કિશોર ન્યાય અધિનિયમ  શું રક્ષણ આપે છે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • કિશોર ન્યાય અધિનિયમ  શું રક્ષણ આપે છે?

કિશોર ન્યાય અધિનિયમ  શું રક્ષણ આપે છે?

 | 1:26 am IST

લો ફોર લેડિઝ : ડો. અમી યાજ્ઞિાક

જે કિશોરવયની વ્યક્તિઓને સુરક્ષિત જીવન મળેલું છે, જેના મા-બાપ હયાત છે, જેને પોતાનું કુટુંબ છે અને જેને માર્ગદર્શન મળી રહે છે તેવા કિશોરોને કોઈ ચિંતા નથી હોતી, પરંતુ જે કિશોરવયના બાળકોને કાળજી અને રક્ષણની જરૂરિયાત હોય છે અને એવા કિશોરોને યોગ્ય કાળજી, રક્ષણ અને સારવાર મળતી નથી અને કિશોરવયના એવા બાળકો જે કાયદાના સંઘર્ષમાં આવે છે તેવા કિશોરની આપણે અહીંયા વાત કરીએ છીએ.

આપણે આસપાસ નજર નાંખીશું તો આપણે અનેક બાળકો જેને ઘર નથી, જેને રહેઠાણ નથી, જીવન ટકાવી રાખવા માટે કોઈ દેખીતું સાધન નથી, જેનાં મા-બાપ નથી, જેને મા-બાપે ત્યજી દીધેલાં છે અથવા ખોવાયેલા છે અથવા ઘરેથી નાસી છૂટેલા છે અને મા-બાપ તેમને ખોળી શક્યા નથી, જેને ડ્રગ્સ એબ્યુસ અને ડ્રગ્સ ટ્રાફિકિંગમાં ઘસડી લેવામાં આવ્યા છે, જે માનસિક રીતે અથવા શારીરિક રીતે બીમાર છે અને તેમનું રક્ષણ કરવા માટે કોઈ નથી, જે બાળકોનો ઉપયોગ અનૈતિક લાભ માટે લેવામાં આવ્યો હોય છે એવા બાળકોને આપણે મોટી સંખ્યામાં જોઈ શકીએ છીએ. આપણા આધુનિક સમાજની આ એક બિહામણી તસવીર છે. એવું નથી કે, આ કિશોરોનું કાયદાકીય રક્ષણ થઈ શકે તેમ નથી. આવા કિશોરો માટે અને ખાસ કરીને કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરો માટે “કિશોર ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) અધિનિયમ ૨૦૦૦” ઘડવામાં આવેલો છે. આ કાયદાનો આશય કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોને યોગ્ય કાળજી, રક્ષણ અને સારવાર આપીને તેમના વિકાસને લગતી જરૂરિયાતો પૂરી કરી શકાય અને બાળકના હિતને સર્વોત્તમ પ્રાધાન્યતા આપીને બાળમિત્ર ભાવે ન્યાયિક કાર્યવાહી દ્વારા બાળકોનું પુનઃવસન થાય તે છે.

ઉપર જણાવેલા કાયદા હેઠળ “કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરો” એટલે કે એવા કિશોર કે જેના ઉપર કોઈ ગુનાનો આરોપ મૂકવામાં આવેલો હોય અને ગુનો બનતી વખતે જેની ઉંમર ૧૮ વર્ષથી નીચેની હોય અને આવા કિશોરોની જ્યારે અટકાયત કરવામાં આવે ત્યારે તેને ખાસ “ જુવેનાઈલ પોલીસ એકમ” અથવા નિયત કરેલા પોલીસ અધિકારીને જાણ કરવામાં આવે છે અને તે અધિકારીઓ તાત્કાલિક આવા કિશોરને રાજ્ય સરકારે બનાવેલા “ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ” સમક્ષ રજૂ કરવાનો રહે છે. આ કાયદાની જોગવાઈ મુજબ કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરને કોઈપણ સંજોગોમાં પોલીસ કસ્ટડીમાં કે જેલમાં રાખી શકાતા નથી. આવા કિશોરને જામીન મુક્ત કરવા પડે છે, પરંતુ જો ગુનો ગંભીર હોય તો તેને જામીન નહીં આપીને તેને “ ઓબ્ઝર્વેશન હોમમાં” રાખવાના હોય છે. જે કિશોરોને માતા-પિતા હોય અથવા વાલી હોય તો પોલીસ સ્ટેશનના અધિકારીએ તેઓને જાણ કરવી પડે. દરેક કેસમાં પોલીસ અધિકારીએ પ્રોબેશન ઓફિસરને તો જાણ કરવી જ પડે. બોર્ડ સમક્ષ કિશોરને હાજર કર્યા બાદ બોર્ડના મેમ્બર તેની પૂછપરછ કરે છે અને લાગે કે ગુનો કરેલો છે તો કિશોરને યોગ્ય આદેશ આપી શકે છે. આ કાયદા નીચે બોર્ડ કિશોરને યોગ્ય પૂછપરછ કર્યા બાદ, માતા-પિતા અથવા વાલીની સલાહ-મસલત કર્યા પછી, સલાહ અથવા ઠપકો આપી ઘરે જવા દઈ શકે, કિશોરને સામાજિક સેવા માટે આદેશ આપી શકે, કિશોરના માતા-પિતા અથવા ચૌદ વર્ષથી મોટો હોય તો કિશોરને દંડ ભરવા આદેશ કરી શકે, કિશોરને ત્રણ વર્ષ સુધી સારી-ચાલચલગત માટે કોઈપણ માતા-પિતા, વાલી અથવા યોગ્ય વ્યક્તિ ધ્યાન રાખવાનું બોન્ડ રજૂ કરીને ખાતરી આપે તો કિશોરના ભલા માટે મુક્ત કરી શકાય છે અનેક કિસ્સાઓમાં કિશોરને ત્રણ વર્ષ સુધી ખાસ ગૃહમાં મોકલવા આદેશ પણ કરી શકે છે.

ગમે તેવો ગંભીર ગુનો હોય તો પણ આવા કિશોરોને જેલમાં મોકલી શકાય નહીં, પરંતુ આવા કિશોર  જેની વર્તણૂક એવી હોય કે જે તેના હિતમાં ન હોય અથવા ખાસ ગૃહના બીજા કિશોરના હિતમાં ન હોય તો બોર્ડ આવા કિશોરને યોગ્ય લાગે તેવા સલામત સ્થળે રાખવા માટે રાજ્ય સરકારને અહેવાલ મોકલી શકે છે. આવા કિશોરોને આ કાયદા નીચે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરોના નામ, સરનામા કે તેની ઓળખ છતી થાય કે તેના ફોટા કોઈ છાપા, પત્રિકા અથવા મીડિયામાં પ્રકાશિત કરી શકાય નહીં તેવી ખાસ જોગવાઈ આ કાયદા નીચે કરવામાં આવી છે અને આ જોગવાઈના ભંગ બદલ સંબંધિતને રૂ.૨૫,૦૦૦/- સુધીનો દંડ થઈ શકે છે.

આ કાયદો બાળકો અને કિશોરોના હિત માટે છે અને આવા બાળકો અને કિશોરોને રાખવા માટે બાળગૃહો અને આશ્રયગૃહો પણ બનેલાં છે. જ્યાં આ કિશોરોનું પુનઃસ્થાપન થાય અને તેનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવાના હોય છે.

પ્રશ્ન એ થાય છે કે, આવા કાયદા હોવા છતાં, અમુક અંશે સામાજિક જાગૃતિ હોવા છતાં, સરકારના પ્રયત્નો હોવા છતાં, કિશોરોને અને બાળકોને તેમના માનવ અધિકાર કે સામાન્ય અધિકાર પુરા પાડવા માટે કે તેમને ભોગવવા માટે ક્યાંક આપણે ઊણા ઉતરીએ છીએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન