જોસ બટલરની લડાયક અર્ધી સદી, ઇંગ્લેન્ડના ૩૩૨ રન - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • જોસ બટલરની લડાયક અર્ધી સદી, ઇંગ્લેન્ડના ૩૩૨ રન

જોસ બટલરની લડાયક અર્ધી સદી, ઇંગ્લેન્ડના ૩૩૨ રન

 | 1:18 am IST

। લંડન ।

પ્રથમ દિવસે અંતિમ સેશનમાં બેકફૂટ પર ધકેલાઈ ગયેલી ઇંગ્લેન્ડની ટીમે બીજા દિવસે જોસ બટલરના લડાયક ૮૯ રનની મદદથી મજબૂત સ્થિતિમાં પહોંચતાં પાંચમી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ૩૩૨ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે એક સમયે ૧૮૧ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે બટલરે રશીદ, બ્રોડ અને એન્ડરસન સાથે મળી છેલ્લી ત્રણ વિકેટ માટે ૧૫૧ રન જોડયા હતા. બટલર ૮૯ રન બનાવી અંતિમ વિકેટના રૂપમાં આઉટ થયો હતો. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ ચાર જ્યારે બુમરાહ અને ઇશાંત શર્માએ ૩-૩ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે તેના જવાબમાં ૧૦૩ રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ભારત હજુ ૨૨૯ રન પાછળ છે અને છ વિકેટ બાકી છે.

ઇંગ્લેન્ડે બીજા દિવસે સાત વિકેટે ૧૯૭ રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી જેમાં ટીમનો સ્કોર ૨૧૪ રન થયો ત્યારે જસપ્રીત બુમરાહે આદિલ રશીદને આઉટ કરી ભારતને આઠમી સફળતા અપાવી હતી. જોસ બટલર અને સ્ટુઅર્ટ બ્રોડે ત્યારબાદ મક્કમતાથી બેટિંગ કરતાં નવમી વિકેટ માટે ૯૮ રન જોડી ટીમનો સ્કોર ૩૦૦ રનની પાર પહોંચાડયો હતો. આ દરમિયાન બટલરે પોતાની કારકિર્દીની ૧૦મી અર્ધીસદી નોંધાવી હતી. ૩૧૨ રનના સ્કોરે સ્ટુઅર્ટ બ્રોડ આઉટ થયો હતો. બ્રોડને રવીન્દ્ર જાડેજાએ રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. બ્રોડે ૫૯ બોલમાં ૩૮ રન બનાવ્યા હતા. બ્રોડ આઉટ થયા બાદ બટલર સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે ૩૩૨ રનના સ્કોરે જાડેજાએ આઉટ કરતાં ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગનો અંત આવ્યો હતો.

વર્તમાન ભારતીય બોલિંગ એટેક શ્રેષ્ઠ : મોઇનઅલી

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇનઅલીએ કહ્યું કે, વિકેટ ઘણી ધીમી હતી પરંતુ બોલમાં પરિવર્તન થઈ રહ્યું હતું. આથી મેં સંયમ જાળવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય બોલરોએ મને વધુ હિટ કરવાવાળી બોલિંગ નહોતી કરી. આથી મેં માત્ર બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મેં અત્યાર સુધી જેટલી શ્રેષ્ઠ બોલિંગનો સામનો કર્યો છે તે પૈકી આ એક છે.

મુરલી વિજય કાઉન્ટી ક્રિકેટમાં રમશે

ભારતીય ઓપનર મુરલી વિજય કાઉન્ટી ચેમ્પિયનશિપના ડિવિઝન વનના અંતિમ રાઉન્ડમાં એસેક્સ તરફથી ત્રણ મેચ રમશે. બીસીસીઆઈએ આ અંગે શનિવારે જાહેરાત કરી હતી. ધવન અને લોકેશ રાહુલ પણ ફોર્મમાં નથી આથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ અગાઉ મુરલી વિજયને પણ પોતાની દાવેદારી નોંધાવવાની તક મળી રહે. વિજય ૧૦ સપ્ટેમ્બરથી ટ્રેન્ટ બ્રિજમાં નોટિંઘમશાયરમાં શરૂ થનાર ચાર દિવસીય મેચમાં રમશે. તે પછી ૧૮ સપ્ટેમ્બરથી વોરેસ્ટરશાયર સામે અને ત્રીજી મેચ ૨૪ સપ્ટેમ્બરથી ઓવલમાં સરે સામે રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન