાક

અચાનક ધરતીકંપ આવ્યો હોય એમ કલબનો આ ઓરડો ધ્રૂજી ઉઠયો હતો. અનિલની સામે તાકી રહેલી મુકેશની આંખોમાં ધિક્કારની સાથે પીડા છલકાતી હતી. દસ સેકન્ડમાં જે બની ગયું એનાથી કુંદન સ્તબ્ધ હતો. માનવામાં ન આવતું હોય એમ એ મુકેશ અને અનિલ સામે જોઈ રહ્યો.

“તારાથી આવી ભૂલ થાય એ વાત ગળે ઊતરતી નથી…” અનિલ બે હાથ વચ્ચે માથું પકડીને બેઠો હતો અને મુકેશનું બોલવાનું ચાલુ હતું. “આ કુંદન સામે જો. એના વર્તનમાંથી કંઈક તો શીખ. બાપાની હયાતિમાં અને એમની વિદાય પછી પણ કુટુંબ અને કારોબાર માટે કુંદન જે કુરબાની આપે છે એ તને નથી દેખાતી? આપણા માટે થઈને બહારની દુનિયા સામે એ ઢાલ બનીને ઝઝૂમે છે. છૂટા થયા ત્યારે બાજીમાં એ જીતી ગયો હતો પણ મારા અને તારા માટે થઈને એણે ખેલદિલી બતાવી અને હક જતો કર્યો.”

નિરાશાથી માથું ધૂણાવીને એમણે ગ્લાસમાંથી બે ઘૂંટડા પાણી પીધું. વીંધી નાખે એવી નજરે અનિલ સામે જોઈને એમણે ઉમેર્યું. “આવા ખેલદિલ અને જિંદાદિલ નાનાભાઈ સાથે દગો કરવાનો? તારા ઉપર વિશ્વાસ મૂકીને અમે હિસાબ ચકાસતા નથી એટલે એમાં આવી ચાલાકી કરવાની? આજે અણધારી જ એ એક એન્ટ્રી યાદ આવી. એ ચકાસી એમાં તારું ભોપાળું ખૂલી ગયું, અનિલશેઠ! તારા આ વિશ્વાસઘાતથી લમણાંની નસો ફાટફાટ થાય છે. અત્યારે કોઈ ચર્ચા નથી કરવી. કાલે સવારે બધો હિસાબ ફાઈનલ કરીને કાંતિબાપાનો આ કારોબાર સંકેલી લઈએ. પોતપોતાનો હિસ્સો લઈને ત્રણેય ભાઈ સાવ છૂટ્ટા!”

“મોટાભાઈ, પ્લીઝ,…” ઊભા થઈને અનિલે મુકેશની સામે બે હાથ જોડયા. “એન્ટ્રીમાં આઠ હજારની નાનકડી ભૂલને આટલું મોટું સ્વરૂપ ન આપો. માણસ છું, મશીન નથી.”

“લિસન…” મુકેશના મક્કમ અવાજમાં સખ્તાઈ ભળી. “રૂપિયા-પૈસાની ભૂલમાં સંબંધ તોડવાનો મારો સ્વભાવ નથી. આઠ કરોડની પણ તેં ભૂલ કરી હોત તો હું પરવા ના કરતો. પણ તેં ભૂલ નથી કરી, ચાલાકીથી વિશ્વાસઘાત કર્યો છે; એટલે હવે ચર્ચા નકામી છે…” અનિલ કે કુંદન સામે નજર કર્યા વગર એ રૂમની બહાર નીકળી ગયો.

પોતાને વળગીને અનિલ કરગરે એ અગાઉ કુંદન પણ ઊભો થઈ ગયો. પરવશ નજરે તાકી રહેલા અનિલના ફફડતા હોઠ કંઈ બોલે એ અગાઉ કુંદને સ્પષ્ટતા કરી. “આ મામલે મારે કંઈ કહેવાનું નથી. મોટાભાઈની સૂઝ અને સમજ ઉપર મને વિશ્વાસ છે…” આટલું કહીને એ પણ સડસડાટ રૂમમાંથી નીકળી ગયો. ટેબલ ઉપર માથું ઢાળીને અનિલ એકલો બેસી રહ્યો.

“આજે જમવામાં તમારું ધ્યાન નહોતું અને અત્યારે પણ ખોવાયેલા લાગો છો…” પલંગમાં ચત્તોપાટ પડીને અનિલ છત સામે તાકી રહ્યો હતો. અલકાએ એને વળગીને પૂછયું. “મને કહો તો ખરા કોઈ પ્રોબ્લેમ છે?”

“તારી વર્ષો જૂની ઈચ્છા હવે પૂરી થશે…” ચિંતાતુર અનિલે ફિક્કું હસીને પત્નીને સમજાવ્યું. “તું કાયમ ટોકતી હતી ને કે તમે ધંધો સંભાળી લો. હવે એ સમય આવી ગયો. આખો કારોબાર એકલા હાથે સંભાળવો પડશે…”

કંઈ સમજાયું નહીં એટલે અલકા પ્રશ્નાર્થ નજરે પતિની સામે તાકી રહી.

“ચોરી પકડાઈ ગઈ એટલે મોટાભાઈએ ચુકાદો આપી દીધો. કાલથી બધા ભાઈઓ અલગ…” ઢીલા અવાજે અનિલે આખી કથા સમજાવી.

“તમે તો સમર્થ છો. એકલા હાથે આગળ વધવામાં તમને શું વાંધો આવે?” અલકાને આંચકો તો લાગ્યો હતો, એ છતાં એણે પતિને હિંમત આપવા પ્રયત્ન કર્યો.

“વધુ જોખમ લીધા વગર નાના પાયે શરૂ કરવાનું. આટલા વર્ષથી આ ધંધામાં છો એટલે પહોંચી વળાશે.”

“કરિયાણાની કે દૂધની દુકાન નથી ચલાવવાની…” અનિલે ચીડાઈને ધૂંધવાટ ઠાલવ્યો. “લુખ્ખાઓથી માંડીને પોલીસ સુધીની પારાવાર પળોજણને પહોંચી વળવાનું કામ સહેલું નથી…” એણે નિરાશાથી માથું ધૂણાવ્યું. “વિશ્વાસુ માણસ વગર એકલા હાથે આ ધંધો ના થાય.વર્ષો અગાઉ રસોડાં અલગ થયા ત્યારે દેવીબા ફટ દઈને કુંદનના ઘેર ગયેલા. હવે ધંધો અલગ કરીશું એટલે કાળુ પણ મુકેશ કે કુંદનની પડખે ઘૂસી જશે…”

થોડીવાર વિચારીને એણે અલકા સામે જોયું. “એમ થાય છે કે એકાદ મહિનો આરામ કરીને બીજા કોઈ નવા ધંધામાં નસીબ અજમાવું. ભલે પૈસા થોડા ઓછા મળે પણ ઉચાટ કે ઉપાધિ તો નહીં…”

અલકા એની સામે તાકી રહી. “આ લાઈનનો આટલો અનુભવ ભૂલીને નવા ધંધામાં એકડે એકથી શરૂ કરશો?” એણે આૃર્યથી પૂછયું. બીજી મિનિટે પતિની મૂંઝવણ પારખીને એણે ધરપત આપી. “આમાં મને વધારે સમજણ ના પડે. જે કંઈ કરો એ સમજી-વિચારીને કરજો. હવે તો સમીર અને ઈશાન પણ મોટા થઈ ગયા છે. એમના ભવિષ્યનું પણ વિચારજો…” એણે પ્રેમથી અનિલના વાળમાં આંગળીઓ ફેરવી. “વધુ ચિંતા કર્યા વગર અત્યારે આરામથી ઊંઘી જાવ. ભગવાન જે કરે એ સારા માટે એમ માનવાનું. છૂટા થયા પછી એ બંનેથી આગળ નીકળી જવાય એવું પણ બની શકે…”

અહીં આ ચર્ચા ચાલતી હતી ત્યારે બાજુના બંગલામાં મુકેશના નસકોરાં બોલતા હતા. અલકાએ અનિલની ડઘાયેલી હાલત પારખી લીધી હતી એ જ રીતે મીનાએ પણ મુકેશની મૂંઝવણ માપી લીધી હતી. “કોઈ ટેન્શન છે?” બેડરૂમમાં પહોંચ્યા પછી એણે મુકેશની ઉલટતપાસ શરૂ કરી હતી. આખી ઘટના પત્નીને કહેતી વખતે મુકેશના અવાજમાં પારાવાર પીડા છલકાતી હતી. “કોઈ પારકાએ પરાક્રમ કર્યું હોય તો એને પરચો દેખાડી દઉં પણ આમાં તો ઉપાધિ છે. સગો ભાઈ વિશ્વાસઘાત કરે, એને શું સજા આપવી? આવી ચોરી કરીને અનિલે કેટલા રૂપિયા ઘર ભેગા કર્યા હશે એનો હિસાબ તો ઈશ્વર જાણે!…” લગીર વિચારીને એણે મીનાને પોતાના નિર્ણયની જાણ કરી. “કાંતિબાપાના આ કારોબારમાં બધા ભાઈઓ સાથે હતા ત્યાં સુધી કોઈ તકલીફ નથી પડી. બાકી, આ ઉંમરે એકલા હાથે આ ધંધો સંભાળવામાં મને રસ નથી. ખાડિયા નવ દરવાજામાં દેસાઈકાકાનો કાગળનો કારોબાર બહુ મોટો છે. કેટલાય સમયથી એ મને આગ્રહ કરે છે. એમની સાથે ભાગીદાર તરીકે જોડાઈને પિન્ટુડાને પણ એ લાઈન પકડાવી દેવાની ઈચ્છા છે…”

“પિન્ટુડા ઉપર ધ્યાન રાખવાની જરૂર છે…”મીનાએ જાણકારી આપી. “હમણાંથી એની દાદાગીરી વધી ગઈ છે. બાજુની સોસાયટીવાળા બે છોકરા મારી પાસે ફરિયાદ લઈને આવેલા કે પિન્ટુ એમને મારે છે…”

મુકેશ હસી પડયો. “કામદાર કુટુંબની દરેક પેઢીમાં એક લડાયક યોદ્ધો પાકે એવું ઈશ્વરનું વરદાન છે. એમના બધા ભાઈઓમાં કાંતિબાપા હીરો હતા. કંગાલિંયતમાંથી આખા કુટુંબને બહાર લાવીને આ કારોબાર જમાવ્યો. અમારા ત્રણેય ભાઈઓમાં એ વારસો કુંદને જાળવ્યો છે. છપ્પનની છાતી અને ઝનૂનથી લડવાની હિંમત એની પાસે છે…” સહેજ અટકીને એણે આગળ સમજાવ્યું. “અત્યારની પેઢીના છ બાળકોમાંથી આપણી દેવાંશી અને કુંદનની કેસરને બાદ કરવાની. બાકીના ચારેય ભાઈઓમાં અનિલના સમીર અને ઈશાન લુચ્ચા છે, ચાલાક છે; પણ બહાદુર નથી. દુશ્મનની સાથે સામી છાતીએ લડવાની એમની તાકાત નથી. કુંદનનો આદિત્ય બળુકો અને બહાદુર છે, પણ એને લક્ષ્મીના શાંત સ્વભાવનો વારસો મળ્યો છે. આ રીતે, ખાનદાની પરંપરા જાળવવાની જવાબદારી આપણા પિન્ટુએ સંભાળી લીધી છે. એનામાં કુંદન જેવી આક્રમકતા અને ઝનૂન છે…”

“એ સારી વાત છે?” ઉત્સાહ બોલતા મુકેશની સામે આ પ્રશ્ન મૂકીને મીનાએ એને અટકાવી દીધો. “અત્યારે તો એના તોફાન બાળકબુદ્ધિમાં ગણાઈ જાય, પણ સહેજ મોટો થશે એટલે એની લડાયક વૃત્તિ આપણને ભારે પડશે. લડવા-ઝઘડવા સિવાય બીજી અનેક સારી વાતો પણ શીખવા જેવી છે. તમારે એને આ સમજાવવું જોઈએ.”

“તારી વાત સાચી છે…” મુકેશે નિખાલસતાથી કબૂલ કર્યું. “એના ભવિષ્ય માટે થઈને હું લાઈન બદલવાનું વિચારું છું એટલે એને લાઈન પર લાવવો પડશે.”

“હજુ સમય છે ત્યાં સુધીમાં એને સંભાળી લો. મોડું કરશો તો એ તમને પણ સાચા જવાબ આપશે. એના મગજમાં તોર અને તુમાખી ભરાઈ જશે તો તકલીફ થશે.” મીના ચિંતાતુર અવાજે બોલતી હતી. પતિને આ બધું કહેતી વખતે એને શાસ્ત્રીજીની અમંગળ આગાહી જ યાદ આવતી હતી.

“ચિંતા ના કર. બધુંય થઈ પડશે…” પત્નીને આટલી ધરપત આપીને મુકેશ આરામથી ઊંઘી ગયો.

મહેમદાવાદ પાસેના બંને બંગલાઓમાં આ પરિસ્થિતિ હતી, એ સમયે વટવામાં કુંદનના બેડરૂમમાં ચર્ચાનો વિષય અલગ નહોતો.

“હું ક્યારેય હિસાબની નોટ તપાસું નહીંને મોટાભાઈ પણ ઉપલક નજર ફેરવે. એને લીધે અનિલને મોકળું મેદાન મળી ગયેલું. પણ આજે એની ચોરી પકડાઈ ગઈ અને મોટાભાઈની કમાન છટકી…” કુંદન લક્ષ્મીને માહિતી આપી રહ્યો હતો. “એમણે અનિલને ચોખ્ખું કહી દીધું કે તારા જેવા દગાખોર સાથે ધંધો ના કરાય. કાલે ધંધાના પણ ભાગ પાડી દઈશું અને ત્રણેય ભાઈ સાવ છૂટ્ટા…” એના અવાજમાં આછી પીડાનો રણકો ભળ્યો. “કાંતિબાપાએ સલાહ આપેલી કે ધંધામાં સાથે રહેશો તો જ ટકી શકશો. પણ કાલે ત્રણેયના ચોકા અલગ થઈ જશે પછી દરેકે પોતાનું ફોડી લેવાનું…”

“એમાં આટલા બધા લાગણીશીલ નહીં થવાનું…” લક્ષ્મીએ સમજાવ્યું. “દરેક ફેમિલી બિઝનેસમાં આવું તો બનતું જ હોય છે. દરેક ભાઈને પોતપોતાની રીતે આગળ વધવાની તક મળશે. તાકાત હોય એ તરી જશે, બાકીના ડૂબી જશે…” લક્ષ્મીના નમણા ચહેરા પર સંતોષની આભા ચમક્તી હતી. પતિના ખભે હાથ મૂકીને એ બબડી. “કાંતિબાપાના આશીર્વાદથી આપણે સુખી છીએ. આ ધંધો બંધ કરીને તમે આરામથી બેસો તોય જીવવામાં તકલીફ નહીં પડે…” તમામ આર્થિક વ્યવહાર એ સંભાળતી હતી એટલે મનોમન ગણતરી કરીને એણે કહ્યું, “આપણો આદિત્ય પચાસ વર્ષનો થાય ત્યાં સુધી તો જલસાથી જીવી શકાશે એટલી જોગવાઈ છે.”

“આરામથી જીવવાની આદત નથી અને કમાવા માટે આ ધંધા સિવાય કોઈ આવડત નથી…” કુંદને હસીને કહ્યું, “જોઈએ, કાલે શું થાય છે?”

બીજા દિવસે સવારે કલબની ઓફિસમાં વાતાવરણ ભારેખમ હતું. ગુનેગારની જેમ અનિલ માથું નીચું કરીને બેઠો હતો. જાણે કશું જ ના બન્યું હોય એમ કુંદન બેફિકર થઈને મુકેશ સામે જોઈ રહ્યો હતો. મુકેશ ગંભીર હતો. મનોમન એ કંઈક ગણતરીમાં ગૂંચવાયો હોય એવું એના ચહેરા પરથી લાગતું હતું.

“જે બની ગયું એને ખોતરીને દુઃખી થવાની જરૂર નથી…” અનિલ અને કુંદનની સામે જોઈને મુકેશે બોલવાનું શરૂ કર્યું. “કોઈને પણ મનદુઃખ ન થાય એ રીતે હવે શું કરવાનું છે એ વિચારીએ. કલબનું જૂનું મકાન અને અત્યારનું આ મકાન એ બંનેમાં તમે બંને તમારી રીતે ધંધો ચલાવી શકશો. બહુ વિચાર્યા પછી મેં નક્કી કરી લીધું છે કે મારે આ ધંધામાં નથી રહેવું…”

કુંદન અને અનિલ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા. મુકેશ ધીમા અવાજે પોતાનો નિર્ણય જણાવી રહ્યો હતો. “કાંતિબાપાએ મહેનત કરીને ધંધો જમાવેલો અને એ પછી એ વિસ્તરતો રહ્યો. એમાં મેં કે અનિલે ખાસ ફાળો નથી આપ્યો પણ કુંદને બોજ ઉપાડી લીધેલો…એને લીધે ધંધાની ગુડવિલની ગણતરી જો કરીએ તો એમાંથી મારો હિસ્સો હું સ્વેચ્છાએ જતો કરું છું. બંને મકાનના મૂલ્યની ગણતરી કરીને તમે બંને નક્કી કરો કે ભાગ કઈ રીતે પાડવા છે?….” બંને નાના ભાઈઓ સામે જોઈને એણે ઉમેર્યું. “બંને મકાન અત્યારે કાંતિબાપાના નામે જ છે. જો દસ્તાવેજની માથાકૂટ અને ખર્ચ ના કરવો હોય તો કોરા કાગળ ઉપર સમજૂતી કરાર કરીએ. ભવિષ્યમાં આપણા સંતાનો વચ્ચે વિખવાદ ન થાય એ માટે પાકા પાયે દસ્તાવેજો કરવા હોય તો પણ મને વાંધો નથી. તમે બંને જે નક્કી કરો એ કબૂલ-મંજૂર”

“થોડો ખર્ચ ભલે થાય પણ ભવિષ્યમાં બાળકો વચ્ચે વિવાદ ન થાય એ માટે ડોક્યુમેન્ટ્સ જરૂરી છે…” અલકાએ આપેલી શીખામણ યાદ કરીને અનિલે તરત કહ્યું, “બે-ત્રણ દલાલને પૂછીને કિંમતનો અંદાજ મેળવી લઈએ.”

બીજા દિવસે જ દસ્તાવેજાની વિધિ પતી ગઈ. કલબનું જૂનું મકાન અનિલે રાખ્યું. હાલનું મકાન કુંદને ખરીદ્યું. એ બંનેએ ગણતરી મુજબની રકમ મુકેશને ચૂકવી આપી. પોળમાં રહેણાકનું જે મકાન હતું એમાં અત્યારે કાળુ રહેતો હતો. એ મકાનને ત્રણેય ભાઈઓની મજિયારી મિલકત તરીકે જ રાખ્યું.

કાળુએ કુંદનની કલબમાં રહેવાનો નિર્ણય કર્યો એ અનિલને ગમ્યું નહોતું. એ છતાં, કાળુ કુંદનની સાથે જ રહેશે એવો અંદાજ હતો એટલે એને મોટો ઝાટકો ના લાગ્યો.

વહેતા સમયની સાથે બંનેની કલબ અને સટ્ટાનો કારોબાર ધમધમાટ ચાલતો હતો. છૂટા થયા પછી પહેલી દિવાળી આવી ત્યારે કુંદને પોતાનો શોખ પૂરો કર્યો. દર બેસતા વર્ષે એ સમયના અખબારોમાં પહેલું અને છેલ્લું પાનું લાલ રંગની જાહેરાતોથી ભરચક્ર રહેતું. બધા અખબારોમાં પહેલા પાના પર મોખરાની જગ્યાએ કુંદને ફોટા સાથે જાહેરાત છપાવી. સહુ સ્નેહીજનો, મિત્રો અને શુભેચ્છકોને કુંદન કામદારના સપ્રેમ નૂતન વર્ષાભિનંદન…આવા બોલ્ડ અક્ષરે છપાયેલી જાહેરાત પોલીસ બેડામાં અને લોકોમાં ચર્ચાનો વિષય બની. પણ કુંદનને એની પરવા નહોતી. પોતાના આ પ્રચારથી એ ખુશ હતો.

મુકેશનો બાળપણનો મિત્ર દેસાઈ કાગળના જથ્થાબંધ વેપારમાં વર્ષોથી જામેલો હતો. મુકેશે એની સાથે ભાગીદારી કરી. ખાડિયા નવા દરવાજા પાસેની એ ઓફિસમાં નિયમિત જવાનું પણ એણે શરૂ કરી દીધું હતું. અલગ થયા પછી કુંદન કે અનિલની કલબમાં એણે પગ નહોતો મૂક્યો.

સાબરમતીના પ્રવાહમાં વધ-ઘટ થતી રહેતી હતી અને શહેરનો ટ્રાફિક નિરંતર વધતો જતો હતો. ઉંમરની સાથોસાથ કુંદનના માથામાં સફેદ વાળ દેખાતા હતા પણ છેલ્લા આઠ વર્ષથી બેસતા વર્ષની જાહેરાતમાં એનો જૂનો દમામદાર ફોટો જ એ છપાવતો હતો.

એક સાંજે મુકેશે કુંદનની કલબમાં પ્રવેશ કર્યો એટલે કુંદન અને કાળુને સુખદ ઔઆૃર્ય થયું. પોતાની ખુરશી પરથી ઊભા થઈને કુંદને મોટાભાઈને ત્યાં બેસવા માટે આગ્રહ કર્યો. પરંતુ મુકેશે સામેની ખુરશી પર જ બેઠો એટલે કુંદન પણ પોતાની ખુરશીને બદલે મુકેશની પાસેની ખુરશી પર આવી ગયો.

“આમંત્રણ આપવા આવ્યો છું…” મુકેશના અવાજમાં ઉત્સાહ હતો. “આવતા રવિવારે પિન્ટુને એકવીસમું વર્ષ બેસશે. એની ઈચ્છા પાર્ટી કરવાની છે એટલે તમે લોકો સવારથી જ આવી જજો.

અનિલના સમીરનો જન્મ દિવસ પણ એ અઠવાડિયામાં જ છે એટલે બંને હીરાઓ માટે ભેગી બર્થડે પાર્ટી ગોઠવી છે…” એણે હસીને ઉમેર્યું. “સંતાન મોટા થાય ત્યારે આપણને ઉંમરનો અહેસાસ થાય છે. પિન્ટુડાની ચિંતા નથી પણ દેવાંશી માટે મુરતિયો શોધવાનું કામ અઘરું છે…” “એ ચિંતા નહીં કરવાની…” કુંદને સમજાવ્યું. “જન્મ, મરણ અને પરણ-એ ત્રણેયની ગોઠવણ ઉપરવાળો કરે છે.”

કાળુ પાણી અને ચા લઈને આવી ગયો હતો. મુકેશે એને પણ નિમંત્રણ આપ્યું.

“દર વર્ષે જાહેરાત આપીને તેં રોલો પાડી દીધો છે…” મુકેશે કદર કરી. “ગંજીપામાં ચાર બાદશાહ હોય છે, પણ પાંચમા બાદશાહ તરીકે તારો વટ છે આખા શહેરમાં!”

“તમારા આશીર્વાદથી આ બધું છે…” કુંદને મુકેશ સામે હાથ જોડયા. પછી પૂછયું. “પિન્ટુ કરે છે શું?” “મારી સાથે કાગળના ધંધામાં જોતરી દીધો છે. સ્વભાવ તારા જેવો ઉગ્ર છે, પણ ધીમેધીમે સુધરી જશે…”

પાર્ટીનું આમંત્રણ ફરીથી યાદ કરાવીને મુકેશે વિદાય લીધી.

બહારના લોકો માટે પાર્ટી તો સાંજે હતી પણ આ ત્રણેય પરિવાર સવારથી જ સાથે હતા. દેવીબહેન અને કાળુ પણ ખુશખુશાલ હતા. પિન્ટુ, સમીર, આદિત્ય અને ઈશાન એ ચારેય ભાઈઓ દેવાંશી અને કેસરની સાથે મજાકમસ્તી કરી રહ્યા હતા. મીના, અલકા અને લક્ષ્મીની વાતો તો ખૂટતી જ નહોતી.

રાત્રે રંગબેરંગી રોશનીથી ફાર્મહાઉસ ઝળહળી ઉઠયું. પિન્ટુ અને સમીર સૂટ-બૂટમાં સજજ હતા. ગીત-સંગીત અને ડાન્સ વચ્ચે મોડીરાત સુધી બધાએ મજા કરી.

ઘેર પહોંચ્યા પછી લક્ષ્મી ગંભીર હતી. બેડરૂમમાં એણે કુંદનને કહ્યું, “અમુક બાબતમાં મારું નિરીક્ષણ કયારેય ખોટું નથી હોતું. સવારથી રાત સુધી જે જોયું એના ઉપરથી મને ચિંતા થાય છે. આપણા કુટુંબ ઉપર અણધારી આફત આવશે…”

(ક્રમશઃ)

[email protected]