કદમ કદમ પર લગતા હૈ  ઐસા યે કાંટો ભરી ડગર હૈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • Chini Kam
  • કદમ કદમ પર લગતા હૈ  ઐસા યે કાંટો ભરી ડગર હૈ

કદમ કદમ પર લગતા હૈ  ઐસા યે કાંટો ભરી ડગર હૈ

 | 2:23 am IST
  • Share

ચીની કમ

કોરોના વાઇરસની મહામારીમાં વિશ્વના ૨૦૦ જેટલા દેશો સપડાયેલા છે. અમેરિકા, બ્રિટન, સ્પેન, જર્મની કે ઇટલી જેવા અદ્યતન ટેક્નોલોજીવાળા દેશો પણ તેમાં સપડાયેલા છે, પરંતુ ભારતની સમસ્યા એ બધા દેશો કરતાં અલગ છે. પશ્ચિમના એ દેશોમાં કોરોનાના કારણે હજારો લોકોનાં મોત નીપજ્યાં છે. એ દેશોની સરખામણીમાં ભારતમાં મૃત્યુનો આંકડો ઓછો છે પણ એ દેશો કરતાં ભારતની સમસ્યા જુદી અને એક બીજી રીતે વધુ જટીલ છે. પશ્ચિમના દેશોમાં ભારત જેટલા શ્રમિકો નથી. ભારતમાં કરોડો શ્રમિકો પોતાનું વતન છોડીને બીજાં પ્રાંતોમાં પેટિયું રળવા જાય છે. કોરોનાથી ડરી ગયેલા કરોડો શ્રમિકો હવે પોતાના વતન પાછા ફ્રી રહ્યા છે. આ ઘટનાને ‘ધી ગ્રેટ એક્સોડસ’ કે મહાન હિજરત કહી શકાય.

ભારતના ભાગલા વખતે

આવી હિજરત ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા પછી જોવા મળી હતી. ખંધા અંગ્રેજોએ જતાં જતાં ભારતમાં રહેતી પ્રજાની નબળાઈ જાણી જઈ મોહંમદઅલી ઝીણાને હાથો બનાવી દેશના ભાગલા કરાવ્યા અને તે પછી લાખો હિંદુઓ પાકિસ્તાનમાંથી ભારત આવવા લાગ્યા. એ જ પ્રમાણે એટલી જ મોટી સંખ્યામાં મુસલમાનો પાકિસ્તાન જવા લાગ્યા. એ બધા બળદગાડામાં બેસી આવી રહ્યા હતા. હજારો લોકો પગપાળા પણ પલાયન થઈ રહ્યા હતા. એમાં કોમી તોફનો થયાં અને ૧૦ લાખથી વધુ લોકોનાં મોત થયાં એ આ દેશના ઇતિહાસની કરુણતમ ઘટના છે.

મહા પલાયન

હવે ૧૯૪૭ પછી કોમી બનાવના કારણે નહીં, પરંતુ કોરોનાના ડરથી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી કે તેલંગાણા જેવા પ્રદેશોમાં રહેતા શ્રમિકો હજાર-હજાર કિલોમીટર ચાલીને, સાઇકલ પર, સાઇકલરિક્ષામાં, બસમાં કે કન્ટેનરમાં બેસીને વતન જવા નીકળ્યા છે. કોઈ માતાએ તેના ખભે બે-બે બાળકો ઊંચાં કર્યા છે. કોઈ પુત્રએ વૃદ્ધ માને પીઠ પર ઊંચકી છે. હાઇવે પર પોતાનાં ભૂખ્યાં સંતાનો સાથે પગપાળા વતન જવા સેંકડો કિલોમીટરનું અંતર કાપી રહેલી એક મહિલા પણ દેશની બેબસ ‘મધર ઇન્ડિયા’ છે. પોલીસના ડરથી તે બધાં નવી નવી પગદંડીઓ શોધે છે. આ પરિવારોને કોઈ મોટર-બંગલાનાં સ્વપ્નો નથી. તેમને તો તેમના હાથમાં કે માથા પર જે પોટલું છે તે  જ તેમની મિલકત છે. બસ, બે ટંક પેટ ભરવું છે. ‘મધર ઇન્ડિયા’નું પેલું ગીત આજે પણ યથાર્થ છે. એ એના બાળકોને જાણે કે કહી રહી છે, દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન અગર ઝહર હૈ તો પીના હી પડેગા.

– બસ આ રીતે દેશની ‘મા’  રડતી રડતી પોતાનું ઘર શોધી રહી છે. કોઈ મા એક બેગ ખેંચી રહી છે અને નાનકડું બાળક બેગ પર બેઠેલું છે. કોઈ મુંબઈમાં ધંધો કરવા ખરીદેલી રિક્ષામાં પોતાના પરિવારને લઈ બિહાર જવા નીકળ્યું છે. પોલીસ પૂછે છે કે, અંદર  કોણ છે ? તો જવાબ મળે છે : ”અંદર મારી મૃત્યુ પામેલી મા અને પુત્રનો મૃતદેહ છે.”

આવા હૃદયદ્રાવક  દૃશ્યો ભારતે આજ સુધી જોયાં નથી. આ  દૃશ્યો જોઈને આંખમાંથી આંસુ સરી પડે છે. આ ગ્શ્યો નિહાળતાં નિહાળતાં થતી અનુકંપાના વર્ણન માટે કોઈ શબ્દો નથી. દેશનું ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા પોતાની ફ્રજ બરાબર બજાવી રહ્યંુ છે. રોજેરોજનું કમાઈ ખાનાર શ્રમિકો ભૂખમરાથી મરી રહ્યા હોય તેમ લાગે છે. કોઈને પૂછવામાં આવે તો કોઈ મજદૂર કહે છે, ”અમે બિસ્કિટ ખાઈને ચલાવી લઈએ છીએ. નાનાં બાળકોને પાણીમાં બિસ્કિટ ઓગાળી ખવડાવી તેમને જીવતાં રાખવા પ્રયાસ થાય છે. લાગે છે કે, બિસ્કિટ જ દેશનો રાષ્ટ્રીય ખોરાક બની ગયો છે.”

પોતાના દેશમાં અનજાન ?

એથીયે વધુ મોટી મુશ્કેલી એ છે કે, કેટલાંક રાજ્યોએ તેમની સીમાઓ સીલ કરી દીધી હતી. રાજ્યોની સીમાઓ સરહદો બની ગઈ હતી. કેટલાંક રાજ્યોની સરકારો તેમના જ પ્રદેશના શ્રમિકોને પ્રવેશવા દેતા નહોતા. હવે રાજ્યોની સીમાઓ ખોલવામાં આવી છે. કેટલાયે લોકોના પગમાં છાલાં પડી ગયાં છે. ભારતનો નાગરિક એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશતાં જાણે કે ‘અનજાન’ નાગરિક બની ગયો હોય તેમ લાગે છે. પ્રવાસી શ્રમિકોને ખાવાનું તો ઠીક પણ પીવાનું સ્વચ્છ પાણી પણ મળતું નથી. શહેરો ખાલી થઈ રહ્યાં છે. શહેરોને ચમકાવવાવાળા આ શ્રમિકો હવે પોતે જ નિરાશા, હતાશા અને દુઃખોથી ભરેલા અંધકારના ગર્તામાં લુપ્ત થઈ રહ્યાં છે. એ બધાના મનમાં અંધકાર છે પણ એક માત્ર ઈશ્વરના ભરોસે તેઓ હજાર કિલોમીટરની યાત્રાએ નીકળ્યાં છે ત્યારે ઈશ્વરને પૂછવાનું મન થાય છે :

કહાં રહતે હો પ્રભુ

કહાં રહતો હો યે તુમ બતાઓ

તુમ્હેં ખોજું કહાં, તુમ્હેં ઢુઢું કહાં

અધૂરા મૈં તેરે બિના”

શ્રમિકો કચડાય છે

હૃદય ચિરાઇ જાય એવી વાત તો એ છે કે ભગવાન ભરોસે નીકળેલા આ શ્રમિકો પૈકી રોજ આઠથી દસ જણા હાઈવે પર ટ્રકની નીચે કચડાઈ જાય છે. હાઇવે પર પોલીસ રોકે છે તો શ્રમિકો રાતના સમયે જ્યાં પોલીસ નથી એવા રેલવે ટ્રેક પર ચાલવાનું પસંદ કરે છે. આખી રાત ચાલ્યા બાદ સવારે પાંચ વાગે રેલવેના પાટા પર જ તેમની આંખ મીંચાઈ જાય છે તો તેમના પરથી ટ્રેન પસાર થઈ જાય છે. એક ડઝનથી વધુ શ્રમિકો બાળકો સાથે કચડાઈ જાય છે. આવાં હૃદયદ્રાવક  દૃશ્યો આજ સુધી જોવા મળ્યાં નથી. લાગે છે કે, ગરીબી એ અભિશાપ છે. કોરોનાના ખૌફે કરોડો શ્રમિકોને પલાયન થવા મજબૂર કરી દીધા છે અને મહાભિનિષ્ક્રમણ કોરોના કરતાંયે વધુ ભયાનક છે. જે લોકો શહેરો છોડીને પોતાના વતન જઈ રહ્યાં છે તે ક્યારે પાછા આવશે તેની કોઈ ગેરંટી નથી. ફેક્ટરીના માલિકો અને મજદૂરોનો નાતો તૂટી રહ્યો છે.

સરકારના પ્રશંસનીય પ્રયાસો

હા, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ સમસ્યાની ગંભીરતાને લક્ષ્યમાં લઈ શ્રમિકો માટે ખાસ ટ્રેનો દોડાવી તેમને તેમના વતન પાછા મોકલવા ભગીરથ પ્રયાસો આદર્યા છે. એ સરાહનીય છે કે, ભારત સરકારે ૮ કરોડ પ્રવાસી શ્રમિકોને બે મહિના સુધી મફ્ત અનાજની વ્યવસ્થા કરી છે. ગુજરાત સરકારે પણ અસંખ્ય ટ્રેનો દ્વારા લાખો શ્રમિકોને તેમના રાજ્યોમાં રવાના કર્યા છે.  સરકારના પ્રયાસો પ્રશંસનીય છે, હવે સમાજ પણ આગળ આવે. પરંતુ આટલા વિશાળ દેશમાં બધું જ સરકાર કરી શકે નહીં. સામાજિક સંસ્થાઓએ અને ધાર્મિક ટ્રસ્ટોએ પણ એમને આશ્રય અને ભોજન આપવા બહાર આવવું પડશે. કેટલાક પ્રવાસી શ્રમિકો પાસે તો ખાવાનું જ નથી. પગે ચાલીને જતાં મજદૂરોને જોઈ હિંદુસ્તાનની ધરતી પર દર્દનો દરિયો ઊભરાયો હોય તેમ લાગે છે.  દૃશ્યો જોઈને નિઃશબ્દ થઈ જાય છે. કોરોનાથી તો લોકો મરી રહ્યા છે, પરંતુ પલાયન થઈ રહેલા શ્રમિકો ભૂખમરાથી પણ મરી ના જાય તે જોવાની જવાબદારી સમાજની, ધાર્મિક સંસ્થાઓની અને ધનવાનોની છે. શ્રમિકો દેશના અંતિમ અને છેવાડાના વ્યક્તિ છે. એ દરેકને પોતપોતાના ઘરે જવું છે. એ બધાને લાગે છે કે ઘરે જઈશું તો જ શાંતિ મળશે. આજે તો લાગે છે કે દેશના અંતિમ વ્યક્તિનું દર્દ અંતહીન છે.

એક મહારાણી આવાં હતાં

અત્રે એ નોંધવું જરૂરી છે કે, ૧૯૪૭માં દેશના ભાગલા બાદ પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓ માટે પટિયાલાનાં મહારાણી મોહિન્દર કૌરે પોતાના શાહી મહેલના દરવાજા ખોલી નાખ્યા હતા. તેઓ ખુદ શરણાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરતાં હતાં. પોતે મહારાણી હોવા છતાં ઉઘાડા પગે નિઃસહાય શરણાર્થીઓની સેવા કરતાં હતાં. તબીબી કેમ્પોનું જાતે જ નિરીક્ષણ કરતાં હતાં. પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના પુનર્વસનનું કામ પણ તેમણે કર્યું હતું. મહારાણી મોહિન્દર કૌરના પુત્ર કેપ્ટન અમરિન્દરસિંહ આજે પંજાબના મુખ્યમંત્રી છે.

યાદ રહે કે પ્રવાસી શ્રમિકોનો મુદ્દો રાજનીતિ કરવાનો મુદ્દો નથી. આ દેશ પર પહેલી જ વાર આવું ભયાનક સંકટ આવ્યું છે. સરકાર બનતું બધું જ કરી રહી છે ત્યારે આ વિષય પર રાજનીતિ કરવી યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન