Junagadh sterling nanaiya to treat middle-aged farmer
  • Home
  • Ahmedabad
  • ઑપરેશન ઓ ‘મા’: જૂનાગઢના આધેડ ખેડૂતની સારવાર કરવા સ્ટર્લિંગનો નનૈયા

ઑપરેશન ઓ ‘મા’: જૂનાગઢના આધેડ ખેડૂતની સારવાર કરવા સ્ટર્લિંગનો નનૈયા

 | 10:15 am IST

મા કાર્ડમાં દર્દીઓને સારવાર માટે દર દર ભટકવું પડી રહ્યું છે તો કોઈ ઓપરેશન કરાવ્યા બાદ બેદરકારીને લઈ પસ્તાવો અનુભવી રહ્યા છે. સાથે જ હોસ્પિટલ દ્વારા પૈસા ખંખેરવાના ચાલતાં ગોરખધંધાથી દર્દીઓ પરેશાન છે, જેની સામે સરકાર કડક હાથે પગલાં ભરે તેવી માગણી ઉઠી રહી છે.

જૂનાગઢ વિસ્તારના આધેડ ખેડૂતને નાક વાટે મગજનું પાણી નીકળ્યા કરતું હતું. દિવસ દરમિયાન તેમને સતત નાકમાંથી પાણી વહ્યાં કરતું હતું. વારંવાર નાક લૂછવું પડતું હતું. આ વિચિત્ર બીમારીથી છૂટકારો મેળવવા તેઓ રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગયા, ત્યાંના ડોક્ટરોએ મા કાર્ડ હોવા છતાં ઓપરેશનની ના પાડી દીધી હતી, ત્યાંથી એવો જવાબ મળ્યો કે મા કાર્ડ પર તમને જે તકલીફ છે તેની આખા ગુજરાતમાં ક્યાંય સારવાર નહીં થાય.

તેમ છતાં ખેડૂતે ખર્ચ પૂછતા તેમને રૂ.૧.૨૦ લાખ જેવો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પોતે નાના ખેડૂત હોવાના કારણે આટલી મોટી રકમ આકરી પડે તેમ લાગતાં તેમણે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર કરાવવાનું માંડવાળ કર્યું હતું. અંતે નાછુટકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મા કાર્ડના આધારે ઓપરેશન કરાવ્યું હતું.

જો ઓપરેશન કરાવે નહીં તો બહારનું ઈન્ફેક્શન મગજમાં લાગી જાય તેવું ડોક્ટરોએ સમજાવ્યું હતું. સિવિલમાં ઓપરેશન કરાવ્યા પછી ઉલ્ટાના ટીપા વધી ગયા છે. ખેડૂતે કહ્યું અગાઉ કરતા મને ટીપા આવવાનું પ્રમાણ વધી ગયું છે. તેમણે ફરિયાદ કરી તો ડોક્ટરોએ એવો જવાબ આપ્યો કે દૂરબીનથી ઓપરેશનના કારણે તે જગ્યાએ થોડું છોલાયું હોય ટીપા આવશે. સિવિલમાં મા કાર્ડ હોવા છતાં સિરપ મુકવા પેટે રૂ.૮,૦૦૦ લીધા હોવાનું તેમણે જણાવ્યું હતું.

મા કાર્ડમાં મગજની ગાંઠના ઓપરેશન માટે દરદર ભટકવું પડયું

સુરત ઉમરવાડા, નવા કમેલા ખાતેના સંજયનગરમાં રહેતા મોસીન શેખે જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં રહેતી શન્નુબી રીયાઝ પઠાણ (ઉં.વ.૨૬) ચારેક માસ પહેલા મગજમાં ગાંઠ હતી. તેણીની પાસે મા કાર્ડ હોય સારવાર માટે સિવિલમાં ગઈ હતી, પરંતુ સિવિલમાં સારવાર નહીં મળતા કોઈએ મુંબઈ જવા કહેતા તન્નુબી પરિવારના સભ્યો સાથે મુંબઈ જતી રહી હતી, પરંતુ ત્યાંથી પણ નિરાશ થઈ પરત આવવું પડયું હતું.

ત્યારબાદ કિરણ હોસ્પિટલમાં જતા મા કાર્ડમાં સારવાર નહીં થાય એમ કહી આ સારવાર પાછળ ૮૦થી ૯૦ હજારનો ખર્ચ થશે એમ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તન્નુબી ફરી સિવિલમાં આવી પહોંચી હતી. અહીંના ઉપરી અધિકારીઓને આ મામલે ફરિયાદ કરતા તેમણે મગજની ગાંઠના ઓપરેશનની સુવિધા સિવિલમાં નહીં હોવાનું કહી સેલ્બી કે સનસાઈન હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું. ત્યારબાદ તન્નુબીને સનસાઈન હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.

જોકે, અહીંના તબીબોએ મા કાર્ડમાં સારવાર કરવાની ધરાર ના પાડી દીધી હતી. આ મામલે ગાંધીનગર વાત કરાતા તેમણે મા કાર્ડમાં આ સારવાર મળી શકે છે એમ કહ્યું હતું. તેમ છતાં સનસાઈન હોસ્પિટલના તબીબો નહીં મળતા તેમણે મિશન હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું. ત્યારબાદ મિશનમાં જતા અહીંના એક તબીબે પોતાના ક્લિનિક પર બોલાવી સારવાર માટે પૈસા લાગશે એમ કહ્યું હતું.

મા કાર્ડ હોવા છતાં તન્નુબીને સારવાર માટે દરદર ભટકવું પડયું હતું. આખરે કંટાળી જઈ તેણી અમદાવાદ સિવિલમાં ગઈ હતી. તન્નુબીના ભાઈ અસ્પાકે કહ્યું હતું કે, મા કાર્ડમાં અમદાવાદ સિવિલમાં ઓપરેશન થયું હતું. જોકે, ત્યાં પણ દવા અને રિપોર્ટ માટે તન્નુબીને વીસેક હજાર જેટલો ખર્ચો કરવો પડયો હતો.