Junagadh police nabbed 7 members of Bihar state's Chadar gang
  • Home
  • Gujarat
  • રાજ્યમાં ચોરી કરતી ચાદર ગેંગનો પર્દાફાશ

રાજ્યમાં ચોરી કરતી ચાદર ગેંગનો પર્દાફાશ

 | 10:33 am IST
  • Share

  • ચોરી કરનાર બિહાર રાજ્યની ચાદર ગેંગ ઝડપાઇ

  • કુલ રૂપિયા 17.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • ગેંગના 7 સભ્યોને જૂનાગઢ પોલીસે ઝડપી લીધા

 

જૂનાગઢના એમજી રોડ ઉપર આવેલ મોબાઇલની દુકાનમાંથી 14.97 લાખના મુદ્દામાલની ચોરી કરનાર બિહાર રાજ્યની ચાદર ગેંગના 7 સભ્યોને જૂનાગઢ પોલીસે ઝડપી લીધા છે. જેમાં આરોપી પાસેથી કુલ 17.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

2 શખ્સોને ભાવનગર ખાતેથી દબોચી લીધા

જુનાગઢ હાર્દ સમા વિસ્તારમાં એમજી રોડ પરની ફોનવાલા નામની મોબાઇલની દુકાનમાંથી મોબાઇલ, ચાર્જર, હેન્ડસ ફ્રિ, બ્લુટુથ અને રોકડા મળી કુલ 14,97,843ના મુદ્દામાલની ચોરી થઇ હતી. જેમાં સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તેમાં મોબાઇલ ચોરીમાં બિહારની ચાદર ગેંગના 7 સભ્યો સંડોવાયેલા છે. આ શખ્સો પૈકી 5 શખ્સો અમદાવાદના નારોલ વિસ્તારમાં રહે છે. બાદમાં જૂનાગઢ પોલીસે અમદાવાદના નારોલથી 5 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે 2 શખ્સોને ભાવનગર ખાતેથી દબોચી લીધા હતા. બાદમાં પોલીસની તપાસમાં આરોપીએ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

બિહારના આ સાત લોકો ઝડપાયા

જેમાં પકડાયેલ આરોપીમાં (1) ગોવિંદ મદન શાહ, (2) નિજામુદ્દીન હલીમ મિયાં, (3)મોબીન ભુના દેવાન, (4)બબલુ ઉર્ફે બોબી મદન શાહ, (5)મુકેશકુમાર છેદી રામ,(6) ગુલશનકુમાર બ્રહ્માનંદ પ્રસાદ કુશ્વાહા (તમામ રે.બિહાર રાજ્યનાં ઘોડાસહનગામ) અને (7) નઇમ હારીશ દેવાન રે.કુરવા ફતેપુર છાપરાનો સમાવેશ થાય છે.

ચોરીનો મુદ્દામાલ નેપાળમાં વેચી દેતા

આરોપીએ જૂનાગઢમાંથી કરેલી ચોરીની કબુલાત સાથે અન્ય 3 ચોરીની પણ કબુલાત કરી છે. આમાં ગોધરામાં ફોનની દુકાનમાંથી ચોરી, ઇન્દોરમાંથી ઘડિયાળના શોરૂમમાંથી ચોરી તેમજ કલકત્તાના જંગલમાં કારખાના નજીક આવેલ મોબાઇલની દુકાનમાંથી કરેલ ચોરીનો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપીઓ અગાઉ દુકાનની રેકી કરતા હતા અને બાદમાં વ્હેલી સવારે આવી ચાદર વડે દુકાનનું શટર ઉચકાવી અંદર પ્રવેશી ચોરી કરતા હતા. ચોરીનો મુદ્દામાલ નેપાળમાં વેચી દેતા હતા.

આરોપીઓના 5 મોબાઇલ ફોન જપ્ત

જૂનાગઢ પોલીસે આરોપીઓ પાસેથી 81 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 15,98,929, મોબાઇલ એસેસરી કિંમત રૂપિયા 20,900, રોકડા રૂપિયા 60,000 અને આરોપીઓના 5 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 33,000 મળી કુલ 17,12,829નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો