જસ્ટિસ લોયા કેસમાં રાષ્ટ્રપતિ સમક્ષ સીટ દ્વારા તપાસની માગ - Sandesh
  • Home
  • Ahmedabad
  • જસ્ટિસ લોયા કેસમાં રાષ્ટ્રપતિ સમક્ષ સીટ દ્વારા તપાસની માગ

જસ્ટિસ લોયા કેસમાં રાષ્ટ્રપતિ સમક્ષ સીટ દ્વારા તપાસની માગ

 | 3:58 am IST

નવી દિલ્હી, તા. ૯

સીબીઆઈ જજ બ્રિજગોપાલ લોયા અને તેમના બે સહયોગીનાં મૃત્યુના કેસમાં નિષ્પક્ષ તપાસની માગણી સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં ૧૫ રાજકીય પક્ષના પ્રતિનિધિમંડળે શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. વિરોધપક્ષના નેતાઓએ ૧૧૫ જેટલા સાંસદોએ હસ્તાક્ષર કરેલા આવેદનપત્ર સોંપતાં માગણી કરી હતી કે સુપ્રીમ કોર્ટના સીટિંગ ન્યાયમૂર્તિનાં નેતૃત્વમાં વિશેષ તપાસ ટીમ(સીટ)ની રચના કરીને કેસની તપાસ કરાવવામાં આવે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સંખ્યાબંધ સાંસદોને શંકા છે કે ન્યાયાધીશ લોયાનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયેલું છે. કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે સીબીઆઈ અને એનઆઈએમાં વિશ્વાસ ના હોવાથી એસઆઈટી તપાસની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયમૂર્તિ દ્વારા આ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારથી જ વિરોધપક્ષ જજ લોયા કેસમાં નિષ્પક્ષ તપાસની માગણી કરતો રહ્યો છે. આ મુદ્દાએ ન્યાયતંત્રમાં પણ તિરાડ સર્જી હતી.

હાલમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાનાં નેતૃત્વ હેઠળની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. ગઈ સુનાવણી વખતે મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે બેંચ માત્ર લોયાનાં મૃત્યુ સાથે સંકળાયેલા કેસમાં સુનાવણી કરશે. તેની સાથે સંકળાયેલા કોઈ અન્ય મુદ્દે સુનાવણી નહીં કરે.

સુપ્રીમ કોર્ટમાં પણ અરજદારના વકીલે કરી સીટ તપાસની માગણી

બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં પણ જજ લોયા મૃત્યુ કેસમાં સ્વતંત્ર તપાસની માગણી સાથે થયેલી અરજીની સુનાવણી પણ શુક્રવારે હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્ર રાજ્ય વતી ઉપસ્થિત રહેલા વકીલ મુકુલ રોહતગીએ આક્ષેપ કર્યા હતા કે કેસમાં સ્વતંત્ર તપાસની માગણી કરી રહેલા અરજદારો આવી માગણી કરવા પાછળ ખાસ હેતુ ધરાવી રહ્યા છે અને કોર્ટનો સમય બરબાદ કરી રહ્યા છે. અરજદારો વતી પેશ થયેલા ઇંદિરા જયસિંહે દલીલ કરી હતી કે જજનાં મૃત્યુ પછી એફઆઈઆર કે પછી તપાસ તારણ આપતા અહેવાલો પેશ થયા નથી. જસ્ટિસ લોયાનાં મૃત્યુને જે રીતે હેંડલ કરવામાં આવ્યું તેમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૭૪નો ભંગ થયો છે. આ કેસમાં આગામી સુનાવણી ૧૨ ફેબ્રુઆરીએ યોજાશે.

રાષ્ટ્રપતિ આ કેસને જરૂરથી જોશે : રાહુલ 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત પછી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ‘આજે અમે જસ્ટિસ લોયાનાં મૃત્યુ કેસમાં રાષ્ટ્રપતિને મળ્યા હતા. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ આ કેસને જરૂરથી જોશે.’ રાહુલે વધુ જણાવ્યું હતું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે કેસની તપાસ સુપ્રીમની દેખરેખ હેઠળ સીટ દ્વારા કરાવવામાં આવે. એક જજનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. તેમના પરિવારને સંતોષ થાય તે હેતુસર જરૂરી છે કે તપાસ યોગ્ય રીતે થાય. લોયાના બે સહયોગીનાં મૃત્યુ પણ શંકાસ્પદ સંજોગોમાં થયા છે.’

જજ લોયાને ૧૦૦ કરોડની લાંચની ઓફર થઈ હતી : સિબ્બલ 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે જજ લોયાનાં બહેને દાવો કર્યો હતો કે મુંબઈ હાઈકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ મોહિત શાહે આ કેસમાં ફેવરેબલ જજમેન્ટ આપવા જજ લોયાને ૧૦૦ કરોડ રૂપિયાની ઓફર કરી હતી. આ આક્ષેપ થયા ત્યારે વર્ષ ૨૦૧૪માં જ આ મુદ્દે એફઆઈઆર દાખલ થવી જોઈતી હતી, કારણ કે કાયદા હેઠળ તે ફરજિયાત છે, પરંતુ આજદિન સુધી એફઆઈઆર દાખલ થઈ નથી.

જજ લોયાના બે વિશ્વાસુ સાથીનાં મૃત્યુ શંકાસ્પદ : સિબ્બલ 

કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે જજ લોયા ઉપરાંત જસ્ટિસ લોયાએ તેમના પર થઈ રહેલાં દબાણો અને મળી રહેલી ધમકી વિષે વિશ્વાસ મૂકીને જે બે સહયોગીને વાત કરી હતી તેમનાં પણ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયાં હતાં. વકીલ શ્રીકાંત ખંડાલકરનું વર્ષ ૨૦૧૫માં જિલ્લા કોર્ટની ઇમારતના છઠ્ઠા માળેથી પડી જતાં વર્ષ ૨૦૧૫માં મૃત્યુ થયું હતું, તે પછી વર્ષ ૨૦૧૬માં ડિસ્ટ્રિક્ટ જજ પ્રકાશ થોમ્બરે ટ્રેનમાં ટોપ બર્થ પરથી પડી જતાં તેમની કરોડરજ્જુ ભાંગી ગઈ હતી. વિરોધ પક્ષે રાષ્ટ્રપતિને કરેલી અપીલમાં આ કિસ્સાનો પણ સમાવેશ થાય છે.

શું છે કેસ?

  • જસ્ટિસ લોયા બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ કેસમાં સુનાવણી કરી રહ્યા હતા. વર્ષ ૨૦૦૫માં સોહરાબુદ્દીન શેખ અને તેનાં પત્ની કૌસરનું ગુજરાત પોલીસે અપહરણ કર્યું હતું અને કહેવાતી અથડામણમાં તેમને મારી નાખવામાં આવ્યાં હતાં. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના સાક્ષી તુલસીરામનું પણ મૃત્યુ થયું હતું.
  • આ કેસમાં ભાજપઅધ્યક્ષ અમિત શાહનું નામ પણ સંકળાયું હતું. કેસની સુનાવણી કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી હતી. આ કેસમાં એક બીજા ન્યાયાધીશ સુનાવણી કરી રહ્યા હતા પરંતુ ભાજપઅધ્યક્ષ અમિત શાહ કોર્ટમાં પેશ ના થતાં તમણે નારાજગી જાહેર કરી હતી, તે પછી તેમની બદલી થઈ ગઈ. તે પછી કેસની સુનાવણી જસ્ટિસ લોયા પાસે આવી હતી.
  • વર્ષ ૨૦૧૪માં જસ્ટિસ લોયાનું મૃત્યુ થયું ત્યારે તેઓ ભાજપઅધ્યક્ષ અમિત શાહ સામેના હત્યાના આક્ષેપો અંગે નિર્ણય લેવા કોર્ટકાર્યવાહી કરી રહ્યા હતા.
  • ડિસેમ્બર ૨૦૧૪માં જસ્ટિસ લોયાનું નાગપુરમાં મૃત્યુ થયું હતું. એક સહકર્મીની પુત્રીનાં લગ્નમાં હાજરી આપવા ગયા હતા ત્યારે હૃદયરોગના હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું. તે મૃત્યુને શંકાસ્પદ માનવામાં આવ્યું હતું. જસ્ટિસ લોયા પછી જે જજે કેસમાં સુનાવણી કરી તેમણે અમિત શાહને દોષમુક્ત જાહેર કર્યા હતા.
  • તાજેતરમાં એક મેગેઝિને પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે જસ્ટિસ લોયાનું મૃત્યુ સામાન્ય નહીં પણ શંકાસ્પદ હતું, ત્યારથી આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો.
  • તાજેતરમાં જજ લોયાના પુત્ર અનુજ લોયાએ કેટલાક દિવસ પહેલાં પત્રકાર પરિષદ કરીને મુદ્દાને મોટું રૂપ આપવા સામે નારાજગી જાહેર કરી હતી. અનુજે કહ્યું હતું કે તેમના પિતાનું મૃત્યુ કુદરતી રીતે થયું હતું, તેઓ આ વાતને વળ આપવા નથી માગતા.
  • જોકે, લોયાનાં બહેને મૃત્યુને અગાઉ શંકાસ્પદ કહ્યું હતું પરંતુ પુત્રે પિતાનું મૃત્યુ કુદરતી હોવાનું જણાવ્યું છે. ભૂતકાળમાં દાવા પણ થયા હતા કે લોયાને રૂપિયા ૧૦૦ કરોડની લાંચ આપવા પ્રયાસ થયો હતો.