Junagadh In vayu Cyclone Heavy Rain Second Day
  • Home
  • Featured
  • ‘વાયુ’ની અસરથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ

‘વાયુ’ની અસરથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ

 | 9:30 am IST

અરબી સમુદ્વમાં વાયુ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયાકિનારે નહીં ટકરાય પરંતુ હવે તે ઓમાન તરફ ફંટાઇ ગયું છે. વાવાઝોડાની દિશા બદલાઇ છે તેમ છતાંય ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે. રાજ્યનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથના કોડીનારમાં વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવાર સુધી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો ભારે વરસાદ અને પવનોના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા હતા. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વાયુ વાવઝોડાની અસરના કારણે રાજકોટના ગોંડલમાં પણ વરસાદ પડ્યો હતો. હાલ ગોંડલના ગામડાઓમાં વરસાદી માહોલ બનેલો છે. ત્યાં હાલ ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. તો જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મોડી સાંજથી ત્યાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી હાલ ડિવાઈડર ઉપર પાણી ઘૂસી આવ્યા છે.

અમરેલી જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદથી વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ છે. તોફાની પવનના કારણે વહીવટીતંત્ર સાબદું બન્યુ છે.

અમરેલી સહીત વડીયા, ખાંભા, રાજુલા સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે. સુત્રાપાડામાં સૌથી વધુ વરસાદ 140 મી.મી, તાલાલામાં 129 મી.મિમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં 393 મી.મી વરસાદ નોંધાયો છે. રાત્રીના 12થી 6 દરમિયાન વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં આજે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં શાળાઓ અને એસટીબસ બંધ રહેશે. ભારે વરસાદ સાથે વાવાઝોડાની ભીતિના પગલે સૌરાષ્ટ્રના સાગરકાંઠા વિસ્તારમાં દોડતી એસટી તંત્રની 2498 ટ્રીપો ગઇકાલે કેન્સલ કરવામાં આવી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં મુસાફરો રઝળી પડયા હતા.

અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના આંકડા તપાસીએ તો અમરેલીમાં 30 મિમી, બાબરામાં 12 મિમી, બગસરામાં 10 મિમી, ધારીમાં 21 મિમી, જાફરાબાદમાં 46 મિમી, ખાંભામાં 35 મિમી, લાઠીમાં 30 મિમી, લીલીયામાં 22 મિમી, રાજુલામાં 44 મિમી, સાવરકુંડલામાં 29 મિમી, વડીયામાં 25 મિમી વરસાદ નોંધાયો છે.

બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ગઢડામા ગઈકાલ અને આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. જિલ્લામાં 24 કલાકમાં બોટાદમાં 14, ગઢડા 48, બરવાળા 19, રાણપુર 23 મીમી વરસાદ નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન