Kabhi Kabhi Devendra Patel's pen came home one day to play with an evil ax
  • Home
  • Columnist
  • કભી કભી : એેક દિવસ દુર્જન કુહાડી લઈને રમાને ઘેર આવ્યો

કભી કભી : એેક દિવસ દુર્જન કુહાડી લઈને રમાને ઘેર આવ્યો

 | 4:19 am IST
  • Share

ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં  નરીચક નામનું એક ગામ છે. આ ગામમાં સિતારાદેવી નામની એક વિધવા રહે છે. તેને એક પુત્ર  રાધેશ્યામ અને પુત્રી સીતા નામનાં બે  સંતાનો છે. રાધેશ્યામનું એક વર્ષ પહેલાં જ રમા નામની ખૂબસૂરત યુવતી સાથે લગ્ન કરાવ્યું છે. સીતા હજી કુંવારી છે. લગ્નના થોડા જ સમય બાદ  રાધેશ્યામ રોજી રળવા ગુજરાત આવ્યો. હવે ઘરમાં મા સિતારાદેવી, રાધેશ્યામની પત્ની રમા અને નાની બહેન સીતા એકલાં જ રહેવા લાગ્યાં.  રમાનો રૂમ અલગ હતો અને સીધો રસ્તા પર પડતો હતો. ગામમાં ઘણા  માથાભારે માણસો રહેતા હતા. ગામના મુખી પ્રતાપને ઘણી બધી જમીન હતી. તે ધનિક હતો. તેણે તેની ખેતીવાડી સંભાળવા તેના દુર્જન નામના સાળાને રાખ્યો હતો. દુર્જનના બનેવી ગામમાં પ્રભાવશાળી માણસ હોઈ તે દિવસ-રાત શરાબ પીને  આવારાગર્દી કર્યા કરતો. તે હજી કુંવારો હતો. ગામની યુવતીઓ સાથે તે છેડછાડ કરતો. કેટલાંયે લોકોએ મુખી પ્રતાપને તેમના સાળા અંગે ફરિયાદો કરી હતી પરંતુ મુખી તેને ગંભીરતાથી લેતા નહીં.

એક દિવસ દુર્જન સિતારાદેવીના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. અને તેણે એક કંતાનની આડશ પાછળ સ્નાન કરી રહેલી રમાને જોઈ લીધી. રમા અજાણ હતી. તે સ્નાન કરવામાં મગ્ન હતી. અચાનક તેની નજર દુર્જન પર પડી અને ગભરાઈને તેણે પોતાના દેહને બે હાથોથી ઢાંકી દીધો અને ઘરની અંદર દોડી ગઈ. એ પછી દુર્જન તો જતો રહ્યો, પણ રમા તેમના દિલમાં વસી ગઈ.

એક રાતની વાત છે. રાતના દસેક વાગ્યા હશે.  દુર્જન શરાબ પીને ખેતરમાં તેના ખાટલા પર આડો પડયો હતો. શરાબના નશામાં રમાનું સૌંદર્ય તેની આંખો આગળ  તરવરવા લાગ્યું. તે ખાટલામાંથી ઊભો થયો. તમંચો લઈ લીધો. રમાની રૂમે પહોંચ્યો. રમાની સાસુ સિતારાદેવી બાજુના ઘરમાં રહેતાં હતાં. રમા તેના રૂમમાં એકલી સૂતી હતી. બારણું ખટખટયું. રમા સમજી કે તેની નણંદ આવી હશે. તેણે બારણું ખોલ્યું. બારણું ખૂલતાં જ દુર્જન અંદર પ્રવેશી ગયો. રમાના માથા પર તમંચો મૂકતા કહ્યું, ‘બિલકુલ શોર મત કરના, વરના જાન લે લુંગા.’

રમા ગભરાઈ ગઈ. તે થર થર કાંપવા લાગી. તે મોંમાંથી કોઈ અવાજ કાઢી  જ શકી નહીં, તેનામાં દુર્જનનો સામનો કરવાની હિંમત નહોતી.  એણે પોતાની જાત  દુર્જનને સર્મિપત કરી દીધી. દુર્જન તેની ઇજ્જત લૂંટી જતો રહ્યો. એ આખી રાત રમા ઊંઘી ના શકી. સવારે ઊઠતાં જ તે તેની સાસુ સિતારાદેવી પાસે ગઈ અને રાતની ઘટના કહી દીધી. રમાએ કહ્યું, ‘ આપ અભી  મુખી કે પાસ જાવ ઔર ઉસે કે સાલે કે બારે મેં શિકાયત કરો.’

સિતારાદેવી પણ મુખીના રોફદાર સાળાના દુષ્કર્મથી લાલચોળ થઈ ગઈ. એ તરત જ મુખી પ્રતાપ  પાસે ગઈ અને પોતાની પુત્રવધૂ સાથે દુર્જને કરેલા કુકર્મની વાત કહી. મુખીએ તરત જ દુર્જનને  બોલાવ્યો અને સિતારાદેવીની હાજરીમાં તેને સખત ઠપકો પણ આપ્યો. દુર્જને સિતારાદેવીની માફી માંગી ‘અબ ઐસા નહીં હોગા.’

સિતારાદેવી ઘેર આવી અને દુર્જને માફી માંગ્યાની વાત વહુને કરી. રમાનું મન થોડુંક શાંત થયું. પરંતુ ફરી એક વાર રાત્રિના  સમયે દુર્જન ખૂબ શરાબ પીને રમાની રૂમે પહોંચી ગયો. આ વખતે તેના હાથમાં અણિયાળું ચાકુ હતું. એણે ચાકુ રમાની છાતી પર મૂકીને કહ્યું, ‘તુમ્હારી સાસ કી શિકાયત કી મેરે પર કોઈ અસર હોનેવાલી નહીં હૈ. અબ મૈં યહાં રોજ આઉંગા.’

રમાએ બીજા દિવસે ફરી તેની સાસુ સિતારાદેવીને ફરિયાદ કરી. સિતારાદેવી પહેલાં તો ગુસ્સાથી ઊભી થઈ ગઈ. પરંતુ થોડીક ક્ષણોમાં બેસી ગઈ. તે બોલી ‘રમા ! હમ લોગ ગરીબ હૈ, ઘરવાલા પરદેશ હૈ. ઇસ ગાંવ મેં દબંગોકા  જંગલરાજ હૈ, યે દબંગ લોંગ હમે જિંદા નહીં  છોડેંગે. ઔર મેરી બેટી સીતા ભી જવાન હો રહી હૈ.’

સાસુની વાત સાંભળી રમા નિરાશ થઈ. તેના રૂમમાં ચાલી ગઈ.  પોતાની જાતને  નિઃસહાય મહેસૂસ કરવા લાગી. એક તો તેનો પતિ બહુ  જ દૂર હતો. રૂમમાં તે એકલી જ રહેતી હતી. પતિસુખથી તે વંચિત હતી અને હવે તો દુર્જન રોજ રાતે આવવા લાગ્યો. દુર્જનનો વિરોધ કરવાથી કોઈ જ પરિણામ આવતું ના દેખાતાં રમાએ પણ હવે મનોમન સમાધાન કરી લીધું. દુર્જન હવે તેને ગમવા લાગ્યો. ના છુટકે રમાએ દુર્જન પ્રત્યેનો વ્યવહાર એકદમ બદલી નાખ્યો. એ પછી તો દુર્જન પોતાનું જ ઘર હોય તેમ દિવસે પણ રમાના રૂમમાં આવતો-જતો થઈ ગયો.

સિતારાદેવીના ધ્યાન પર પણ આ વાત હવે આવી ગઈ. તેણે રમાને કહ્યું ‘તુમ  ઇસ નાલાયક કો ઘરમેં ઘૂસને ક્યોં દેતી હો?’

‘વહ ચાકુ લે કર આતા હૈ.’ રમાએ  કહેવા ખાતર કહ્યું  ‘મેં ક્યા કરું?’

સિતારાદેવી દુર્જનની સામે કાંઈ કરી શકતાં નહોતાં, પરંતુ તેમણે ગામના અન્ય આગેવાનોને તો મુખીના સાળા વિશે ફરિયાદો  કરવા માંડી, પરંતુ મુખીને કહેવાની કોઈની હિંમત નહોતી.

દુર્જન હવે રોજ બપોરે જ દારૂની બોટલ લઈ રમાના રૂમે આવી જતો અને બારણું બંધ થઈ જતું. દુર્જન જાય એટલે સિતારાદેવી રમાને ખૂબ ગાળો દેતાં. સિતારાદેવીને પણ હવે ખબર પડી હતી કે, વહુ જ દુર્જનને સાથ આપે છે. એક દિવસ દુર્જન રમાના રૂમમાં દારૂ પીને સૂઈ ગયો હતો ત્યારે સિતારાદેવીએ રમાના રૂમનું બારણું બહારથી બંધ કરી  નકૂચો ભરાવી દીધો. બૂમાબૂમ કરી ગામના લોકોને એકત્ર કર્યાં. ગામ ભેગું થઈ ગયું. બુમરાણ મચી ગઈ. તે પછી સિતારાદેવીએ બારણું ખોલ્યું અને લોકોને ભેગા થઈ ગયેલા જોઈ દુર્જન ભાગી ગયો. કેટલાક ડાહ્યા માણસોએ વહુને પણ કાબૂમાં રાખવા સિતારાદેવીને સલાહ આપી. રમા રૂમમાંથી બહાર જ ના નીકળી.

બે દિવસ પછી ફરી એક વાર મોડી રાતે દુર્જન દારૂ પીને રમાના રૂમે આવ્યો. રમા તો રાહ જ જોતી હતી. દુર્જને રમાના ગાલને સ્પર્શવા કોશિશ કરી ત્યાં જ તેનો હાથ પકડી લેતા ગુસ્સાથી બોલી, ‘તુમ મેરે પાસ આતે હો લેકીન મેરી સાસ પૂરે ગાંવ મેં મેરી બેઇજ્જતી કરતી હૈ ઔર તુમ કુછ નહીં કરતે.’

‘તો ક્યા કરું મૈં?’ દુર્જને પૂછયું.

રમા બોલી- ‘હમારે દોનો કે બીચ સે હટા લો મેરી સાસ કો.’

દુર્જન પણ હવે રમા પાછળ  પાગલ હતો. રમા કહે તે કરવા તે તૈયાર હતો. તે મોહાંધ બની ચૂક્યો હતો. એણે રમાને કહ્યું , ‘ઠીક હૈં, મૈં થોડે દિન મેં તેરી સાસ કો ઠિકાને લગા દુંગા.’

બીજા દિવસે તે કપડાંમાં વીંટાળેલી કુહાડી લઈ આવ્યો અને રમાના રૂમમાં સંતાડી  દીધી. સિતારાદેવીને ખતમ કરી દેવાનો દિવસ પણ નક્કી કરવામાં આવ્યો. બે દિવસ પછી ભાદરવી પૂનમ આવતી હતી. પૂનમના દિવસે તેની નણંદ સીતા સહિત ગામના મોટા ભાગના લોકો મેળામાં જતા અને ખૂબ મોડી રાતે પાછા આવતા. એટલે સમી સાંજે જ સિતારાદેવીને ઘરમાં પતાવી દેવાનું નક્કી થયું.

ભાદરવી પૂનમ આવી પહોંચી.ગામના મોટાભાગના લોકો સવારથી જ મેળામાં જતા રહ્યા. આજે  તો દુર્જન બપોરથી જ દારૂની બોટલ લઈ રમાના રૂમમાં આવી ગયો હતો.  એણે બપોરથી જ શરાબ પીવા માંડયો. સાંજ પડવાને હજી વાર હતી.  બપોરે ખૂબ પીને રમાના રૂમમાં જ રોકાઈ ગયો અને અચાનક બુમરાણ મચી ગઈ. રમાના રૂમમાંથી ચીસો બહાર આવતી હતી. રમાનાં કપડાં પર લોહીના ફુવારા હતા. રમાની બૂમો સાંભળી આસપાસના થોડા લોકો ભેગા થઈ ગયા. બધાએ અંદર જઈ જોયું તો રમાનો પતિ રાધેશ્યામ લોહિયાળ કુહાડી લઈ બહાર આવ્યો. એ રમા તરફ કુહાડી ફેંકતાં બોલ્યો , ‘સાલી નાલાયક, જા અબ જા તેરે દુર્જન કે પાસ.’

ઘરની અંદર દુર્જનની લોહીથી લથપથ લાશ પડી હતી. દુર્જન અને રમા સિતારાદેવીને ખતમ કરવાની યોજના અમલમાં મૂકે તે પહેલાં સિતારાદેવીએ પુત્ર રાધેશ્યામને બોલાવી લઈ દુર્જનને પતાવી દેવાની પોતાની યોજનાનો અમલ કરાવી દીધો હતો. દુર્જન અને રમાએ એક જ દિવસ પહેલાં તેમની યોજનાનો અમલ કર્યો હોત તો સિતારાદેવી પતી જાત. પરંતુ એક દિવસના ફરકમાં બધું ઊલટસૂલટ થઈ ગયું. ગામ આખું સ્તબ્ધ થઈને જોઈ રહ્યું. મુખી પ્રતાપ પણ દોડી આવ્યા અને પોતાના સાળાની લાશ ટ્રેક્ટરની ટ્રોલીમાં નાંખી લઈ ગયા. એ પછી રાધેશ્યામ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો. રમા ફરી એકાકી બની ગઈ. પતિ જેલમાં ગયો અને પ્રેમી ઉપર ગયો. સીધી અને સરળ સ્ત્રી માટે પણ એકલવાયું જીવન અને એકાંત ક્યારેક ગંભીર પરિણામો લાવી શકે છે.

– દેવેન્દ્ર પટેલ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો