જે. પી. નડ્ડા ભાજપના ૧૧મા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા - Sandesh
  • Home
  • India
  • જે. પી. નડ્ડા ભાજપના ૧૧મા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા

જે. પી. નડ્ડા ભાજપના ૧૧મા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા

 | 3:11 am IST

। નવી દિલ્હી ।

જગત પ્રકાશ નડ્ડાની સોમવારે ભાજપના પૂર્ણકાલીન પ્રમુખપદે નિયુક્તિ કરવામાં આવી હતી. સંગઠનમાં માહિર અને ભાજપનાં અદના કાર્યકર જે પી નડ્ડાએ પાર્ટીનાં ૧૧મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ ૩ વર્ષ એટલે કે ૨૦૨૨ સુધી પ્રમુખપદની જવાબદારી સંભાળશે. પાર્ટીનાં સંગઠન ચૂંટણી પ્રભારી રાધામોહન સિંહે નડ્ડા બિનહરીફ ચૂંટાયા હોવાની જાહેરાત કરી હતી. પાર્ટી અધ્યક્ષપદે તેમણે અમિત શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો હતો. પીએમ મોદી અને વિદાય લઈ રહેલા પ્રમુખ અમિત શાહ તેમજ અન્ય નેતાઓ અને કાર્યકરોએ નડ્ડાને આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા.

કેન્દ્રનાં સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ તેમજ અમિત શાહ અને નીતિન ગડકરીએ પાર્ટી પ્રમુખપદ માટે નડ્ડાનાં નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને નિર્વિરોધ સૌએ વધાવ્યો હતો. કેટલાક રાજ્યોનાં મુખ્યપ્રધાનોએ તેમની ઉમેદવારીને ટેકો આપ્યો હતો. નડ્ડાએ અડવાણી અને મુરલી મનોહર જોશીને પગે લાગીને તેમનાં આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સામે હવે દિલ્હી, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ સહિત અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો પડકાર ઝીલવાનો છે. નડ્ડાએ પીએમ મોદી, શાહ તેમજ પક્ષનાં અન્ય નેતાઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરી હતી.

પાર્ટી નવી ઊંચાઈઓને આંબશે : મોદી

પીએમ મોદીએ કહ્યું કે નડ્ડાનાં નેતૃત્વમાં પાર્ટી નવી ઊંચાઈઓને આંબશે. પાર્ટીનાં હેડક્વાર્ટર ખાતે નડ્ડાનાં સ્વાગત સમારોહમાં મોદીએ  અમિત શાહનાં પણ ખૂબ વખાણ કર્યા હતા. પાર્ટીનાં વિકાસ અને વિસ્તાર માટે તેમનાં કામની પ્રશંસા કરી હતી. મોદીએ વિપક્ષોને આડે હાથ લીધા હતા તેમણે કહ્યું કે, ચૂંટણીમાં જેમને નકારવામાં આવ્યા તેઓ હવે લોકોમાં જુઠ્ઠાણા અને ભ્રમ ફેલાવી રહ્યા છે. સીએએ અંગે ભ્રમ ફેલાવવા છતાં લોકોનો ભરોસો ડગ્યો નથી. તેમનું જુઠ્ઠાણું ય ચાલતું રહેશે અને અમે પણ ચાલતા રહીશું. અમારા માટે હવે લોકો સુધી પહોંચવાની શક્યતાઓ વધી છે.

નિરંતર વિકાસના માર્ગે ચાલતા રહીશું : અમિત શાહ

ભાજપનાં વિદાય લઈ રહેલા પ્રમુખ અમિત શાહે પોતાના કાર્યકાળ દરમિયાન સાથ આપવા માટે પીએમ મોદી અને સાથીઓનો આભાર માન્યો હતો અને નડ્ડાને શુભેચ્છાઓ આપી હતી. નડ્ડાનાં નેતૃત્વમાં પાર્ટી વધુ મજબૂત થશે અને તેનો વ્યાપ વિસ્તરશે તેવી આશા વ્યક્ત કરી હતી. શાહે કહ્યું કે, મોદીજીના નેતૃત્વમાં અમે સૌ નિરંતર વિકાસનાં માર્ગે ચાલતા રહીશું. મને ૫ વર્ષ પ્રમુખ તરીકે કામ કરવાની તક મળી તે મારું સૌભાગ્ય છે. આ માટે હું પાર્ટીનાં નેતાઓ, કાર્યકરો અને શુભચિંતકોનો આભાર માનું છું.

મારા પર મૂકવામાં આવેલો વિશ્વાસ સાકાર કરીને પક્ષને ગૌરવ અપાવીશ : નડ્ડા

નડ્ડાએ કહ્યું હતું કે લોકોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને જે સહયોગ આપ્યો છે તે માટે આપ સૌનો આભારી છું. રાજકારણમાં મારી કોઈ પારિવારિક પુષ્ઠભૂમિ નથી. હું પાર્ટી માટે તમામ શક્તિ અને સામર્થ્યથી કામ કરીને પાર્ટીને ગૌરવ અપાવીશ. ભાજપનો ઉત્કર્ષ કરીશ. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહનો પાર્ટી પ્રમુખ તરીકેનો કાર્યકાળ ગયા વર્ષે જ પૂરો થયો હતો. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો અને નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન