Justice For Kajal: Dalit Community take out Candle march to Over Modasa Saira Case
  • Home
  • Featured
  • નિર્ભયાના દોષિતોને ફાંસી, પણ મોડાસાની ‘કાજલ’ને ક્યારે મળશે ન્યાય?

નિર્ભયાના દોષિતોને ફાંસી, પણ મોડાસાની ‘કાજલ’ને ક્યારે મળશે ન્યાય?

 | 1:03 pm IST

દિલ્હીની કોર્ટે નિર્ભયાના દોષિતોને ફાંસીની તારીખ નક્કી કરી દેતાં જ દેશભરમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. પણ જ્યારે ગુજરાતના મોડાસાના સાયરા ગામની દીકરી પર સામુહિક દુષ્કર્મ આચરી તેને ઝાડ પર લટકાવી દીધી હોવા છતાં પણ ગુજરાતમાં ક્યાંય પણ અનુસુચિત જાતિ સિવાય કોઈ અવાજ ઉઠતો જોવા મળી રહ્યો નથી. મોડાસાના સાયરા ગામના લોકોએ કાજલને ન્યાય અપાવવા માટે ગત મોડી રાત્રીએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું.

મોડાસાના સાયરા ગામની 19 વર્ષીય યુવતી કે જે પાંચ દિવસથી ગુમ હતી, તેની લાશ પાંચ દિવસ પહેલાં ઝાડ પર લટકતી જોવા મળી હતી. જે બાદ આ મામલે યુવતીના માતા પિતા અને સમાજના લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને બળાત્કાર સહિતની કલમો ન ઉમેરાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પણ આ સમયે પણ પોલીસની ઢીલી કામગીરી સામે આવી હતી. આ કેસમાં પણ પોલીસે ત્વરિત એક્શન લેવામાં ચૂક કરી હતી. પણ પોસ્ટમાર્ટમમાં કાજલ પર બળાત્કારની પૃષ્ટિ થયા બાદ પોલીસે આ મામલે બળાત્કાર સહિતની કલમો ઉમેરી ગુનો નોંધ્યો હતો. ત્યારે અનુસુચિત જાતિનાં લોકો દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ભારે હોબાળો કરવામાં આવ્યો હતો.

નિર્ભયાને ન્યાય અપાવવા જે ગુજરાતમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, ત્યારે આ મામલે મોડાસા સાયરાની યુવતીને ન્યાય અપાવવા ગુજરાતમાં અનુસુચિત જાતિ સિવાય અન્ય કોઈપણ સમાજ રસ્તા પર ઉતર્યો નથી. તો આ મામલે મોડાસાના માર્ગો પર અનુસૂચિત જાતિ સહિતના લોકોએ કેન્ડલ માર્ચ યોજીને હત્યારાઓને કડક સજા કરવાની માંગ કરી હતી. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો હાથમાં મીણબત્તી લઈને દીકરીને ન્યાય અપાવવા રસ્તા પર ઉતર્યા હતા.

પણ તમે આ કેસની બીજી બાજુ પણ જોઈ લો. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાની ગુલબાંગો પોકારતાં આપણા ગુજરાતમાં જ્યારે આવું પાશવી કૃત્ય બન્યું છે ત્યારે બીજી બાજુ આ ગુના મામલે જેમને આરોપીઓ બનાવવામાં આવ્યા છે તેમના સમર્થનમાં તેમના સમાજ દ્વારા રેલીઓ કરવામાં આવી હતી. મોડાસાના માલધારી અને ક્ષત્રીય સમાજ દ્વારા ફરિયાદ ખોટી હોવાની માગને લઈ રેલી કાઢવામાં આવી હતી. અને ખોટી ફરિયાદ કરનાર અને કરાવનાર સામે ગુનો નોંધી ન્યાય આપોની માગ સાથે રેલી કાઢવામાં આવી હતી. તેઓએ આરોપ લગાવ્યો કે, પીએમ પહેલાં જ પોલીસે કાયદા વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધી છે.

 

તો આ મામલે થોડા દિવસ પહેલાં જ પોલીસને ભ્રષ્ટ કહેનાર પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું કે, દલિતો પ્રત્યે સંવેદનહીનતા કેમ.. આ મામલે તેઓએ ફેસબૂકના અપના અડ્ડા ગ્રૃપમાં એક પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબને લઈ સવાલો ઉભા કર્યા હતા.

ગુજરાતમાં જ્યારે પોલીસ ફરિયાદ કરવામાં એક દીકરીના પરિવારને આંદોલન કરવું પડે, ત્યારે મોત ભેટેલી આ દીકરીને સમાજની ઉપર જઈ ન્યાય ક્યારે મળશે? અને ન્યાય મળશે કે કેમ? તે તો હવે જોવું જ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન